સુત્રાપાડા - કોડીનારમાં મેઘરાજા ઓળઘોળ, 7 ઈંચ પાણી વરસાવ્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુત્રાપાડા અને કોડીનાર પંથકમાં મેઘરાજાએ 7 ઈંચ જેવુ પાણી વરસાવી ધરાને તરબોળ કરી હતી.

સુત્રાપાડા : સુત્રાપાડામાં સતત પાંચ દિવસથી વરસાદ પડી રહયો હોય તાલુકામાં મોસમનો 40 ટકા વરસાદ નોંધાયો છે. શુક્રવારે સવારે 7 થી સાંજનાં 4 સુધીમાં 7 ઇંચ પાણી પડી ગયું હતું. સુત્રાપાડામાં ભુગર્ભ ગટરની નબળી કામગીરીથી રસ્તા બેસી જતાં વાહનો ફસાયાં હતાં. પશુ માટે લીલો અને સુકા ઘાસચારાની તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં એવી ખેડુતોમાંથી માંગ ઉઠી છે. પ્રશ્નાવડામાં 9 ઇંચ પાણી પડી જતાં આરોગ્ય કેન્દ્રમાં પાણી ઘુસી ગયું હતું. શાળાએથી બાળકોને ઘરે પહોંચાડવા ટ્રેકટરની વ્યવસ્થા કરાઇ હતી.

ધામળેજ : ધામળેજ, રાખેજ, કણજોતર, થોરડી સહિતનાં ગામોમાં ભારે વરસાદ પડયો હતો. બરડા બંધારા ડેમ છલકાતાં આસપાસનાં ગામોને સિંચાઇનું પાણી મળતાં રાહત પ્રસરી છે. પંથકની ખાનગી અને સરકારી શાળાઓમાં શુક્રવારે રજા જાહેર કરી દેવાઇ હતી. ધામળેજની કસ્તુરબા બાલીકા વિદ્યાલય, ભભા વિદ્યાલય આસપાસ પાણી ભરાતાં છાત્રો હેરાન થયાં હતાં. રાખેજમાં નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં લોકો હાલાકીમાં મુકાયાં હતાં. સોમત નદીમાં વધુ પાણી આવતાં બે કાંઠે ગાંડીતુર થઇ છે.

ડોળાસા : કોડીનાર, ડોળાસા સહિતનાં પંથકમાં 7 ઇંચથી વધુ પાણી પડી ગયું હતું. સતત ચોથા દિવસે મેઘરાજાની કૃપા રહી હતી. ડોળાસા પંથકની સાંગાવાડી, રૂપેણ, માઢ, ચંદ્રભાગા નદીમાં પુર આવતાં પીપળવા ડેમ ઓવરફલો થયો હતો. ડોળાસા બાયપાસનાં કામને લીધે ચીખલી રોડ પર 4-4 ફુટ પાણી ભરાતાં લોકો હેરાન થયાં હતાં.

તાલાલા : તાલાલામાં વધુ 3.5 ઇંચ વરસાદ પડી ગયો હતો. જંગલ વિસ્તારમાં સારા વરસાદથી કમલેશ્વર ડેમમાં પાણીની આવક થતાં હાલ 17.5 ફુટની સપાટીએ પહોંચ્યો છે.

વેરાવળ : વેરાવળમાં વધુ 3 ઇંચ પાણી પડી ગયું હતું. દરિયામાં ઉંચા મોજાં ઉછળ્યાં હતા. માછીમારોને ફિશીંગમાં ન જવા તંત્ર દ્વારા જણાવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...