Home » Saurashtra » Rajkot District » Jasdan » વીંછિયા ગોમા નદીમાંથી ગેરકાયદે દબાણો વધ્યા છતાં તંત્ર અજાણ

વીંછિયા ગોમા નદીમાંથી ગેરકાયદે દબાણો વધ્યા છતાં તંત્ર અજાણ

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 03:05 AM

ટીડીઓએ ગ્રામપંચાયતને દબાણ હટાવવા નોટિસ આપી હતી તંત્રની મંજૂરી વગર દબાણ કરાતું હોય તો તેને અટકાવવા માગ

  • વીંછિયા ગોમા નદીમાંથી ગેરકાયદે દબાણો વધ્યા છતાં તંત્ર અજાણ
    વીંછિયામાં નવનિર્મિત સેવાસદનનાં ઉદઘાટન પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આવનાર હોવાની વાતને લઈને શહેરભરમાં સાફ-સફાઈ અભિયાન હાથ ધરવા સરકારી તંત્ર દ્વારા ગ્રામપંચાયતને જવાબદારી સોંપવામાં આવી હતી. પરંતુ આજદિન સુધીમાં વીંછિયા ગ્રામપંચાયત દ્વારા ગોમા નદીની સાફ-સફાઈ અને ગોમા નદીમાં કરેલા ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરી કરવામાં નહી આવતા દબાણકારોને મોકળું મેદાન મળી ગયું હતું. આ અંગે વીંછિયા તાલુકા વિકાસ અધિકારીએ ગ્રામપંચાયતને ગેરકાયદેસર દબાણો હટાવવા સહિતની કાર્યવાહી તાત્કાલિક હાથ ધરવા માટે નોટીસ ફટકારી હતી. પરંતુ વીંછિયા ગ્રામપંચાયતે ગોમા નદીમાંથી ગેરકાયદેસર ખડકેલા દબાણો હટાવવા સહિતની એક પણ કાર્યવાહી હાથ નહી ધરતા લોકોમાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. હાલ વીંછિયા ગ્રામપંચાયતની ઢીલીનિતીના લીધે અમુક લોકોએ ગોમા નદીમાં નવા ગેરકાયદેસર બાંધકામોનાં કામો શરૂ કરી દેતાં અનેક સવાલો ઉઠવા પામ્યા છે.

    તા.પં. કે ગ્રા.પં.ની મંજુરીથી દબાણ થતું હોય તો બધાને હક્ક મળવો જોઈએ

    વીંછિયાના નાગરિક મહેબુબભાઈ આલમભાઈ શેખે ટીડીઓને આપેલી અરજીમાં જણાવ્યું છે કે, અગાઉ ગોમા નદીમાં બીમ કોલમ ઉપર દબાણ કરાયેલું અને તેનું ડીમોલેશન કરી એક વખત દબાણ દુર કરવામાં આવ્યું હતું. પરંતુ તે સમયે પણ અમુક જ દબાણો દુર કરવામાં આવ્યા હતા. હાલ આ નદીમાં બીમ કોલમ ઉપર દબાણ ચાલુ છે અને તેના પર કામકાજ પણ ચાલુ છે. જો એકવાર દબાણ હટાવ્યા બાદ ફરી દબાણ થતું હોય તો કોના કહેવાથી આ દબાણ થાય છે. જો તાલુકા પંચાયત કે ગ્રામપંચાયતની મંજુરીથી થતું હોય તો બધાને હક્ક મળવો જોઈએ. જો કોઈની મંજુરી વગર આ દબાણ કરાતું હોય તો તેની તપાસ કરી દબાણ દુર કરેે તેવી માગ કરી હતી.

    ગ્રામપંચાયતને દબાણ પ્રશ્ને ટીડીઓએ આપેલી નોટિસ પણ ઓગળી ગઈ

    વીંછિયાની ગોમા નદીનાં સફાઈ અને ગેરકાયદેસર દબાણ હટાવવા પ્રશ્ને તાલુકા વિકાસ અધિકારી બેલીમે અગાઉ ગ્રામપંચાયત સામે લાલઆંખ કરી વીંછિયા ગ્રામપંચાયતને ગોમા નદીમાં સાફ-સફાઈ કામગીરી પૂર્ણ કરવા અને ગોમા નદીમાં કરાયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની નોટિસ ફટકારી હતી. જો નોટીસની તાકીદે અમલવારી કરવામાં નહી આવે તો વીંછિયા ગ્રામપંચાયત સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી તાકીદ કરવામાં આવી હતી. પરંતુ આજદિન સુધીમાં વીંછિયા ગ્રામપંચાયતે કોઈ જ કાર્યવાહી નહી કરતા જાણે કે ટીડીઓએ આપેલી નોટીસ ઓગળી ગઈ હોય તેવા ઘાટ જોવા મળ્યા હતા.

    હું તપાસ કરાવું છું

    આ અંગે વીંછિયા તાલુકા વિકાસ અધિકારી આર.ડી.પરમાર સાથે ટેલીફોનીક વાત કરતા જણાવ્યું હતું કે, હું રજા ઉપર હતો જેથી મને ખબર નથી. હું તેની તપાસ કરાવું છું. આર.ડી.પરમાર, તાલુકા વિકાસ અધિકારી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending