મધ્યાહન ભોજનમાં ચાલતો ગેરવહીવટ બંધ કરવા માગ
જામજોધપુરતાલુકામાં રાજ્ય સરકાર આયોજિત મધ્યાહન ભોજન યોજના સરકારી શાળા માટે ચલાવવામાં આવે છે. જેમાં લોકો દ્વારા ફરિયાદ કરવામાં આવી છેકે, જામજોધપુરમાં મધ્યાહન ભોજન હેડ ઓફિસમાં વહીવટ અનઅધિકૃત વ્યક્તિ ચલાવે છે.
પ્રાપ્ત વિગત મુજબ જામજોધપુર તાલુકામાં મધ્યાહન ભોજનની હેડ ઓફિસમાં સરકારી કર્મચારીની ગેરહાજરીમાં અન્ય વ્યક્તિ વહીવટ સંભાળે છે અને જોહુકમી ચલાવે છે જેમાં અનાજના દુકાનદારો સાથે સાઠગાંઠ ધરાવે છે તેવો આક્ષેપ મૂકવામાં આવ્યો છે. ઘણા સમયથી મધ્યાહન ભોજનની અનેક જગ્યાઓ ખાલી હોવાથી ઉચ્ચ અધિકારીઓ દ્વારા લાગતા વળગતાઓને ચાર્જ આપવામાં આવે છે જેમાં બાળકો માટેનું ભોજન પણ સમયસર વિતરણ કરાતું નથી, તેમજ કયારેક ઓછું અને વાસી ભોજન આપવામાં આવે છે.
પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગ્રામજનોએ બાળકોના આરોગ્ય માટે તાજુ અને પૂરતા પ્રમાણમાં ભોજન મળી રહે તેવી વ્યવસ્થા કરવા ઉચ્ચ અધિકારી દ્વારા તપાસની માગ કરવામાં આવી છે, ત્યારે જોવાનું રહ્યુ કે તપાસ કયારે થશે અને અધિકારીઓ મુદ્દાને ગંભીર રીતે લે છે કે નહીં. સરકાર દ્વારા બાળકોને પોષણયુક્ત ભોજન આપવાની વાતો કરવામાં આવે છે, પરંતુ બાળકો સુધી પોષણયુક્ત ભોજન પહોંચતું નથી ત્યારે ગંભીર બાબતે સરકારે જાગૃત થવાની જરૂર છે. તંત્ર દ્વારા બાબતે તાકીદે પગલાં લઇ કાર્યવાહી કરે તેવી માગ ઊઠી છે.