ધોરાજીમાં ભારે વરસાદથી નદીમાં ઘોડાપુર, અન્યત્ર ઝાપટાં
અષાઢમાસ ચાલી રહ્યો હોય, અને વરસાદ હાજરી પૂરાવે તેવું તો કેમ બને! રાજકોટ અને મોરબી જિલ્લાના મોટાભાગના શહેરોમાં આજે બુધવારે મેઘાડંબર અને ભારે બફારા વચ્ચે છૂટાછવાયા ઝાપટાં વરસ્યા હતા. મોરબી જિલ્લાના હળવદમાં એક ઇંચ પાણી પડ્યું હતું જ્યારે ધોરાજીમાં પણ સારા વરસાદના લીધે સફૂરા નદીમાં ઘોડાપૂર ઉમટ્યા હતા. મોરબી જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેરથી ખુશીની લહેર ફરી વળી છે. માળિયા, હળવદ, ટંકારા અને વાંકાનેર પંથકમાં હળવા ભારે ઝાપટાં પડ્યા હતા. હળવદમાં 1 ઇંચ, ટંકારામાં 17 મીમી, વાંકાનેરમાં 10 મીમી વરસાદ નોંધાયો હતો. આગોતરા વાવણી કરી ચૂકેલા ખેડૂતોમાં હર્ષની લાગણી ફરી વળી હતી અને તેમના ચહેરા ખુશીથી મલકી ઉઠ્યા હતા.
નવલખી બંદરે ત્રણ નંબરનું સિગ્નલ
મોરબીજિલ્લા ફ્લડ કન્ટ્રોલના અધિકારીઓએ જણાવ્યું હતું કે અરબી સમુદ્રમાં સર્જાયેલા અપર એર સર્ક્યુલેશનના પગલે ભારે પવન અને વરસાદની આગાહી કરવામાં આવી છે તેના પગલે મોરબીના મહત્વના એવા નવલખી બંદરે ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે અને માછીમારોને દરિયો ખેડવા તાકીદ કરવામાં આવી છે.
ભારે બફારા બાદ મોરબી જિલ્લાના હળવદમાં એક ઇંચ પાણી વરસી ગયું