તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સૌરાષ્ટ્રની નબળી ફિલ્ડિંગ, મુંબઇની લીડ

સૌરાષ્ટ્રની નબળી ફિલ્ડિંગ, મુંબઇની લીડ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સૌરાષ્ટ્રનીનબળી ફિલ્ડિંગે અહીં રમાઇ રહેલા રણજી ફાઇનલમાં ગુરુવારે બોલરોની મહેનત પર પાણી ફેરવ્યું હતું . સૌરાષ્ટ્રના પ્રથમ દાવના 235 રનનો પીછો કરતા મુંબઇએ 8 વિકેટના ભોગે 262 રન રન નોંધાવીને 27 રનની મહત્ત્વપૂર્ણ સરસાઇ મેળવી હતી. મુંબઇની શરૂઆત નબળી રહી હતી. જયદેવ ઉનડકટે ફક્ત 23 રનના સ્કોરે બે વિકેટ ઝડપીને સૌરાષ્ટ્રને ડ્રાઇવિંગ સીટ પર લાવી દીધું હતું. ત્યાર બાદ કમનસીબી રહી કે સૌરાષ્ટ્ર માટે બેટિંગમાં તારણહાર અર્પિત વસાવડાએ સ્લીપમાં બે કેચ છોડ્યા હતા. જેમાં શ્રેયસ ઐયરનો કેચ ગુમાવવો સૌરાષ્ટ્રને ભારે પડ્યો હતો. 16મી ઓવરના પ્રથમ દડે અંગત 37 રને જીવતદાન મેળવનાર ઐયરે સદી (117 રન)ફટકારી હતી. જ્યારે અર્પિતે બીજો કેચ અભિષેક નાયરનો છોડ્યો હતો. બન્ને વખતે કમનસીબ બોલર દીપક પુનિયા હતો. જોકે ટી ટાઇમ બાદ સૌરાષ્ટ્રને અન્ય સીમર હાર્દિક રાઠોડે પોતાના રિવર્સ સ્વિંગથી મુંબઇના ત્રણ બેટધરોને પેવેલિયન ભેગા કરતા સૌરાષ્ટ્રને રાહત થઇ હતી. બીજા દિવસની રમતના અંતે એસ લાડ 22 અને ઇકબાલ અબ્દુલ્લા 9 રને બેટિંગમાં હતા. પહેલા બીજા દિવસે સવારે સૌરાષ્ટ્રે 8 વિકેટે 192 રનના સ્કોરેથી પોતાનો અધૂરો દાવ આગળ ધપાવ્યો હતો. જયદેવ ઉનડકટે 2 બાઉન્ડરી અને 2 સિક્સર સાથે 26 બોલમાં 31 રન બનાવી સૌરાષ્ટ્રને સન્માનજનક સ્થિતિએ પહોંચાડ્યું હતું. ટીમ સ્કોર જ્યારે 235 પર પહોંચ્યો ત્યારે પ્રેરક માંકડ અંગત 66 રને પેવેલિયન પરત ફર્યો હતો. સ્કોરે તુરંત ઉનડકટ પણ આઉટ થઇ જતા સૌરાષ્ટ્રનો પ્રથમ દાવ સમેટાયો હતો. દરમિયાન નબળી શરૂઆત બાદ મુંબઇ શ્રેયસ ઐયર અને સૂર્યકુમાર યાદવ વચ્ચે નોંધાયેલી 152 રનની ત્રીજી વિકેટની ભાગીદારીથી મજબૂત સ્થિતિમાં આવી ગયું હતું. સૌરાષ્ટ્ર વતી ચિરાગ જાનીએ ઐયર સહિતની બે વિકેટ ઝડપી અને પુનિયાએ યાદવની વિકેટ ઝડપીને મુંબઇને મોટો સ્કોર ખડકતા અટકાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...