આજનો ઈતિહાસ...

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આજે આંકડાશાસ્ત્રી અને વૈજ્ઞાનિક પ્રસન્તાચન્દ્ર મહાલનોબીસનો જન્મદિવસ છે. આંકડાશાસ્ત્રીય સંશોધનો અને તેનો આનુષંગિક શાસ્ત્રો-વિજ્ઞાનોમાં ઉપયોગ વગેરેમાં તેમનું કામ હતું. પ્રસિદ્ધ વ્યક્તિઓની સફળતા પાછળ તેની વ્યક્તિગત બુદ્ધિમત્તા ઉપરાંત કૌટુંબિક પરિવેશ પણ મહત્વનો હોય છે. પ્રસન્તાના દાદા ગુરુચરણ રવીન્દ્રનાથ ટાગોરના પિતા દેવેન્દ્રનાથ ટાગોર સાથે બ્રહ્મોસમાજમાં કામ કરતા હતા. તેમણે વિધવા પુન:લગ્ન કરી સમાજસુધારાનો ઉત્તમ દાખલો બેસાડ્યો હતો. પિતા પ્રબોધચંદ્ર અને માતા નીરોદબશીની પણ સુશિક્ષિત હતાં તો તેમના કાકા કલકત્તાની પ્રસિદ્ધ પ્રેસિડેન્સી કોલેજમાં ફિઝિઓલોજીના પ્રોફેસર હતા. કોલેજમાં જગદીશચંદ્ર બોઝ અને પ્રફુલચંદ્ર રાય જેવા વિદ્વાનો તેમના શિક્ષકો હતા સુભાષચંદ્ર બોઝ તેમના જુનિયર હતા. ટૂંકમાં પ્રસન્તાનો ઉછેર બોદ્ધિક આબોહવામાં થયો હતો. તેમણે ઉચ્ચ શિક્ષણ ભારત અને બ્રિટનની કિંગ્સ કોલેજ (કેમ્બ્રિજ યુનિ.)માંથી પ્રાપ્ત કર્યું હતું. અભ્યાસ પછી કલકત્તાની પ્રેસિડેન્સી કોલેજમાં ફિઝિક્સના પ્રોફેસર બન્યા હતા. પ્રસન્તા મૂળ તો આંકડાકીય વિગતોની પ્રાપ્તિ અને તેના વિશ્લેષણના જીવ હતા. હવામાનશાસ્ત્ર અને માનવશાસ્ત્રની સમસ્યાઓને સમજવામાં આંકડાશાસ્ત્ર કેવી રીતે ઉપયોગી થઇ શકે તેના અભ્યાસ તરફ તેઓ આકર્ષાયા હતા. તેમણે માનવજૂથોની સામાજિક-આર્થિક સ્થિતિની સરખામણી કરવા માટે આંકડાકીય પદ્ધતિ, ફ્રેક્ચલ ગ્રાફિકલ વિશ્લેષણની પદ્ધતિ અખત્યાર કરી હતી. તેમની પદ્ધતિ વિજ્ઞાનની અનેક શાખામાં ઉપયોગી પુરવાર થઇ છે. વિષય પર તેમણે અનેક સંશોધનો રજૂ કર્યા હતા તેમનું પ્રથમ પેપર ‘Anglo-Indians of the Kalkatta’ (1922) ઘણું પ્રસિદ્ધ થયું હતું. આંકડાશાસ્ત્રના ક્ષેત્રે તેમના પ્રદાનોમાં ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ-ઈ-I.S.I (1943)ની સ્થાપના અને ‘સાખ્ય’ જર્નલ (1933)નો પ્રારંભ છે. 1959માં ભારતીય સંસદે કાયદો પસાર કરી આઈ.એસ.આઈ. સંસ્થાને રાષ્ટ્રીય રીતે મહત્ત્વની સંસ્થા જાહેર કરી હતી. તો સાખ્ય જર્નલનો હેતુ વૈશ્વિક સમસ્યાઓનું સમાધાન શોધવાનું હતું. તેના પહેલાજ અંકમાં તેની ભવિષ્યગામીતા નિર્ધાતા લખ્યું હતું કે આપણે ભારતીય પરિપ્રેક્ષ્યમાં ડેટાનું એકત્રીકરણ અને પૃથક્કરણ કરીશું પરંતુ એનો અભ્યાસ ભારત અને વૈશ્વિક સમસ્યાઓના સંદર્ભમાં કરીશું. આવી ઉચ્ચ ભાવના અને સંશોધનોના પરિણામે તેઓ વિશ્વ પ્રસિદ્ધ આંકડાશાસ્ત્રી તરીકે ઊભરી આવ્યા હતા સ્વતંત્ર ભારતના ઔદ્યોગિકીકરણની રચનામાં તેમનો મહત્વનો ફાળો હતો. 1950માં નેશનલ સેમ્પલ સરવે અને આયોજન પંચના સભ્ય (1955-1967) તરીકે પણ તેમણે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું આવી વિભૂતિને સમાજ અને સરકાર સન્માને તો નવાઈ કહેવાય. રોયલ સોસાયટી લંડનના ફેલો (1945), કિંગ્સ કોલેજ,લંડનના માનદ્ ફેલો (1959) અને વિજ્ઞાન તથા દેશની સેવા બદલ ભારત સરકારે પ્રદાન કરેલો પદ્મ ભૂષણથી તેઓ પોંખાયા છે.આવા મહાન આંકડાશાસ્ત્રીનું તેમના જન્મદિવસના એક દિવસ પહેલા એટલે કે, 28 જૂન, 1972ના રોજ અવસાન થયું હતું. -પ્રો. અરુણ વાઘેલા

અન્ય સમાચારો પણ છે...