• Gujarati News
  • આખરે યાકુબને ફાંસીએ લટકાવાયો

આખરે યાકુબને ફાંસીએ લટકાવાયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેશ આને ક્યારેય માફ નહીં કરે

1993નામુંબઈના શ્રેણીબદ્ધ બોમ્બધડાકા કેસમાં ફાંસીની સજા પામેલા એકમાત્ર કસૂરવાર યાકુબ મેમણને ફાંસીને માંચડેથી બચાવી લેવા માટે છેક છેલ્લી ઘડી સુધી વકીલોની ફોજે ચલાવેલા દાવપેચ પણ નિષ્ફળ જતાં ગુરુવારે સવારે 7.00 વાગ્યે નિર્ધારિત મુજબ ફાંસીનો અમલ કરાયો હતો. યોગાનુયોગ મેમણનો ગુરુવારે 53મો જન્મદિવસ હતો. ટાડા કોર્ટના ડેથ વોરન્ટને અનુસરતાં સવારે 7 વાગ્યે તેને ફાંસી આપવામાં આવી હતી. પછી તેના મૃતદેહને તેના ભાઈઓ સુલેમાન અને કઝિન ઉસ્માનને સોંપવામાં આવ્યો હતો, જેઓ બુધવારથી નાગપુરમાં ધામો નાખીને બેઠા હતા. મુંબઈમાં સાંજે મરીન લાઈન સ્થિત ચંદનવાડીના બડા કબ્રસ્તાનમાં પિતાની પડખે યાકુબની દફનવિધિ પાર પાડવામાં આવી હતી. બુધવારે સુપ્રીમ કોર્ટે યાકુબની અરજી નકારી કાઢ્યા પછી યાકુબ વતી ફરી રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી પાસે દયાની નવી અરજી કરાઈ હતી.

મુખરજીએ ગૃહ મંત્રી રાજનાથ સિંહ, ગૃહ સચિવ એલ સી ગોયલ અને સોલિસિટર જનરલ રણજિત કુમાર સાથે બે કલાક સુધી ચર્ચાવિચારણા કરી હતી, જે પછી અરજી નકારી કાઢી હતી. ...અનુસંધાન પાનાં નં.19

અગાઉ નિયમ અનુસાર રાષ્ટ્રપતિએ અરજી સરકારને પાઠવી દીધી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રાજનાથ સિંહ અને ટોચના અધિકારીઓએ મુદ્દા પર ચર્ચા કરીને પછી અરજી નકારી કાઢવા માટે રાષ્ટ્રપતિને સલાહ આપી હતી. સરકારનો નિર્ણય સંભળાવવા માટે ખુદ રાજનાથ સિંહ રાષ્ટ્રપતિ ભવનમાં ગયા હતા.

અગાઉ મેમણ વતી મહારાષ્ટ્રના રાજ્યપાલ સી વિદ્યાસાગર રાવ પાસે દયાની અરજી કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટની ત્રણ જજની ખંડપીઠે અરજી નકારી કાઢ્યા પછી રાવે પણ અરજી નકારી કાઢી હતી, જે પછી તેના વકીલોએ ફરી રાષ્ટ્રપતિ પાસે અરજી કરી હતી, જ્યાં પણ નિરાશા મળતાં મેમણના વકીલોએ છેલ્લા પ્રયાસમાં ચીફ જસ્ટિસ એચ એલ દત્તુના ઘરે જઈને યાકુબને અગાઉની અરજીઓ નકારી કાઢવામાં આવી તેની સામે પડકાર ફેંકવા માટે નવી અરજી કરવા 14 દિવસનો સમય મળે તે માટે સ્ટે આપવા અરજી વિનંતી કરી હતી.

જસ્ટિસ દત્તુએ થોડા કલાકો પૂર્વે અરજી નકારી કાઢનાર જસ્ટિસ દીપક મિશ્રાની આગેવાનીમાં ફરી ત્રણ જજની ખંડપીઠ સ્થાપી હતી. કોર્ટરૂમ નંબર 4માં પરોઢિયે 3.20 વાગ્યે અરજી પર સુનાવણી શરૂ કરાઈ હતી, જે 4.50 વાગ્યે પૂરી થઈ હતી. ડેથ વોરન્ટ સામે સ્ટે ન્યાયની વિરુદ્ધ જશે એવું કહીને જસ્ટિસ મિશ્રાએ અરજી નકારી કાઢતાં યાકુબની ફાંસી નિશ્ચિત બની હતી.

મેમણના વકીલો આનંદ ગ્રોવર અને યુગ ચૌધરીએ સત્તાવાળાની આકરી ટીકા કરી હતી. અમારા અસીલોને દયાની અરજી નકારી કઢાઈ તેને પડકારવા માટે અધિકાર આપ્યા વિના તેને ફાંસીને માંચડે ચઢાવવા માટે સત્તાવાળા ઉતાવળ કરી રહ્યા છે એવો આરોપ તેમણે કર્યો હતો.

ગ્રોવર અનુસાર આવા કિસ્સામાં 14 દિવસનો સ્ટે મળવો જોઈએ. જોકે એટર્ની જનરલ મુકુલ રોહતગીએ જણાવ્યું કે આટલી બધી તકો આપ્યા પછી પણ નવી અરજી તંત્રનો દુરુપયોગ કરવા બરાબર છે. સંપૂર્ણ કવાયત મેમણની ફાંસી લંબાવવાના ભાગરૂપ હતી. 10 કલાક પૂર્વે ત્રણ જજે ડેથ વોરન્ટને બહાલી આપ્યા પછી તે આદેશ સામે સ્ટે આપી નહીં શકાય.

જસ્ટિસ મિશ્રાએ જણાવ્યું હતું કે મેમણને 11 એપ્રિલ, 2014ના રોજ રાષ્ટ્રપતિએ પ્રથમ દયાની અરજી નકારી કાઢી પછી ભરપૂર તકો મળી છે. ડેથ વોરન્ટ સામે સ્ટે ન્યાયની વિરુદ્ધ જઈ શક્યું હોત અને તેની અરજી ધ્યાનમાં લેવાને પણ કોઈ મેરિટ જણાયું નહોતું.

યાકુબ વ્યવસાયે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ હતો. સહઆરોપી મૂલચંદ શાહ અને હજુ ફરાર મેમણના ભાઈ અયુબની માલિકીની મેસર્સ તેજરત ઈન્ટરનેશનલ મારફત ધડાકા કરવાનું કાવતરું ઘડવા અને ભંડોળ પૂરું પાડવામાં યાકુબ કસૂરવાર ઠર્યો હતો.

તેણે ધડાકા પૂર્વે શસ્ત્રાસ્ત્રોનો ઉપયોગ કરવા માટે અમુક સહઆરોપીઓને દુબઈ થઈને પાકિસ્તાનમાં મોકલવા માટે ટિકિટની વ્યવસ્થા કરી આપી હતી. ઉપરાંત આરડીએક્સ લાદવા માટે વાહનોને ખરીદી કરી આપી હતી. 12 સપ્ટેમ્બર, 2006ના રોજ ટાડા કોર્ટે યાકુબને ફાંસીની સજા સંભળાવતાં એવી નોંધ કરી હતી કે 21 માર્ચ, 2013ના રોજ થયેલા વિસ્ફોટ પાછળ તે સૂત્રધાર હતા.

યાકુબની 6 ઓગસ્ટ, 1994માં કાઠમંડુથી આવ્યા પછી નવી દિલ્હીમાં ધરપકડ કરવામાં આવી હતી. કાનૂની એજન્સીઓએ તેની ધરપકડ કરી હોવાનું જણાવ્યું હતું જ્યારે યાકુબે પોતાને ઘટના બદલ દુ:ખ થયું હોવાથી શરણાગતી સ્વીકારી હોવાનો દાવો કર્યો હતો. વળી, યાકુબને ફાંસીની સજાના થોડા દિવસ પૂર્વે આશ્ચર્યજનક રીતે તેની ધરપકડ કરવામાં સૂત્રધાર માજી રોના પ્રમુખ બી રામનને પ્રસિદ્ધ થઈ શકેલો અને તેમના મૃત્યુ પછી તેમના ભાઈની સંમતિથી પ્રસિદ્ધ થયેલો લેખ આવ્યો હતો, જેમાં કેન્દ્રીય એજન્સીઓએ સમજાવ્યા પછી યાકુબ ભારત આવવા અને શરણાગતી સ્વીકારવા માટે તૈયાર થયો હતો એવો દાવો કરવામાં આવ્યો છે. જોકે યાકુબ સાથે એજન્સીનો કોઈ સોદો થયો હતો કે કેમ વિશે તેમાં સમર્થન નહોતું. કેસમાં યાકુબનો ભાઈ ઈસ્સા અને સાળી રુબીનાને આજીવન કારાવાસ થયો છે.યાકુબનો મોટો ભાઈ ટાઈગર મેમણ અને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ બોમ્બધડાકાને અંજામ આપનાર મુખ્ય સૂત્રધાર છે, જેઓ ફરાર છે અને પાકિસ્તાની આઈએસઆઈના શરણમાં છે.કોડનાની છુટ્ટા કેમ ફરે છે: ઓવેસી

યાકુબ મેમણ પ્રકરણે સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાથી નિરાશા થઈ છે એવી પ્રતિક્રિયા વ્યક્ત કરતા એમઆઈએમના સંસદસભ્ય અસદુદ્દીન ઓવેસીએ યાકુબની ફાંસી નિમિત્તે અનેક મુદ્દાઓ ઉખેળતા સરકારને જાહેર પડકાર આપ્યો હતો. ઓવેસીએ યાકુબની ફાંસી પર સીધો સવાલ કર્યો હતો. સરકાર આટલી બહાદુર હોય તો તેણે 1993ના મુંબઈ બોમ્બવિસ્ફોટો થયા પછી દેશ છોડીને ભાગી ગયેલા ટાઈગર મેમણ અને અન્ય ગુનેગારોને પકડી લાવવા જોઈએ અને મુંબઈમાં ચોકમાં એમને ફાંસી આપવાની હિંમત દેખાડવી જોઈએ એમ ઓવેસીએ જણાવ્યું હતું.

યાકુબે રાજકીય પીઠબળ હોવાથી સજા ભોગવવી પડી હતી એવો તેમનો આરોપ હતો. રાજીવ ગાંધીના હત્યારાઓને ફાંસી કેમ નથી થતી? ગુજરાતના રમખાણોના આરોપી બાબુ બજરંગી, માયા કોડનાનીને આઠ વખત જામીન કેવી રીતે મળે છે? બાબરી પ્રકરણે દોષીઓ પ્રત્યે ઢીલાશ શા માટે? શીખ રમખાણો બાબતે કડક ભૂમિકા કેમ નથી એવા અનેક સવાલો ઓવેસીએ ઊભા કર્યા હતા.

યાકુબની ફાંસીનો મેં એકલાએ વિરોધ કર્યો નહોતો. યાકુબને દયા મળે માટે 40 જણે વિનંતી કરી હતી. સુપ્રીમ કોર્ટના નિવૃત જજ માર્કંડેય કાટજુ જે મારા ટીકાકાર છે તેમનો પણ આવો મત હતો. હવે કોર્ટનો ચુકાદો આવ્યો છે. ચુકાદો અમને નિરાશ કરનારો હોવા છતાં અમે સ્વીકાર્યો છે એમ ઓવેસીએ જણાવ્યું હતું.

યાકુબની ફાંસીનો વિરોધ કરવા પાછળ મારી કોઈ રાજકીય મહત્ત્વકાંક્ષા હોવાનો સવાલ નથી. રાજકીય સીડીઓ ચઢવા માટે હું રાજકારણમાં આવ્યો નથી. હું સાચો દેશભક્ત છું. માટે કોઈના સર્ટિફિકેટની મને જરૂર નથી. હું દેશદ્રોહી છું કે દેશપ્રેમી નક્કી કરવાનો અધિકાર પ્રસારમાધ્યમોને કોણે આપ્યો એવા શબ્દોમાં એમણે મિડિયાને નિશાન બનાવ્યું હતું.

યાકુબે પુત્રી સાથે વાત કરી

મુંબઈ બોમ્બવિસ્ફોટોમાં દોષી યાકુબ મેમણની અંતિમ ઈચ્છા પૂરી નાગપુર જેલ પ્રશાસને પૂરી કરી હતી. પોતાની નાની પુત્રી ઝુબેદા સાથે વાત કરવાની ઈચ્છા યાકુબે વ્યક્ત કર્યા પછી અધિક્ષકે એનો ફોન પર સંપર્ક કરાવી આપ્યો હતો અને બંને વચ્ચે વાતચીત થઈ હતી. ફાંસીની સજા પામેલા ગુનેગારને અંતિમ ઈચ્છા પૂછવાની પ્રથા છે. અનુસાર યાકુબને પણ અંતિમ ઈચ્છા પૂછવામાં આવી હતી. પોતાના ગળાની ફરતે ફાંસીનો ગાળિયો નક્કી છે. હવે ફાંસી અટળ છે એવો અંદાજ એને આવી ગયો હતો. તેથી નાની પુત્રી ઝુબેદા સાથે થોડી વાત કરવા દો એવી વિનંતી એણે જેલ પ્રશાસન સમક્ષ કરી હતી. નિયમાનુસાર માન્ય કરતાં પિતા- પુત્રી વચ્ચે વાત કરાવવામાં આવી હતી. ઝુબેદાને મળવાની યાકુબની ખૂબ ઈચ્છા હતી. આખરે તેમની વચ્ચે ફોન પર વાતચીત થવાથી કુટુંબીઓને સંતોષ થયો હતો એમ યાકુબના ભાઈ સુલેમાને જણાવ્યું હતું.

ફાંસી પરના રાજકારણથી નારાજ : જેલની બહાર પોતાની ફાંસી પરથી રાજકારણ ચાલી રહ્યું હોવાથી યાકુબે નારાજગી વ્યક્ત કરી હોવાનું પણ જાણવા મળ્યું હતું.

ભાસ્કર સંપાદકીય