• Gujarati News
  • National
  • 250ના ટોળાં સામે પોલીસની ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કરાયો

250ના ટોળાં સામે પોલીસની ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કરાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રૈયારોડ,કનૈયા ચોકમાં બેનર લગાડવાના મુદ્દે શનિવારે રાતે ભાજપના કેટલાક કાર્યકરોએ આગામી વિધાનસભાની ચૂંટણીના કોંગી ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુના ભાઇ દિવ્યનીલ પર હુમલાનો બનાવ બનતા શહેરની શાંતિમાં પલિતો ચંપાયો હતો. બનાવ બાદ કોંગી ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને તેમના ટેકેદારો દ્વારા મુખ્યમંત્રીના નિવાસ સ્થાને હલ્લાબોલ કરતાં મામલો વધુ બિચક્યો હતો. જેને કારણે આખી રાત અજંપાભરી રહી હતી. મોડીરાતે ઈન્દ્રનીલ સહિતના 250ના ટોળાં સામે પોલીસની ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કરાયો હતો. આખીરાત હેડકવાર્ટરમાં બેસાડી રખાયા બાદ રવિવારે મળસ્કે 5 વાગે કોંગ્રેસના નેતાઓને જામીન પર મુકત કરાયા હતા.

દિવ્યનીલ પર હુમલો થયા બાદ કોંગી ઉમેદવાર અને ધારાસભ્ય એવા ઇન્દ્રનીલ રાજ્યગુરુ તેના મોટી સંખ્યામાં ટેકેદારો સાથે રૈયારોડ પર એકઠા થયા હતા. ત્યાંથી મુખ્યમંત્રીના નિવાસ સ્થાને પહોંચી હલ્લાબોલ કર્યો હતો. સમયે અહીં ફરજ પર રહેલા પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓ સાથે ઝપાઝપી કરી ફરજમાં રૂકાવટ કરી હતી. જેથી પોલીસે કોંગી ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુ, મિતુલ દોંગા સહિતના લોકોની અટકાયત કરી હતી. પોલીસે ઇન્દ્રનીલ રાજ્યગુરુ, મિતુલ દોંગા, મહેશ રાજપૂત, હેમત વીરડા, ભાવેશ બોરીચા, તુષાર નંદાણી, જગદીશ જીવાભાઇ મોરી અને 200થી 250 માણસોના ટોળાં સામે ફરજમાં રૂકાવટ કર્યાની ફરિયાદ નોંધી હતી. રવિવારે વહેલી સવારે 5 વાગે તમામ લોકોને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા.

દિવ્યનીલ પર હુમલો કરનારા ભાજપના પાંચ કાર્યકરની ધરપકડ

કોંગી ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુના ભાઇ દિવ્યનીલે આઠેક શખ્સો સામે નોંધાવેલી ફરિયાદને પગલે ક્રાઇમ બ્રાંચના સ્ટાફે ગુનો નોંધાયાના ગણતરીના કલાકોમાં હુમલો કરનાર રાજેશ રામ ડાંગર, રણછોડ રત્ના ભરવાડ, સુરેશ વશરામ ચુડાસમા, સંજય દેવજી પંચાસરા અને વિઠ્ઠલ કાનજી પટેલને દબોચી લઇ ગાંધીગ્રામ પોલીસ હવાલે કર્યા હતા. જેને પગલે ગાંધીગ્રામ પોલીસે પાંચેય શખ્સોની ધરપકડ કરી છે. ફરિયાદમાં આઠેક શખ્સો જણાવ્યા હોય અન્ય ત્રણ શખ્સોની ઝડપી લેવા પકડાયેલા આરોપીઓની પુછપરછનો દોર શરૂ કર્યો છે. ગાંધીગ્રામ પોલીસે દિવ્યનીલની ફરિયાદ પરથી આઈપીસી 143, 323, 427 તથા જીપીએક્ટ કલમ 135(1) હેઠળ ગુનો નોંધ્યો હતો. જો કે, શરૂઆતમાં બનાવની ફરિયાદ નોંધાવવાનું ટાળ્યું હતું.

પોલીસ સામેના આક્ષેપો પાયા વિહોણા: સીપી

શનિવારેરાતે સર્જાયેલા રાજકીય રમખાણ બાદ કોંગી ઉમેદવાર અને તેમના ટેકેદારોએ પોલીસે લાઠીચાર્જ સત્તાધારી પક્ષના કહેવાથી કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. જે આક્ષેપને શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતે તદન પાયા વિહોણો હોવાનું કહ્યું હતું. બનાવ બાદ તુરંત ઘટનાસ્થળે ધસી ગયેલા પોલીસ અધિકારીઓ દ્વારા અનેક વખત હુમલાની ફરિયાદ આપવા જણાવ્યું હતું. તેમ છતાં કોઇ પ્રત્યુત્તર આપ્યો હતો. ચૂંટણીલક્ષી લોકોના ટોળાં એકઠા કરવા અંગેનું જાહેરનામું હોવા છતાં પોલીસ તંત્રે દોઢ કલાક સુધી સંયમ જાળવ્યો હતો, પરંતુ અંતે કાયદાનું ઉલ્લંઘન કરતાં બળપ્રયોગ કરવો પડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...