• Gujarati News
  • ચીન દરેક સ્થિર વસ્તુ હેક કરવામાં સક્ષમ : હિલેરી

ચીન દરેક સ્થિર વસ્તુ હેક કરવામાં સક્ષમ : હિલેરી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમેરિકાના ઘણા બિઝનેસ અને સરકારી રહસ્ય ચોરવાનો ચીન સામે આરોપ

અમેરિકીરાષ્ટ્રપતિપદનાં દાવેદાર હિલેરી ક્લિન્ટને ચીન પર આકરો પ્રહાર કર્યો છે. તેમણે જણાવ્યું કે ચીન ‘દરેક સ્થિર વસ્તુ હેક કરવામાં સક્ષમ છે.’ ભૂતપૂર્વ વિદેશ પ્રધાન હિલેરીએ ચીન સામે અમેરિકાના ઘણા બિઝનેસ અને સરકારી રહસ્ય ચોરવાનો પણ આરોપ મૂક્યો છે. અમેરિકી અધિકારી પણ ચીન પર અમેરિકી રહસ્ય ચોરાવાના આરોપ મૂકતા રહ્યા છે પરંતુ ચીને આરોપોને પાયાવગરના ગણાવ્યા છે. હિલેરીએ ફરીએક વાર ડેમોક્રેટિક પાર્ટીથી રાષ્ટ્રપતિપદ માટે ટિકિટની દાવેદારી કરી છે. અગાઉ, 2008માં તેમણે દાવેદારી કરી હતી પરંતુ તેઓ બરાક ઓબામાથી હારી ગયાં હતાં. રાષ્ટ્રપતિ બનીને ઓબામાએ હિલેરીને વિદેશ પ્રધાન બનાવ્યાં હતાં. હિલેરી ઉત્તર ન્યૂ હેમ્પશાયરના ગ્લેનમાં પાર્ટી દ્વારા આયોજિત ‘4 જુલાઇ સમારંભ’માં પ્રવચન આપી રહ્યાં હતાં. ચોથી જુલાઇએ અમેરિકી સ્વાતંત્ર્ય દિવસ છે. હિલેરીએ ચેતવણી આપી કે ચીન ભારે ઝડપથી પોતાની સૈન્ય તાકાત વધારી રહ્યું છે અને તેની સૈન્ય તાકાતથી ઘણા દેશોને ખતરો હોઇ શકે છે.

તેમણે જણાવ્યું કે ચીન ભલે શાંતિપૂર્ણ રીતે પ્રગતિ કરતું દેખાઇ રહ્યું છે પરંતુ અમેરિકાએ તેનાથી સતર્ક રહેવાની જરૂર છે. તેમણે એવું પણ જણાવ્યું કે રશિયાના રાષ્ટ્રપતિ પુટિન જેવી રીતે ક્રીમિયા પર કબજો કરીને પોતાની વિસ્તારવાદી નીતિ આગળ ધપાવી રહ્યા છે, તે અમેરિકા માટે એક પડકાર છે.