વિશેષ કરાર હેઠળ માત્ર દિવ્ય ભાસ્કરમાં
બેજિંગમાં ગરીબ-તવંગરોને સરકારનો ઝટકો
વર્ષ 2016માંએક ચીની લેખક હાઓ જિંગફેંગએ લઘુનવલ લખી હતી, જેને આંતરરાષ્ટ્રીય ‘હ્યુગો એવૉર્ડ’થી નવાજવામાં આવી. તેમની વાર્તા ‘ફોલ્ડિંગ બેજિંગ’માં પાટનગરની વસ્તીને ત્રણ જૂથમાં વહેંચવામાં આવી હતી.
પ્રથમ જૂથના 50 લાખ ‘ધ રુલર્સ’-સત્તાધીશોને સવારે 6 વાગ્યાથી બીજા દિવસે સવારે 6 વાગ્યા સુધી કામકાજ, ખાણી-પીણી અને હરવાફરવાની છૂટ હતી. બીજા જૂથના 2.50 કરોડ મધ્યમવર્ગીય લોકો બીજા દિવસે સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી સક્રિય રહી શકતા હતા. જ્યારે ત્રીજા વર્ગના દબાયેલા અને કચડાયેલા લોકોને બીજા દિવસે રાત્રે 10 વાગ્યાથી ત્રીજા દિવસની સવારે 6 વાગ્યા સુધી પોતાની પ્રવૃત્તિઓ ચલાવવાની છૂટ મળતી હતી. ત્યાર પછી ‘રુલર્સ’ જાગી જતા અને ક્રમ ફરીથી શરૂ થઈ જતો. તેમના જાગૃત રહેવા સિવાય બાકીનો સમય તેઓ દવાઓથી સૂઈ રહેતા. દરમિયાન, છેલ્લાં બે અઠવાડિયાથી બેજિંગની વાસ્તવિક જિંદગી વાર્તાને ખરા અર્થમાં વ્યક્ત કરી રહી છે.
18મી નવેમ્બરની સાંજે દક્ષિણ બેજિંગની બિનનિવાસીઓની ગીચ વસ્તીનાં ગોડાઉન-કમ-એપાર્ટમેન્ટ બ્લોકમાં આગ લાગી ગઈ. અહીં ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા ગરીબ કામદારો રહે છે, જેમને જિલ્લાના અધિકારીઓ ‘લો ઍન્ડ પીપલ’ કહે છે. 19 લોકોનાં મોત થયાં, જેમાં સાત લો ઍન્ડ બાળકો પણ હતાં. હવેે અધિકારીઓ ગામડેથી આવનારા લોકોને ભગાડી રહ્યા છે. તેમનાં કામ કરવાનાં ઠેકાણાં બંધ કરાવાઈ રહ્યાં છે. વીજળી-પાણીનો પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો. સરકારી મીડિયાને પણ બિનનિવાસીઓની મુશ્કેલીઓના સમાચાર દેખાડવાની મનાઈ કરી દેવામાં આવી. સમયે સમૃદ્ધ વર્ગના લોકો પોતાના સ્કેન્ડલ સામે ઝઝૂમી રહ્યા હતા.
બીજી તરફ, 22 નવેમ્બરના રોજ એક મોંઘા કિંડર ગાર્ટનનાં આઠ બાળકોના વાલીઓએ સ્થાનિક પોલીસમાં રિપોર્ટ નોંધાવી કે તેમને બાળકોના શરીર પર સોઈના નિશાન જોવા મળ્યાં. વાલીઓના મતે બાળકોને કંઈ જણાવ્યા વિના ધરાર ચોક્કસ પ્રકારની ગોળીઓ ખવડાવવામાં આવી છે. તેમને બધાં કપડાં કાઢીને ‘ગ્રાન્ડપા ડૉક્ટર’ અને ‘અંકલ ડૉક્ટરો’ની સામે ચેકઅપ માટે ઊભા રહેવા માટે કહેવામાં આવ્યું. બેજિંગમાં ઘટનાઓ પર બંને વર્ગોમાં ભયંકર ઓનલાઇન પ્રતિક્રિયા આવી છે. પરંતુ આવા લેખને તાત્કાલિક અસરથી હટાવી દેવામાં આવે છે. સેન્સરશિપ છતાં સોશિયલ મીડિયા પર આક્રોશ ભરી ટિપ્પણીઓ થઈ રહી છે. બુદ્ધિજીવીઓ સહિત 100 કરતાં વધારે લોકોએ એક કાગળ પર હસ્તાક્ષર કરીને મજૂરોને હાંકી કાઢવાને ગેરકાનૂની, માનવાધિકારોનું હનન અને સ્પષ્ટપણે સરકારી જવાબદારી ગણાવી છે.
© 2016 The Economist Newspaper Limited. All rights reserved.