તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • દેશમાં એક સારી વાત જોવા મળી રહી છે કે, લોન

દેશમાં એક સારી વાત જોવા મળી રહી છે કે, લોન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેશમાં એક સારી વાત જોવા મળી રહી છે કે, લોન લીધા બાદ નહિં દીધા વાળાઓ અને બેન્કોનું કરોડોનું ફુલેકું ફેરવીને વટથી ફરનારા કે રફૂચક્કર થઇ જનારા આલિયા-માલિયાઓ પર સરકાર અને સત્તામંડળોનો સકંજો કસાઇ રહ્યો છે. લોન ડિફોલ્ટરોને સકંજામાં લેવા સરકારના નવા વટહૂકમને રાષ્ટ્રપતિએ મંજૂરીની મહોર મારી દીધી છે. જેમાં કેટલીક એવી જોગવાઇઓ એવી છે કે જે હવે લેભાગુ પ્રમોટરોને તેમની કળા કરવા દેશે નહીં. ઘણા પ્રમોટરો કંપનીઓને ખોખા કરી નાંખી પોતે માલેતુજાર બની જતાં હોય છે. પબ્લીકના પૈસા ડૂબાવવા તેઓ ધીમે ધીમે ઊધઇની જેમ કંપનીના એસેટ્સ કોરી ખાતા હોય અને બેલેન્સશીટમાં છતાંય બધુ સારુ દેખાતુ હોય. ભોપાળુ બહાર પડે ત્યાં સુધીમાં તો શેરબજારમાં ભાવ એવો થઇ ગયો હોય કે રોકાણકારોને એક્ઝીટનો મોકો મળે. છેવટે જ્યારે કંપની મડદું થઇ ત્યારે શેરનું કાગળિયું થઇ જાય છે.

વટ હૂકમમાં એવી જોગવાઇ છે કે નાદારીની કાનૂની કાર્યવાહીનો સામનો કરી રહેલા પ્રમોટરો માંદી કપંની માટે બીડીંગ કરી શક્શે નહીં. એનપીએ (નોન પરફોર્મીંગ એસેટ્સ)નું લેબલ જે કંપનીઓને લાગી ચૂક્યું હોય, તેના લેભાગુ પ્રમોટરોને રીતે ભરડામાં લઇ અમુક સમય સુધી ગેરલાયક ઠરાવી તેમના પર દબાણ વધારવામાં આવશે. આવી ગેરલાયકાતની મુદત શરૂઆતમાં એક વર્ષની હોવાની સંભાવના છે. જે લોકોએ બેન્કોની લોન લીધી હોય અને સતત 90 દિવસ સુધી કોઇ (ઇવન વ્યાજની પણ) ચૂકવણી કરી હોય તેઓને બેન્કોએ એનપીએ તરીકે ક્લાસીફાય કરવા પડે છે.

હાલ મોટી બારેક કંપનીઓ સામે નાદારીના પગલાઓ લેવાઇ રહ્યા છે. કંપનીના પ્રમોટરો, તેમણે પોતે દોહી લીધેલી કંપનીઓને હવે સાવ ખોખરી કરી નાંખી હોવાથી પાછી સસ્તા ભાવે લઇ લેવા માટે બીડીંગ કરી શકશે નહીં. 2015માં એનપીએ થઇ ગયેલ એસ્સાર સ્ટીલના પ્રમોટર રૂઇઆ અને ભૂષણ સ્ટીલના પ્રમોટર સિંઘલ વટહૂકમ હેઠળ આવી જતા હોવાથી આવતા મહીને કંપનીઓની હરાજી થશે તેમાં ભાગ લઇ શક્શે નહીં. જો આવડી મોટી કંપનીઓ સામે પણ એક્શન લેવાતાં હોય તો ગુજરાત, મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોની હજ્જારો કંપનીઓના પ્રમોટર્સ, તેમના મળતીયાઓ અને તેમને અદ્રશ્ય સહાય કરનારા બેન્કર્સ અને ઇવન રાજકારણીઓ પણ કે જેઓ આઇપીઓ, બોન્ડ, ડિબેન્ચર્સ કે લોન્સ લઇને એશ કરી રહ્યા હોય તેમને નવ નેજા પાણી જોવા વારો આવી શકે છે.

વાતને સારી રીતે સમજવા માટે ફ્લેશ બેકમાં જઇએ. 1992માં રાઇટ એડજસ્ટેડ રૂ.347.25નો એસ્સાર સ્ટીલનો ભાવ યાદ આવે તો રોકાણકારોની આંખોમાંથી આંસુનો ધોધ વહેવા લાગે તેવી દશા છે. રૂઇઆ કે સિંઘલને હવે તેમણે ખોખું કરી નાંખેલી કંપનીની બોલી બોલવામાં ક્યાંથી રસ પડવાનો? આમ વટહૂકમની જોગવાઇની અસરકારકતા સામે મોટું સવાલિયા નિશાન છે. જોકે આના કારણે સ્પર્ધા ઓછી થવાના કારણે સ્ટીલ ઇન્ડસ્ટ્રીની મગરમચ્છ કંપનીઓ ટાટા સ્ટીલ, જેએસડબલ્યુ, આર્સેલર મિત્તલ , નિપ્પોન સ્ટીલ વગેરે અંદર અંદર સમજીને કાર્ટેલ રચી ઓછા ભાવની બોલી બોલી બેન્કોને ઉક્ત કંપનીઓનું વ્યાજબી મૂલ્ય પણ ચૂકવે એવી પણ શક્યતા હોવાનું નકારી શકાય નહીં.

બેન્કોના કુલ એનપીએની 25 ટકા રકમ જેમાં સલવાઇ છે એવી 12 કંપનીઓ સામે નેશનલ કંપની લો ટ્રીબ્યુનલમાં કેસ કરવાનો રિઝર્વ બેન્કે સંબંધિત બેન્કોને આદેશ આપ્યો, ત્યારે બેન્કોની ઉંઘ ઊડી હતી અને તેમણે રૂ. 8.4 લાખ કરોડની જંગી રકમ વસૂલવા એનસીએલટીનું શરણું લીધુ હતુ. અમુક દોઢ ડાહ્યા પ્રમોટરોએ તો આરબીઆઇની આવો આદેશ આપવાની સત્તાને પણ અદાલતોમાં પડકારી હતી. એનપીએ કંપનીઓની યાદીમાં ભૂષણ પાવર એન્ડ સ્ટીલ, જેપી ઇન્ફ્રાટેક,મોનેટ ઇસ્પાત, એમટેક ઓટો અને એબીજી શીપયાર્ડના નામો પણ હતા. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયા અને આઇડીબીઆઇ સહીતની બેન્કોને જો રિઝર્વ બેન્કની સોટી વાગી હોત તો તેમને એનસીએલટી સમક્ષ જવાનું જ્ઞાન લાધ્યું હોત.

એની વે, ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્ટ્સી કોડમાં સુધારો કરનાર વટહૂકમ રાષ્ટ્રપતિની સહી પછી અમલી બને અને તેની વધુ વિગતો જાણવા મળે ત્યાં સુધીમાં તો ગુજરાતની ચૂંટણમાં પ્રચારના પડઘમ શમી ગયા હશે. રાજકારણીઓ, સેફોલોજીસ્ટો, સો કોલ્ડ પંચાતિયાઓ ગમે તે માનતા હોય સટોડિયાઓ તો ભાજપાની જીતનો 25 પૈસાથી પણ નીચેનો ભાવ મુકી ઘણો કોન્ફીડન્સ બતાવતા હોવાનું અને બધી જાહેરાતો ચૂંટણીલક્ષી હોવાનું જણાવતા ખચકાતા નથી. સમય સૌથી મોટું ઔષધ છે. આગે આગે દેખો હોતા હૈ ક્યા..!!

(લેખક:આર્થિક બાબતોનો નિષ્ણાત અને સલાહકાર છે)

અન્ય સમાચારો પણ છે...