આજનો ઈતિહાસ...

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિશ્વના અનેક દેશોના આઝાદી આંદોલનોની પ્રેરણાસ્ત્રોત સમી ફ્રાંસ ક્રાંતિ માટે કહેવાય છે કે તે રેસ્ટોરાં અને હેરકટિંગ સલૂનોમાંથી પેદા થઇ હતી. એની પાછળનું કારણ ક્રાંતિ પૂર્વે ફ્રાન્સમાં સર્જાયેલું બોદ્ધિક વાતાવરણ હતું. વોલ્તેર, મોન્તેસ્ક, રૂસો અને દિદેરો જેવા વિચારકો ફ્રાન્સની વિપદા વખતે ઊભા થયા અને દેશને ક્રાંતિ સુધી દોરી ગયા. બોદ્ધિકોમાંના એક રૂસોનો જન્મ આજના દિવસે ઈ.સ. 1812ના વર્ષે થયો હતો. રૂસો જન્મીને હજુ આંખે ખોલે તે પહેલા તો માતાએ જીવનલીલા સંકેલી લીધી હતી. 10 વર્ષની ઉંમરે તો પિતા પણ બાળક રૂસોને છોડી ચાલ્યો ગયો હતો. લગભગ અનાથ સમાન રૂસોને પારિવારિક પરવરીશના અભાવે અશ્ર્લીલ સાહિત્ય વાંચવાની બૂરી લત લાગી. પરિણામે અનેક આનુષાંગિક દોષો પણ રૂસોના જીવનમાં પ્રવેશ્યા. યુવાવસ્થામાં જૂઠું બોલવું , ચોરી કરવી, વ્યભિચાર વગેરે તેના માટે સામાન્ય બાબતો હતી. લગભગ 30 વર્ષ સુધી તેના જીવનમાં મહાનતાના કોઈ લક્ષણો જણાતા હતા પરંતુ મહાપુરુષોના જીવનચરિત્રો અને ખ્રિસ્તી ધર્મ અને સામ્રાજ્યનો ઈતિહાસ જેવા ગ્રંથોએ તેની જીવનદિશા બદલી હતી. શાળાજીવન દરમિયાન વગર ગુને સજા મળતા રૂસો ઘોર પ્રકૃતિવાદી બન્યો. તેને લાગ્યું કે નિયમબદ્ધતા, દંડ, ઉપદેશો તથા બાહ્ય આડંબર મનુષ્યને પ્રકૃતિથી દૂર રાખે છે, મનુષ્યના પવિત્ર મનમાં બુરાઈઓ પેદા થાય છે અને તે કુત્રિમ અને બેઈમાન બને છે. રૂસોએ સામાજિક કરાર (1762), ‘કોફેસ્યો’ (આત્મકથા) ઉપરાંત અનેક પુસ્તકો અને નિબંધો લખ્યા છે. રૂસોના સમયના વિચારકો શૂષ્ક બોદ્ધિક તર્કથી જીવનને ચકાસવાના પ્રયત્નો કરતા હતા,પણ રૂસોએ હૃદયના સ્પંદનો પર ઓર ઝોક આપ્યો હતો. એણે કહ્યું છે કે જે સમાજમાં થોડાક લોકો બહોળા સમુદાયના પસીનાથી સમૃદ્ધ થઇ મહાલતા હોય તે સમાજ પાયામાંથીજ લૂણાયેલો છે. અને એવા સમાજમાં પરિવર્તન આણવું બુદ્ધિની ગજા બહારનું છે. સામાજિક કરારમાં તેમણે લખ્યું છે કે મનુષ્ય જન્મે મુક્ત હતો પરંતુ આજે તે સર્વત્ર બંધનમાં છે ! મનુષ્ય નૈસર્ગિક સ્વતંત્રતા ગુમાવ્યા પછી સામાજિક સ્વતંત્રતા ત્યારે પ્રાપ્ત કરી શકે જ્યારે તેની વ્યક્તિગત ઈચ્છા સમષ્ટિની ઈચ્છામાં પરિણમે અને દરેક જણ લોકકલ્યાણ માટે સમષ્ટિની ઈચ્છાને આધીન રહે. આજે પણ તરોતાજા લાગતા રૂસોના ક્રાંતિકારી વિચારો ફ્રાન્સના તત્કાલીન સમાજ પર જબરદસ્ત અસર ઊભી કરી હતી. તેને ‘ફ્રાન્સની ક્રાંતિનું દર્પણ’ની ઉપમા મળી હતી. સરમુખત્યાર નેપોલિયને તો ત્યાં સુધી કહ્યું છે કે ‘જો રૂસો થયો હોત તો ફ્રાન્સની ક્રાંતિ (1789) પણ થઇ હોત. વિશ્વને સ્વત્રંતતા, સમાનતા અને બંધુતાના મૂલ્યો આપનાર મહાન દાર્શનિકનું 2 જુલાઈ 1778ના રોજ 66 વર્ષની ઉંમરે અવસાન થયું હતું. -પ્રો. અરુણ વાઘેલા

અન્ય સમાચારો પણ છે...