Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મોંઘવારીનો કકળાટ અને સલમાનની ફિલ્મ
‘લક્ષ્મી. અમારે ત્યાં ઘરકામ કરવા આવે છે. બાઈ.’ ‘તો શું થયું?’
‘આમ તો જ્યારે જુઓ ત્યારે રોદણાં રડતી હોય કે ઘર ચલાવવા માટે પૈસા નથી. હાલતાં ને ચાલતાં પગારમાંથી એડવાન્સ લઈ જાય છે. ખાવાના પૈસા નથી. પણ પિક્ચર જોવાના પૈસા છે એની પાસે. હવે કોઈ વાર માગવા આવી તો કહી દઈશ એને.’
- સાઠ વર્ષની મહિલા. અને એને મળવા ગયેલી એક યુવતી વચ્ચે થયેલો સંવાદ છે. વડીલ બહેનને જ્યારેથી ખબર પડી કે એમને ત્યાં વાસણ કપડાં ધોવા આવતી ગરીબ મહારાષ્ટ્રીયન બાઈ થિયેટરમાં ફિલ્મ જોવા ગયેલી ત્યારથી એમને ચચરાટ જાગી ગયેલો. જાણે રાહ જોતાં હતાં કે લક્ષ્મીબાઈ હવે ક્યારે પૈસાની તંગીનો ઉલ્લેખ કરે કે એડવાન્સ માગે. અને ત્યારે એને સંભાળાવી દે કે પિક્ચર જોવા, મોજશોખ પાછળ પૈસા ઉડાવતી વખતે તંગી નથી નડતી...’
બહુ જૂની ઘટના નથી. માંડ દસેક વર્ષ પહેલા સાંભળેલો પ્રસંગ છે. અને હમણાં એની યાદ દેવડાવે એવો વ્હોટસએપ પર મેસેજ ફરતો થયેલો. એમાં લખ્યું હતું કે ‘સલમાન ખાનની સુલતાન’ ફિલ્મે સાત દિવસમાં સો કરોડ રૂપિયાથી વધુ વકરો કર્યો. પણ લોકો ફરિયાદ કરે છે કે એમની પાસે ટમેટા અને તુવેરદાળ ખરીદવાના પૈસા નથી.’
મેસેજમાંથી સ્પષ્ટ અર્થ (કે ટોણો) નીકળતો હતો કે લોકો પાસે જો ફિલ્મ જોવા માટે પૈસા હોય તો સો રૂપિયે કિલો ટમેટા અને બસો રૂપિયે કિલો મળતી દાળ ખરીદવા જેટલી આર્થિક શક્તિ એમની પાસે હોવી જોઈએ. લોકો અમસ્તા દાળ-ટમેટાનાં ભાવ એને મોંઘવારીનો કકળાટ કરે છે.’
આડકતરી રીતે જનતાને કહેવું હતું કે, ‘જસ્ટ શટ અપ! નવી ફિલ્મો જોતી પ્રજાને મોંઘવારી સામે, સરકાર સામે ફરિયાદ કરવાનો કોઈ અધિકાર નથી.’
પારકાં કામ કરતી લક્ષ્મીબાઈ પર નારાજ થનારી પેલી ગૃહિણી અને મેસેજ મોકલનાર મહાત્મા વચ્ચે કોઈ ફેર લાગે છે તમને?
બંને જણ માને છે કે ગરીબ હોય એને નાનું સરખુંયે મનોરંજન મેળવવાનો હક નથી. અને જે વ્યક્તિ મનોરંજન માટે પૈસા ખર્ચી શકે ગરીબ નથી. હવે તમે કહો કે કયા પ્રકારનું લોજિક છે?
ભારતની અડધાથી વધુ પ્રજા ગરીબી રેખાની નીચે જીવે છે (એ વાત અલગ છે કે દરેક રાજકીય પક્ષ પોતાની સગવડ અને સ્વાર્થ મુજબ રેખા ઉપરનીચે કર્યા કરે છે). ગામડાં અને ગ્રામ્યજીવન માત્ર ફિલ્મના પડદે સારું લાગે છે. હકીકતમાં ત્યાં જે ભયાનક બેરોજગારી, ગરીબી છે. એનાથી ત્રાસીને લોકો શહેરમાં આવે છે. અને લોકોને તો બસ એટલું જોઈએ છે જેનાથી કમસે કમ એક ટંક પોતાનું પેટ ભરી શકે અને પાછળ વતનમાં છોડેલા પરિવારનો ઘરખર્ચ પૂરો થઈ શકે. આમાંથી ઘણાંને મોઢે તો ક્યારેય ઘરખર્ચ જેવો શબ્દ પણ નથી આવતો. કારણ કે એમની પાસે ઘર નથી હોતું. સપરિવાર શહેરની ફૂટપાથ કે ઝૂપંડપટ્ટીમાં રહે છે. પતિ કોઈ મોટું મકાન બંધાતું હોય ત્યાં મજૂરી કરવા જાય. પત્ની એની સાથે તગારાં ઉંચકવા જાય કે પછી આસપાસના ઘરોમાં કામ શોધે. લોકોને પણ ક્યારેક મન થાય કે મહિને, બે મહિને ભલે બે કલાક પણ સાવ બીજી દુનિયામાં જતા રહે, જ્યાં કોઈ દુ:ખ હોય. એમને ફિલ્મો સિવાય બીજે ક્યાં મળે?
ફિલ્મથી સસ્તું બીજું કયું મનોરંજન હોઈ શકે? મોટા શહેરોમાં બસ્સોથી અગિયારસો રૂપિયાની ટિકિટ ધરાવતાં મલ્ટીપ્લેક્સીસ છે. પણ એની સામે મોર્નિંગ શોમાં માત્ર પચાસ સાઇઠ રૂપિયાની ટિકિટ વેચતાં નાનાં સીંગલ સ્ક્રીન થિયેટર્સ પણ છે. જે લોકોને પચાસ-સાઠ રૂપિયે પા કિલો તુવેર કે અડદ દાળ ખરીદવાનું ભારે પડે છે. થોડા સમય માટે પોતાનું દુ:ખ અને તકલીફો વિસારે પાડવા માટે થિયેટરમાં જઈને સલમાન ખાનની ફિલ્મ જુએ છે. એમને એવું કહેવાનું કે તમે આટલી રાહત મેળવવાનું પણ છોડી દો?
આજે લોકો દુ:ખ ભૂલવવા માટે દારૂ અને ડ્રગ્સનો સહારો લે છે. પણ બહુમતી ફિલ્મ જોવાનું પસંદ કરે છે. અને માત્ર ભારતમાં બનતી ઘટના નથી. બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન યુરોપમાં ફિલ્મો જોનારા લોકોની સંખ્યામાં વધારો થયાનું નોંધાયું હતું. થોડા સમય માટે વાસ્તવિકતા ભૂલાવી દેવાની ઈચ્છા બધાને થાય અને વાસ્તવિકતા બહુ આકરી-નઠારી હોય ત્યારે અને વિસારી પાડી દેવાની ઈચ્છા પણ એટલી વધુ બળવાન હોય.
ચાલો, માની લીધું કે મલ્ટીપ્લેક્સમાં જઈને સહુથી સસ્તી એટલે કે દોઢસો રૂપિયાની ટિકિટ લઈને ફિલ્મ જોનારા હોય છે. પણ લોકોનો મોંઘવારી સામે અવાજ ઉઠાવવાનો અધિકાર જતો કરવાનો? માણસ પોતાની કમાણીમાંથી એટલો નાનો સરખો શોખ પોસે તો શું ખોટું છે?
કોલમની શરૂઆતમાં જેની વાત કરી લક્ષ્મીબાઈ ચોરી કરીને કે ભીખ માગીને પૈસા નહોતી કમાતી. તનતોડ મહેનત કરીને મહિનાના અંતે જે મામુલી પગાર મળતો હશે એમાંથી કોઈ વાર ફિલ્મ જોવા જતી. પરંતુ તોયે એની શેઠાણીને ખટકી ગયું. આર્થિક તંગી કે બીજી કોઈ મુસીબત ઊભી થાય તો સહુથી વધુ બાંધછોડ કે જતું કરવાની જવાબદારી ગૃહિણી પર આવે છે. અને આવો સાવ નાનો મામૂલી શોખ પૂરો કરવાની ઈચ્છા થાય તો સહુથી વધુ ટીકા પણ એની થાય છે. દાખલા તરીકે ઘરમાં પૈસાની ખેંચ ઊભી થાય ત્યારે બચત માટેનો પહેલો ઉપાય એટલે કામવાળીને રજા આપી દેવી. નોકરી પર જતી વખતે જો બસને બદલે ઑટોરિક્ષામાં જાય તોયે ઉડાઉ ગણાય. સુઘડ કપડાં, થોડો મેક-અપ કરીને બહાર નીકળે તો કહેવાય કે, ‘એના દેખાવ પરથી તો નથી લાગતું કે ઘરમાં પૈસાની તંગી હોય.’ કે પછી ‘બે ટંક ખાવાનું માંડ મળે છે. પણ બહેનનાં નખરાનો પાર નથી.’
ગમે તેટલો ગરીબ પુરૂષ પણ સતત મોઢામાં માવો-તમાકુ ભરી રાખતો હોય તો સામાન્ય ગણાય. પણ એની પત્ની જૂની કે સસ્તી લિપસ્ટીકથી હોઠ રંગીને બહાર નીકળે તો કહેવાય કે એને ગરીબી નથી નડતી. પતિ કે ઘરનું કોઈ પણ સભ્ય લાંબા સમયથી બીમાર હોય ત્યારે સતત એની સેવામાં હાજર રહેતી ગૃહિણી થોડી રાહત મેળવવા માટે મંદિરે જાય તો વાંધો નહીં, પણ ફ્રેન્ડ સાથે ફિલ્મ જુએ કે કીટ્ટી પાર્ટીમાં જાય તો પીઠ પાછળ એની ટીકા થાય.
અલબત્ત અહીં જે મેસેજની વાત કરી તો લક્ષ્મીબાઈઓના પતિઓને પણ મોકલાયેલો છે. કદાચ બિનપાયાદાર લાગે એવી એક શંકા જાગે છે. ગયા વર્ષે કાંદાબટેટા ખૂબ મોંઘા થઈ ગયા. ચારેકોર કકળાટ થયો. ત્યારે ફોન પર નવી સરકારની સિદ્ધિઓ વર્ણવતો મેસેજ ફરતો થયેલો. તેેમાં છેલ્લે એવું કંઈક લખ્યું હતું કે આલુ-પ્યાજતી વાત છોડો, દેશની કેટલી પ્રગતિ થઈ રહી છે જુઓ. કમનસીબે બેકાર પ્રજાજનોએ પ્રગતિ જોવાને બદલે સલમાનખાનની ફિલ્મ જોવાનું પસંદ કર્યું. અને મોંઘવારીનો કકળાટ તો પકડી રાખ્યો. એટલે પછી આલુ-પ્યાજનો મેસેજ મોકલનારાએે હવે દાળ-ટમેટાં ફિલ્મવાળો ટોણો મારવાનું વિચાર્યું હશે? }viji59@msn.com
ટોણાનું તરકટ | મલ્ટીપ્લેક્સમાં ફિલ્મ જોનારાએ મોંઘવારી સામે અવાજ ઉઠાવવાનો અધિકાર જતો કરવાનો?