તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વીરુનો ખુલાસો, પસંદગીકાર કોહલીને ટેસ્ટમાંથી બહાર કરવા માગતા હતા, ધોનીએ કોહલીની કારકિર્દી બચાવી

વીરુનો ખુલાસો, પસંદગીકાર કોહલીને ટેસ્ટમાંથી બહાર કરવા માગતા હતા, ધોનીએ કોહલીની કારકિર્દી બચાવી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટીમઇન્ડિયાના ભૂતપૂર્વ સ્ફોટક બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગે એક મોટો ખુલાસો કર્યો છે. ટીમ ઇન્ડિયાના ટેસ્ટ સુકાની વિરાટ કોહલી વિષે કરવામાં આવેલા ખુલાસા બાદ જેણે પણ સાંભળ્યું તે અાશ્ચર્યમાં મુકાઇ ગયા હતા. વાસ્તવમાં ભારત તથા ઇંગ્લેન્ડ વચ્ચે મોહાલીમાં રમાઇ રહેલી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે સેહવાગ કોમેન્ટ્રી કરી રહ્યો હતો. લંચ બ્રેક દરમિયાન વીરેન્દ્ર સેહવાગે એમ કહીને બધાના હોશ ઉડાવી દીધા હતા કે 2012માં સુકાની મહેન્દ્રસિંહ ધોની તથા તેણે (સેહવાગે) મળીને કોહલીનું ટીમમાં સ્થાન બચાવ્યું હતું. 2012માં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા પ્રવાસે ગઇ હતી. શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચમાં પસંદગીકારો વિરાટ કોહલીના સ્થાને રોહિત શર્માને પ્લેઇંગ ઇલેવનમાં સમાવવા માગતા હતા. ચાર ટેસ્ટ મેચોની બોર્ડર - ગાવસ્કર ટ્રોફીની પ્રથમ બે ટેસ્ટ મેચમાં કોહલીનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. કોહલી બે મેચની ચાર ઇનિંગ્સમાં ફક્ત 43 રન કરી શક્યો હતો. ત્યાર બાદ પર્થમાં રમાનારી ત્રીજી ટેસ્ટ મેચમાં પસંદગીકારોએ કોહલીના સ્થાને રોહિતને રમાડવાનો નિર્ણય લીધો હતો. પરંતુ ધોની તથા સેહવાગે નિર્ણય લીધો હતો કે તે રોહિતના સ્થાને વિરાટ કોહલીને ટીમમાં સમાવશે.

કોહલીએ ટીમમાં પોતાની પસંદગીને સાચી સાબિત કરીને પ્રથમ ઇનિંગ્સમાં 44 રન તથા બીજી ઇનિંગ્સમાં 75 રન કર્યા હતા. બીજી ઇનિંગ્સમાં તો ભારત તરફથી બેસ્ટ સ્કોરર બન્યો હતો. ત્યાર બાદ એડિલેડ ખાતે રમાયેલી ચોથી ટેસ્ટ મેચમાં તેણે શાનદાર સદી ફટકારી હતી. શ્રેણી કોહલીની ટેસ્ટ કારકિર્દીમાં એક મહત્વનું સ્થાન ધરાવતી બની ગઇ હતી. ત્યાર બાદથી તેણે ટેસ્ટ ક્રિકેટમાં સતત શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. ઉલ્લેખનીય છે કે બે વર્ષ બાદ ભારતીય ટીમે 2014માં જ્યારે ફરીથી ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કર્યો ત્યારે ટીમની આગેવાની વિરાટ કોહલીએ કરી હતી અને તેણે એડિલેડ ટેસ્ટની બંને ઇનિંગ્સમાં સદી ફટકારી હતી.

અન્ય સમાચારો પણ છે...