• Gujarati News
  • National
  • ધુળેટીનો તહેવાર રંગો અને ખુશીઓનો ઉત્સવ છે. પણ આ વર્ષે

ધુળેટીનો તહેવાર રંગો અને ખુશીઓનો ઉત્સવ છે. પણ આ વર્ષે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધુળેટીનો તહેવાર રંગો અને ખુશીઓનો ઉત્સવ છે. પણ આ વર્ષે ગુજરાત જળસંકટનો સામનો કરી રહ્યું છે તેથી ધુળેટી પર પાણીની બચત આપણી પ્રથમ પ્રાથમિકતા બની ગઈ છે. જીવનદાયીની નર્મદા નદીના વહેણ સૂકાઈ ગયાં છે. રાજ્યના અન્ય જળસ્ત્રોત પણ હાંફી રહ્યા છે. પીવાના પાણી માટે લાંબી-લાંબી કતારો અને પાણીના એકએક ટીપાં માટેના સંઘર્ષની તસવીરો આપણે અખબારમાં જોતા રહીએ છીએ. એટલે આ ધુળેટીએ આપણે સંકલ્પ લેવો જોઈએ કે કોઈ પણ સંજોગોમાં આપણે પાણીનો વેડફાટ નહીં કરીએ. દિવ્ય ભાસ્કર હંમેશા સમય સાથે અને વાચકોની જરૂરિયાતો અનુસાર ચાલે છે. તેથી પાણી બચાવવા માટેની પોતાની જવાબદારીને ધ્યાનમાં રાખીને અમે વાચકોની સાથે મળીને દર વર્ષે તિલક હોળી અભિયાન ચલાવીએ છીએ. ...અનુસંધાન પાના નં. 12

ચાલુ વર્ષે આ પહેલ ગુજરાતની જરૂરિયાત બની ગઈ છે. આ વખતે આપણે પાણીયુક્ત રંગોના બદલે તિલક હોળી રમીશું. અબીલ-ગુલાલનું તિલક લગાવીને રંગોત્સવ પણ મનાવીશું અને પાણી બચાવવા માટેની જવાબદારીનું પાલન પણ કરીશું.

આપણે પ્રિયજનના હાથ અને માથા પર રંગ ફેંકવાના બદલે તેમના કપાળે તિલક કરીને હોળી-ધુળેટીની શુભકામના પાઠવીએ. કારણ માત્ર એટલું જ કે હાથ પર લાગેલા રંગોને ધોવામાં એકથી ત્રણ લિટર પાણી ખર્ચાય છે, જ્યારે માથામાં લાગેલા રંગોને કાઢવામાં પાંચથી દસ લિટર પાણી વહાવવું પડે છે.

ચાલો ત્યારે આપણે સૌ સાથે મળીને પાણી બચાવવાની સાથોસાથ જીવનના રંગોનો ઉત્સવ પણ મનાવીએ.

દરેક વાચકોને હોળી-ધુળેટીની હાર્દિક શુભેચ્છા

ભાસ્કર પરિવાર

અન્ય સમાચારો પણ છે...