તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • પાકિસ્તાનને હરાવવાના ‘અહિંસક’ રસ્તા

પાકિસ્તાનને હરાવવાના ‘અહિંસક’ રસ્તા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કિસ્તાન દ્વારા અવારનવાર કરવામાં આવતાં ઊંબાડિયાં સામે આપણે શું કરવું જોઈએ? આપણે ત્યાં અવારનવાર તેને પદાર્થ પાઠ શીખવવાની ચર્ચાઓ થાય છે. ખાસ કરીને જ્યારે કોઈ હુમલો થાય તેના પછી તરત આપણે ગુસ્સામાં હોઈએ ત્યારે. પરંતુ આપણે આવું કરી શકતા નથી, શા માટે?

આની પાછળ બે મુખ્ય કારણો છે. એક, આપણે ભારતીયો સહનશીલ સ્વભાવના લોકો છીએ અને અહિંસક પ્રકૃત્તિ ધરાવીએ છીએ. બીજું મહત્ત્વનું કારણ છે, પરમાણુ હથિયારનો ઉપયોગ કરવાની ચીમકી. પણ એક એવા દેશ દ્વારા જેનું વાસ્તવિક નેતૃત્વ કોના હાથમાં છે કોઈ નથી જાણતું. આપણને પાકિસ્તાના પરમાણુ હથિયારો વિશે ખાસ કંઈ ખ્યાલ નથી અથવા હથિયારોની કમાન કોના હાથમાં છે વિશે પણ આપણે કંઈ નથી જાણતા. એટલું તો સ્પષ્ટ છે કે પાકિસ્તાનના વડાપ્રધાન હોવાનું ફૂમતું લટકાવીને ફરતા નવાઝ શરીફ પાસે તો સત્તા નથી જ. પાકિસ્તાન વિશે આપણે માત્ર એટલું જાણીએ છીએ કે તે પરિણામનો વિચાર સુધ્ધાં કર્યાં વિના ગમે ત્યારે પરમાણુ બોમ્બ વાપરી શકે છે. જે કદાચ દિલ્હીને નેસ્તનાબૂદ કરી શકે છે. પછી ભલે બીજા દિવસે આખા પાકિસ્તાનું નામોનિશાન ભૂંસાઈ જાય, સમગ્ર વિશ્વ ભલે હિંસામાં ધકેલાઈ જાય. હવામાં ચોતરફ પરમાણુ ધુમાડો ફેલાઈ જાય, સર્વત્ર લોકોનાં મોત થવાં લાગે અને પેઢીઓની પેઢીઓ જન્મજાત ખોડખાંપણવાળી જન્મે. ખેર, કદાચ તમને મારી વાતો અતિશયોક્તિભરી લાગશે, પણ તેમાં કેટલુંક તથ્ય તો છે. આવા ચિત્રવિચિત્ર માનસિકતા ધરાવનારા લોકોની જમાત ગણતરીના દિવસો કે અઠવાડિયાંમાં સમગ્ર વિશ્વને બરબાદ કરી શકે તેમ છે. તેમની સામે દુનિયાના અન્ય દેશોએ અત્યારે અપનાવવા જેવો એક માર્ગ છે, તેમને એકલા મૂકી દેવાનો.

ભારત પાકિસ્તાનથી દૂર રહેવાના ગમે તેટલા પ્રયત્ન કરે, શક્ય નથી. ભારતને કનડવા માટે તૈયાર લોકોની જમાત શાંત બેસે તેમ નથી. આતંકવાદ તેમની વિદેશનીતિનો એક ભાગ છે. તેઓ આપણા નિર્દોષ લોકોની હત્યા કરે છે. તેમાં મુંબઈના નિર્દોષ નાગરિકો અને ઉરીમાં શહીદી વહોરનારા સૈનિકો પણ સામેલ છે. આપણે ઇચ્છવા છતાં પણ વળતો પ્રહાર નથી કરી શકતા. આંતકીઓના હુમલાની જેમ આપણે વિશ્વને પરમાણુ યુદ્ધમાં ધકેલી શકતા નથી.

તો પછી આપણે શું કરવું જોઈએ? ક્રિકેટ રમવાનું બંધ કરી દેવાનું? તેમના દૂધિયા દાંતવાળા વડાપ્રધાનને તેના જન્મદિવસે અભિનંદન પાઠવવાના? ટી-પાર્ટી માટે તેમને આમંત્રવાના? લોકોને મુક્ત રીતે આવવા-જવા દેવાના? તેમના પાડોશી હોવાની કિંમત આપણે વર્ષેદહાડે સેંકડો જાન ગુમાવીને ચૂકવવી પડે છે, શું આપણે સ્વીકારી શકીએ છીએ?

ખેર, આમાંથી એક પણ બાબત કારગત નીવડે નથી. અહીં એક પ્લાન દર્શાવું છું, જે કદાચ અકસીર નીવડી શકે, પણ કોઈ જાતની હિંસા વિના:

1. એક દેશ તરીકે આપણે સત્તાવાર રીતે એવું સ્વીકારવું જોઈએ કે પાકિસ્તાનનું સત્તાતંત્ર નિષ્ફળ છે. તે એક રાષ્ટ્ર પણ નથી, પણ આતંકીક્ષેત્ર છે, જેની પાસે પરમાણુ હથિયાર છે. અને આજે સમગ્ર વિશ્વની શાંતિ માટે ઘાતક સાબિત થઈ શકે તેમ છે. હકીકતને આપણે દુનિયાની સામે મૂકવી જોઈએ કે પાકિસ્તાન ISIS-2 છે, જ્યાંની સરકાર લાંબો સમય સત્તા સંભાળી શકે તેવી સ્થિતિમાં નથી.

2. આપણે પાકિસ્તાન સાથેનાં રાજદ્વારી જોડાણો કાપી નાખવા જોઈએ. દિલ્હીના ચાણક્યપુરીમાં પથારો કરીને બેઠેલા પાકિસ્તાની રાજદૂતના કાર્યાલયની કોઈ જરૂર નથી. આપણે તેમને પાટનગરમાં શા માટે જગ્યા આપી છે? તેમની આતંક હરકતોને બેઝ પૂરો પાડવા? શું ત્યાં કોઈ આઈએસઆઈએસનો રાજદૂત છે? સૌથી ખરાબ બાબત તો છે કે પાકિસ્તાની રાજદૂત પાર્ટીઓ યોજે છે અને આપણા મંત્રીઓ તેમાં ભાગ લેવા જાય છે. શું બધું જોયા પછી તમે બાકીની દુનિયા પાસેથી આપણા માટે સહાનુભૂતિની અપેક્ષા રાખી શકો છો?

3. પાકિસ્તાન આપણું મિત્રરાષ્ટ્ર છે એવી તરંગી કલ્પનાઓમાંથી બહાર આવી જવાની જરૂર છે. દુનિયા પાસે તમારી વાતોને ઊંડાણથી સમજવાનો સમય નથી. જો તેઓ એક સમયે ભારત-પાક યુદ્ધ પણ જોશે અને શાંતિ તથા ભાઈચારાનાં ગાણાં પણ સાંભળશે, તો લોકો ગૂંચવણમાં મુકાઈ જશે. તેઓ લડાઈને બે મિત્રો વચ્ચેની લડાઈ સમજીને તેના તરફ ધ્યાન નહીં આપે. પાકિસ્તાની જનતા તો સારી છે. એવા રાગ આલાપવા અત્યારે સમયોચિત નથી. પાકિસ્તાન પર શાસન ચલાવતી જમાત સમગ્ર વિશ્વ માટે મોટો ખતરો છે અને વાત આપણે સ્પષ્ટપણે દુનિયાની સામે લાવવી જોઈએ.

4. આપણે દુનિયાના જાણીતા પ્રકાશનોમાં ‘અતુલ્ય ભારત’ની જાહેરાતો છપાવીએ છીએ. તદ્દન સરળતાથી વાત દર્શાવવી જોઈએ કે ભારત કેવી પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યું છે, કેવી રીતે આતંકવાદનો ભોગ બની રહ્યું છે. અને બધું માત્ર ખુદને બચાવવા માટે નહીં, પરંતુ સમગ્ર વિશ્વને પરમાણુ હુમલાથી બચાવવા માટે જરૂરી છે. જમાત શું કરે છે, જ્યારે આખી દુનિયાને જણાવીશું, ત્યારે વૈશ્વિક ટેકો મેળવી શકીશું.

5. આપણે કોઈ કલાકારો પર પ્રતિબંધ મૂકવાની જરૂર નથી. કલાને દેશના સીમાડાઓ નથી હોતા અને આવડતનો હંમેશાં આદર કરવો જોઈએ. અલબત્ત, આપણે એવા કલાકારોને આશ્રય આપવો જોઈએ, જેઓ આતંકવાદનો વિરોધ કરે છે અને તેના પરિણામથી ગભરાતા હોય. માત્ર અડધો ડઝન કલાકારો પણ આપણી વાત સ્વીકારી લે, તો આપણે બાકીની દુનિયાને એવું કહી શકીએ કે પાકસ્તાની કલાકારો પાકિસ્તાનથી નાસીને ભારત આવી રહ્યા છે. કોઈ પર દબાણ લાવીને નહીં, પણ કલાકારો વિશ્વને જણાવે કે ભારત અત્યારે કેવા કપરા સંજોગોનો સામનો કરી રહ્યું છે. જો તેઓ કંઈ બોલવા માગે, તો તેમની મરજી ગણાય, પણ તેમના ભારતીય ચાહકો એટલું તો સમજી જશે કે કલાકારો ખોખારીને કંઈ બોલતા નથી.

6. જો આપણે યોજનાપૂર્વક નીતિ અપનાવીશું, તો ધીમે ધીમે સમગ્ર વિશ્વના ધ્યાને બાબત આવશે કે પાકિસ્તાન એક નિષ્ફળ રાષ્ટ્ર છે. પછી પાકિસ્તાન સાથેનાં સંબંધો કાપી નાખવા, આંતરાષ્ટ્રીય પ્રતિબંધો મૂકવા અને પરમાણુ કાર્યક્રમ અટકાવી દેવા સહિતના વિકલ્પો છે જ.

અલબત્ત, આમાં થોડું નુકસાન થવાની શક્યતા પણ ખરી. કેટલાક ઉદારમતવાદીઓને એવું પણ લાગશે કે આપણે સૌહાર્દ અને સહતાપૂર્વક નથી વર્તી રહ્યા. ભાઈચારાના સંબંધોનો અંત આણવો અયોગ્ય અને બિનજરૂરી છે. આમ છતાં, સ્પષ્ટ સંવાદ અને નક્કર પગલાં થકી આપણે દુનિયાને આપણી તરફ લેવી અત્યંત જરૂરી છે. સમાનતા અને બંધુતા તમે શાંત પરિસ્થિતિમાં ભોગવી શકો - જ્યારે તમારા લોકો મોતને ઘાટ ઊતરતા હોય ત્યારે નહીં.

}chetan.bhagat@ુgmail.com

વ્યૂહ|પાકિસ્તાન સામે અત્યારે અપનાવવા જેવો એક માત્ર માર્ગ છે, દુનિયાના અન્ય દેશોએ તેને એકલા મૂકી દેવાનો

અન્ય સમાચારો પણ છે...