તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • હત્યાનો સૂત્રધાર શાહ ગુજરાત બહાર નાસી ગયાની આશંકા

હત્યાનો સૂત્રધાર શાહ ગુજરાત બહાર નાસી ગયાની આશંકા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હત્યા પ્રકરણમાં મૃતકના પરિવારજનોના નિવેદન નોંધાયા

ક્રાઇમ રિપોર્ટર. રાજકોટ

રાજમોતીમિલના અમદાવાદની બ્રાંચના મેનેજર દિનેશભાઇ દક્ષિણીનું નાણાંના મુદ્દે અપહરણ કરી રાજકોટ લઇ આવી કરવામાં આવેલી ક્રૂર હત્યાના સૂત્રધાર એવા મિલમાલિક સમીર શાહની પોલીસે ઠેરઠેર શોધખોળ કરી હતી, પરંતુ તે હાથ આવ્યો નથી. સમીર શાહ ગુજરાત બહાર નાસી ગયાની શંકાએ પોલીસે વિવિધ દિશામાં તપાસ શરૂ કરી હતી.

દિનેશભાઇ દક્ષિણીની હત્યા અંગે તેમના સાળાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રાજમોતી મિલના માલિક સમીર શાહ, મિલના રાજકોટના મેનેજર સમીર ગાંધી, બી.ડિવિઝનના પીએસઆઇ મારૂ તેમજ એએસઆઇ યોગેશ ભટ્ટના નામ આપ્યા હતા. ગુનો નોંધાયા બાદ પોલીસે મિલના મેનેજર સમીર ગાંધીની ધરપકડ કરી તેને રિમાન્ડ પર લીધો છે. પોલીસ ટુકડી શનિવારે સમીર ગાંધીને લઇને અમદાવાદ દોડી ગઇ હતી. પોલીસે અમદાવાદ બ્રાંચના સ્ટાફ તેમજ મૃતકના પત્ની, પિતા અને મૃતક જે એપાર્ટમેન્ટમાં રહેતાં હતા તેના સિક્યુરિટીમેનના નિવેદન નોંધ્યા હતા.

મેનેજર સમીર ગાંધીએ કબૂલાત આપી હતી કે, રાજમોતી મિલના માલિક સમીર શાહની સૂચનાથી દિનેશભાઇ દક્ષિણીને રાજકોટ ઉઠાવી રાખ્યા હતા અને બે દિવસ સુધી મિલમાં ગોંધી રાખ્યા હતા. હત્યાનો સૂત્રધાર એવો સમીર શાહ ગુનો નોંધાયા બાદ ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. સમીર શાહની શોધમાં પોલીસે અમીનમાર્ગ પર આવેલા તેના ઘર, રાજમોતી મિલ તેમજ અન્ય આશ્રય સ્થાનો પર તપાસ કરી હતી, પરંતુ તે મળી આવ્યો નહોતો. પોલીસે સમીર શાહના મોબાઇલ લોકેશન પર તપાસ કેન્દ્રિત કરી હતી. સૌરાષ્ટ્ર ઓઇલ મિલ એસોસિએશન (સોમા) અને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સનો પ્રમુખ સમીર શાહ ધરપકડથી બચવા ગુજરાતની બહાર નાસી ગયાની શંકા પોલીસે વ્યક્ત કરી હતી. રાજકોટ સહિત રાજ્યમાં હાલ આતંકવાદી ઘુસ્યાના મેસેજથી પોલીસ સઘન ચેકિંગમાં વ્યસ્ત છે છતાં સમીર શાહને દબોચી લેવા બાતમીદારોને કામે લગાડાયા છે.

અન્ય સમાચારો પણ છે...