તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સામાજિક અસમાનતાનો ઊલટો પ્રવાહ | ખૈરલાંજીઅને કોપર્ડી વચ્ચે સમીકરણો બદલાઇ ગયાં છે

સામાજિક અસમાનતાનો ઊલટો પ્રવાહ | ખૈરલાંજીઅને કોપર્ડી વચ્ચે સમીકરણો બદલાઇ ગયાં છે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મરાઠા આંદોલન મક્કમ ગતિએ કાઠું કાઢી રહ્યું છે

વિરાટ સામાજીક આંદોલન કોઇ દૃશ્યમાન નેતા વિના આગળ વધે તે માની શકાય તેવી પણ સત્ય હકીકત છે. મહારાષ્ટ્રમાં દોઢ મહિના પહેલા ચાલુ થયેલા મરાઠા આંદોલનમાં કોઇ નેતા હજુ સુધી સામે આવ્યો નથી, તો પણ શાંત આંદોલન વાવાઝોડાની જેમ આખાં રાજ્યમાં ફેલાઇ ગયું છે. તાજેતરમાં પુણે અને નાસિક જેવાં મહારાષ્ટ્રનાં પ્રમુખ શહેરોમાં નીકળેલી રેલીઓમાં દસ-દસ લાખ લોકો જોડાયા હતા; તો પણ કોઇ અનિચ્છનીય ઘટના બની નહોતી. હવે તેઓ મુંબઇમાં એક કરોડ મરાઠાઓનો મોરચો કાઢવાની તૈયારી કરી રહ્યા છે. મરાઠાઓના આંદોલનને કારણે મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડનવિસની ખુરશી સામે પણ સંકટ પેદા થયું છે, કારણ કે તેઓ બિનમરાઠા છે.

આજથી બરોબર દસ વર્ષ પહેલા મહારાષ્ટ્રના ભંડારા જિલ્લાના ખૈરલાંજી ગામમાં મરાઠા-કુનબી કોમના ગુંડાઓ દ્વારા એક દલિત પરિવારના ચાર સભ્યોની ધોળે દિવસે હત્યા કરવામાં આવી હતી. પરિવારનો વાંક એટલો હતો કે તેમણે ગામના દલિત પોલિસકર્મીની પિટાઇ માટે મરાઠા કોમના યુવાનો સામે ફરિયાદ કરી હતી. ખૈરલાંજીના હત્યાકાંડના પગલે સમગ્ર મહારાષ્ટ્રમાં દલિતોના દેખાવો યોજાયા હતા. ઇ.સ.૨૦૦૮ના સપ્ટેમ્બરમાં ટ્રાયલ કોર્ટ દ્વારા દલિત પરિવારના હત્યારાઓને ફાંસીની સજા ફરમાવવામાં આવી હતી. મુંબઇ હાઇ કોર્ટની નાગપુર બેન્ચે ફાંસીની સજા રદ્દ કરીને તેમને ૨૫ વર્ષની કેદની સજા કરી હતી. હાઇ કોર્ટના જજ સાહેબોનું માનવું હતું કે હત્યા તેમના દલિત હોવાને કારણે નથી કરવામાં આવી પણ દુશ્મનાવટનો બદલો લેવા માટે કરવામાં આવી છે. ચુકાદા સામે સુપ્રિમ કોર્ટમાં અપીલ કરવામાં આવી છે. ઘટનાને દેશભરના દલિતો હજુ ભૂલ્યા નથી.

દલિત આંદોલનનો પ્રારંભ જેમ ખૈરલાંજી ઘટનાથી થયો હતો તેમ મરાઠા આંદોલનો જન્મ અહમદનગર જિલ્લાના કોપર્ડી ગામની ઘટનામાંથી થયો છે. કોપર્ડી ગામમાં તા. ૧૩ જુલાઇના રોજ એક ૧૫ વર્ષની મરાઠા કન્યા સાથે ત્રણ દલિત ગુંડાઓ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને તેની ગળું દબાવીને હત્યા કરી નાખવામાં આવી હતી. મરાઠા આંદોલનકારીઓ હત્યાના ગુનેગારોને ફાંસીના માંચડે ચડાવવાની માગણી કરી રહ્યા છે. ખૈરલાંજી અને કોપર્ડીની ઘટનાઓને બૃહદ્ પરિપ્રેક્ષ્યમાં જોવામાં આવે તો દલિતો હવે મરાઠાઓ પર અત્યાચારો ગુજારવા જેટલા શક્તિશાળી બની ગયા છે.

હરિયાણામાં જાટ, ગુજરાતમાં પાટીદાર અને હવે મહારાષ્ટ્રમાં ચાલી રહેલા મરાઠા આંદોલનના બે કોમન ફેક્ટરો છે. એક, આંદોલન કરનારી ત્રણેય કોમો ખેતીવાડીના વ્યવસાય સાથે જોડાયેલી આર્થિક રીતે સમૃદ્ધ કોમો છે. બે, જે ત્રણ રાજ્યોમાં આંદોલનો ચાલી રહ્યાં છે તે ત્રણેયમાં ભાજપની અને તેમના સાથી પક્ષોની સરકારો છે. જાટ, પાટીદાર અને મરાઠા કોમોમાં અજંપાનું મૂળ કારણ છે કે ખેતીવાડીમાં હવે કસ રહ્યો નથી. પેઢી દર પેઢી જમીનોના ટુકડા થતા રહેતા હોવાથી ખેતીવાડીના આધારે પરિવારનું ગુજરાન કરવું હવે મુશ્કેલ બની ગયું છે. મહારાષ્ટ્રમાં જે કિસાનો આપઘાત કરે છે તેમાંના બહુમતી કિસાનો મરાઠા કોમના હોય છે. બીજી બાજુ દલિતોને શિક્ષણ સંસ્થાઓમાં તેમ સરકારી નોકરીઓમાં આરક્ષણનો લાભ મળતો હોવાથી તેમની આર્થિક અને સામાજીક હાલતમાં જબરદસ્ત સુધારો થયો છે. સામાજીક પરિસ્થિતિમાં શીર્ષાસન થયું છે. સ્વતંત્રતા વખતે કંગાળ ગણાતા દલિતો હવે સમૃદ્ધ થયા છે; જ્યારે સવર્ણો પ્રગતિમાં પાછળ રહી ગયા છે.

ભારતને આઝાદી મળી ત્યારે જે કોમોના હાથમાં જમીનોની માલિકી હતી તેઓ સામાજીક, આર્થિક અને રાજકીય રીતે શક્તિશાળી હતી. મહારાષ્ટ્રના આર્થિક સર્વેક્ષણના આંકડાઓ મુજબ અનુસૂચિત જાતિ(હરિજન)ના હાથમાં ખેતીવાડીની માત્ર ૭.૫ ટકા જમીનો છે, જ્યારે અનુસૂચિત જનજાતિ(વનવાસી)ના હાથમાં ખેતીવાડીની ૬.૨ ટકા જમીનો છે. મહારાષ્ટ્રમાં મરાઠાઓની વસતિ ૩૩ ટકા છે, પણ તેમના હાથમાં ખેતીવાડીની ૭૮.૬ ટકા જમીનો છે. મહારાષ્ટ્રમાં વર્ષાનુવર્ષ પડતાં દુકાળોને કારણે કિસાનો પાયમાલ થઇ ગયા છે. બીજી બાજુ રાજ્યના દલિતો ખેતીવાડી સિવાયના વ્યવસાયોમાં જોડાયા હતા. તેમને તબીબી તેમ ઇજનેરી વિદ્યાશાખાઓમાં આરક્ષણનો લાભ મળ્યો હતો. વળી સરકારી નોકરીઓ તેમના માટે સુલભ હતી. કારણે તેમની પ્રમાણમાં વધુ તરક્કી થઇ હતી.

મહારાષ્ટ્રમાં મરાઠા કોમના નેતાઓ બહુ સમૃદ્ધ છે, પણ તેમની સમૃદ્ધિનો કોઇ લાભ તેમની કોમને મળ્યો નથી. મહારાષ્ટ્ર રાજ્યનાં ૫૬ વર્ષના ઇતિહાસમાં ૧૩ મરાઠા મુખ્ય પ્રધાનો આવી ગયા. મહારાષ્ટ્રના સૌથી શક્તિશાળી રાજકારણી ગણાતા શરદ પવાર પણ મરાઠા નેતા છે. રાજકારણીઓ દ્વારા મરાઠા કોમનો વોટબેન્ક તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે, પણ તેમના વિકાસ માટે કોઇ નક્કર પગલાં લેવામાં આવ્યાં નથી. મહારાષ્ટ્રની શક્તિશાળી સુગર લોબી અને શિક્ષણની હાટડીઓ પર પણ મરાઠાઓનું વર્ચસ છે, પણ તેના સાકર તેમ શિક્ષણ સમ્રાટોએ મરાઠા માણસોનુ શોષણ કરવાનું કામ કર્યું છે. હવે મરાઠા આમ આદમી રાજકારણીઓના સ્વાર્થી નાટક સામે મેદાને પડ્યો છે.

મરાઠા આંદોલનને કારણે ડાબેરી ઝોક ધરાવતા મહારાષ્ટ્રના રાજકારણીઓ ભયભીત થઇ ગયા છે. હત્યા કરાયેલા સામ્યવાદી નેતા ગોવિંદ પાનસરેની પુત્રી સ્વાતિ પાનસરેએ કોપર્ડીની ઘટનાને રાજકીય સ્વરૂપ આપવાથી દૂર રહેવાની અપીલ કરી છે. ડાબેરી આગેવાનો ખૈરલાંજીની ઘટનાને ચગાવવામાં મોખરે હતા. ખૈરલાંજી અને કોપર્ડી વચ્ચે તેમનાં કાટલાં બદલાઇ ગયાં છે.

@sanjay.vora@dbcorp.in

અન્ય સમાચારો પણ છે...