• Gujarati News
  • પાક., યમન અને ઇરાકનાં 17 ખલાસીઓ ભગવાન ભરોસે

પાક., યમન અને ઇરાકનાં 17 ખલાસીઓ ભગવાન ભરોસે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પીપાવાવથી10 નોટીકલ માઇલ દુર દરીયામાં ગત ચોથી તારીખે યમનથી અલંગના ભંગારવાડે જઇ રહેલુ આઇમન જહાજ ડુબી જતા મરીન પોલીસે 17 ખલાસીઓને બચાવી લીધા બાદ છેલ્લા ચાર દિવસથી ખલાસીઓ મરીન પોલીસના મહેમાન છે. સરકાર અને જે તે દેશની એમ્બસી દ્વારા મરીન પોલીસને હજુ સુધી કોઇ જરૂરી સુચનાઓ મળી નથી. જેને પગલે પાકીસ્તાન, યમન અને ઇરાકના ખલાસીઓ હાલમાં ભગવાન ભરોસે છે. મરીન પોલીસ મથકમાં રાત્રે સુઇ રહે છે. પોલીસને તેના પર જાપ્તા ઉપરાંત તેના રહેવા, ખાવા, પિવાની વ્યવસ્થા કરવી પડી રહી છે.

યમનનું આઇમન જહાજ ગત ચોથી તારીખે પીપાવાવના દરીયામાં ડુબ્યુ હતું. જે તે સમયે પીપાવાવ મરીન પોલીસે બે બોટની મદદથી 17 ખલાસીઓને બચાવી લીધા હતાં. 17 ખલાસીઓમાં 10 પાકીસ્તાની છે જ્યારે પાંચ યમનના, એક ઇરાકનો અને એક ભારતિય ખલાસી છે. તમામ ખલાસીઓ પાસે વિઝા સહિતના તમામ કાગળો પરફેક્ટ હોવાનું કહેવાય છે. પરંતુ હાલમાં તો તમામ ખલાસીઓ મરીન પોલીસ મથકમાં અટવાઇ ગયા છે. આઇમન જહાજ ડુબી ગયા બાદ મરીન પોલીસ દ્વારા તમામ ખલાસીઓ અંગે સરકાર સાથે પત્રવ્યવહાર કરવામાં આવ્યો હતો. અને સરકાર દ્વારા જે તે દેશની એમ્બસીને જાણ કરાઇ હતી. નવાઇની વાત છે કે ચાર-ચાર દિવસ વિતવા છતાં ખલાસીઓનું શું કરવુ તે અંગે સરકાર દ્વારા કે કોઇ દેશની એમ્બસી દ્વારા મરીન પોલીસને કોઇ પ્રકારની સુચના આપવામાં આવી નથી. વિદેશી નાગરીક હોવાના નાતે પોલીસ ખલાસીઓને પોતાની રીતે મુક્ત કરી શકે તેમ પણ નથી. એવી રીતે તેમની સામે ગુનો નોંધાયેલો હોય તેમની અટકાયત કે ધરપકડ પણ કરી શકે તેમ નથી. આમ તમામ ખલાસીઓને કોઇપણ પ્રકારના આધાર-પુરાવા વગર કે ધરપકડ વગર મરીન પોલીસને સાચવવા પડી રહ્યા છે. હાલમાં તમામ ખલાસીઓ પીપાવાવ મરીન પોલીસ મથકમાં રહે છે.

છેલ્લા ચાર દિવસથી ખલાસીઓ રાત્રે પણ પોલીસ મથકમાં સુઇ રહે છે. ન્હાવા-ધોવાથી લઇ ખાવા-પીવા સુધીની વ્યવસ્થા પોલીસ મથકમાં કરવામાં આવી છે. ખલાસીઓની ધરપકડ ભલે કરાઇ હોય આમ છતા વિદેશીઓ હોય અહિંથી કોઇ છટકી જાય તેની તકેદારી રાખવા માટે તેના પર સતત પોલીસ કર્મચારીઓનો જાપ્તો પણ રાખવો પડી રહ્યો છે. મરીન પોલીસના સુત્રોએ જણાવ્યુ હતું કે દિવસે બે અને રાત્રે બે કર્મચારીઓને સતત તેમના પર વોચ રાખવા માટે તૈનાત રાખવામાં આવ્યા છે.

ગાદલા-ગોદડા પણ ભાડે લેવા પડયા |મરીન પોલીસમથકમાં 17 ખલાસીઓને રાત્રે સુવડાવવા માટેની જગ્યા તો છે. પરંતુ ગાદલા ગોદડાની વ્યવસ્થા હોય પોલીસે પોતાના ખર્ચે ગાદડા-ગોદડા ભાડે લઇ વ્યવસ્થા કરી છે.

અરબી ભાષામાં કરે છે વાત

17પૈકી16 ખલાસી વિદેશી હોય પોલીસને તેમની સાથે વાતચીતમાં અગવડતા પડી રહી છે. જો કે પાકીસ્તાની ખલાસીઓ ઉર્દુ જાણતા હોય મરીન પોલીસના કર્મચારીઓ હિન્દીમાં તેમની સાથે વાતચીત કરે તો એકબીજાની વાત સમજાય જાય છે. જ્યારે ઇરાક અને ઇરાક અને યમનના ખલાસીઓ અરબી ભાષા જાણે છે. મરીન પોલીસના બોટ માસ્તર અનવર ખાન અરબી ભાષા જાણતા હોય વાતચીતમાં સરળતા રહે છે.