• Gujarati News
  • National
  • બધે લાંચની બોલબાલા | આપણીસમગ્ર હેલ્થ સિસ્ટમ સડી ગઇ છે

બધે લાંચની બોલબાલા | આપણીસમગ્ર હેલ્થ સિસ્ટમ સડી ગઇ છે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોરખપુરની કરુણાંતિકા માટે ભ્રષ્ટાચાર જવાબદાર

રખપુરની સરકારી હોસ્પિટલમાં ઓક્સિજનનો પુરવઠો બંધ થઇ જવાને કારણે પાંચ દિવસમાં ૬૦થી વધુ બાળકોનાં મોત થયાં તેની જવાબદારી કોઇના માથે ઢોળવાની કસરત ચાલી રહી છે. હોસ્પિટલનું મેનેજમેન્ટ કહે છે કે પુષ્પા સેલ્સ કંપનીએ અચાનક ઓક્સિજન વાયુનો પુરવઠો બંધ કર્યો, માટે બાળકોનાં મોત થયાં હતાં. પુષ્પા સેલ્સ કંપની કહે છે કે તેમનું ૬૩ લાખ રૂપિયાનું બિલ ચૂકવવામાં હોસ્પિટલના સત્તાવાળાઓ ઠાગાઠૈયાં કરતા હતા, માટે તેમણે ઓક્સિજનનો પુરવઠો બંધ કર્યો હતો. વિપક્ષો કહે છે કે યોગી આદિત્યનાથની સરકારના ગેરવહીવટને કારણે ૬૩ બાળકોના જીવ ગયા છે, માટે સરકારે રાજીનામું આપવું જોઇએ. યોગી આદિત્યનાથ કહે છે કે જપાનીઝ એન્સેફેલિટિસ ગંદકીથી થાય છે, માટે ગંદકીને કારણે ૬૩ બાળકોના જીવ ગયા છે. અમને લાગે છે કે ભારતના સરકારી તંત્રમાં જે ભ્રષ્ટાચાર અને બીનકાર્યક્ષમતા ઘર કરી ગયા છે, તેને કારણે ૬૩ બાળકોના જીવ ગયા છે. સરકારના ગેરવહીવટને કારણે દર વર્ષે દેશના હજારો નાગરિકો વગર વાંકે અકુદરતી મોતને ભેટે છે.

બાબા રાઘવદાસ મેડિકલ કોલેજમાં જે ૬૩ બાળકોનાં મોત થયાં તેનું મુખ્ય કારણ તા.૧૦મી ઓગસ્ટે અટકાવાઇ દેવાયેલો ઓક્સિજનનો પુરવઠો હતો, તેમાં શંકાને કોઇ સ્થાન નથી. જો યોગી આદિત્યનાથ કહેતા હોય કે બાળકોનાં મોત માટે બંધ કરાયેલો ઓક્સિજન જવાબદાર નહોતો, તો તેઓ દેશને ગેરમાર્ગે દોરી રહ્યા છે. તા. ૧૦ના આગલા ત્રણ દિવસમાં અનુક્રમે ૯,૧૨ અને બાળકોનાં મોત થયાં હતાં. તા. ૧૦ ઓગસ્ટે પુષ્પા સેલ્સ કંપનીએ ઓક્સિજનનો પુરવઠો અટકાવી દેતા ૨૩ બાળકોનાં મોત થયાં હતાં. પરંતુ મોત માટે પુષ્પા સેલ્સને જવાબદાર ઠરાવી શકાય નહીં.

પુષ્પા સેલ્સ એક વેપારી પેઢી છે, કોઇ ધર્માદા સંસ્થા નથી. કોઇ પણ વેપારી પેઢી સરકારી સંસ્થાને પોતાનો માલ કાયમ માટે મફતમાં વેચીને ધંધામાં ટકી રહી શકે નહીં. પુષ્પા સેલ્સના ૬૩ લાખ રૂપિયા હોસ્પિટલે ચૂકવવાના બાકી હતા તે હકીકત છે. રૂપિયા વસૂલ કરવા કંપનીએ હોસ્પિટલના સત્તાવાળાઓ ઉપર ૧૦૦ જેટલા પત્રો લખ્યા હતા, તે પણ હકીકત છે. કહેવાય છે કે મેડિકલ કોલેજના પ્રિન્સિપાલે ૬૩ લાખ રૂપિયા ચૂકવવા સામે કંપની પાસે બે લાખ રૂપિયાની લાંચ માગી હતી. પુષ્પા સેલ્સના માલિકો લાંચ આપવા નહોતા માગતા, માટે તેમણે ઓક્સિજનનો પુરવઠો બંધ કર્યો હતો. જો વાત સાચી હોય તો મેડિકલ કોલેજના પ્રિન્સિપાલ પર બાળહત્યાનો કેસ કરવો જોઇએ.

આપણા દેશમાં મોટા ભાગની સરકારી હોસ્પિટલો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ભ્રષ્ટાચારથી ખદબદે છે, કારણ કે ત્યાં ગરીબો સારવાર કરાવવા આવે છે અને ગરીબોની ફરિયાદ સાંભળવાની કોઇને દરકાર નથી. બાબા રાઘવદાસ મેડિકલ કોલેજમાં એટલો ભ્રષ્ટાચાર ચાલે છે કે પુષ્પા સેલ્સ જેવી અનેક ખાનગી કંપનીઓનાં બીલ લટકાવી રાખવામાં આવે છે અને તગડી લાંચ લઇને ચૂકવવામાં આવે છે. ખાનગી સપ્લાયરોએ લાંચ ચૂકવવી પડતી હોવાથી તેઓ હલકી સાધનસામગ્રી પૂરી પાડે છે. હોસ્પિટલના બાળકોના વિભાગના કર્મચારીઓને છેલ્લા મહિનાથી પગાર ચૂકવવામાં નહોતો આવ્યો. મેડિકલ કોલેજના સ્ટાફને તો છેલ્લા ૨૭ મહિનાથી પગાર નહોતો મળ્યો. કોઇને લાગશે કે સરકાર દ્વારા પૂરતું ભંડોળ નહીં મળવાને કારણે આવી પરિસ્થિતિ પેદા થઇ હશે, પણ હકીકત કાંઇક અલગ છે.

ઇ.સ.૨૦૧૪માં બાબા રાઘવદાસ મેડિકલ કોલેજને રાજ્ય સરકાર તરફથી ૧૨૦ કરોડ રૂપિયાની અને કેન્દ્ર સરકાર તરફથી ૩૦ કરોડ રૂપિયાની ગ્રાન્ટ મળી હતી. ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા હોસ્પિટલને ઇ.સ.૨૦૧૩માં અસાધ્ય રોગ સારવાર યોજના હેઠળ ૪.૫ કરોડ રૂપિયાની ગ્રાન્ટ મળી હતી, પણ તેમાંના ૧.૬૫ લાખ રૂપિયા તેઓ વાપરી શક્યા હતા. એક બાજુ જૂની ગ્રાન્ટ વપરાતી નથી તો બીજી બાજુ કંપનીઓનાં બીલ ચૂકવાતાં નથી. તેને ગેરવહીવટ કહેવાય તો શું કહેવાય? તેમ છતાં હોસ્પિટલ દ્વારા ઇ.સ.૨૦૧૭ના મે મહિનામાં રાજ્ય સરકાર પાસે માળખાકીય સુવિધાના વિકાસ માટે વધુ ૩૭ કરોડ રૂપિયાની ગ્રાન્ટ માગી હતી. રાજ્ય સરકારે માગણી કેન્દ્ર સરકારને મોકલી આપી હતી.

કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા ગરીબ પ્રજાના આરોગ્યની સુરક્ષા માટે અબજો રૂપિયાની ફાળવણી કરવામાં આવે છે, પણ તેમાંનો મોટા ભાગનો હિસ્સો વેડફાઇ જાય છે. સરકારી હોસ્પિટલોને સામગ્રી સપ્લાય કરનારી કંપનીઓ ટેન્ડર પાસ કરાવવા હોસ્પિટલના તબીબી અધિકારીઓને લાંચ આપે છે. તબીબી અધિકારીઓ પોસ્ટિંગ માટે આરોગ્ય ખાતાંના સરકારી અધિકારીઓને લાંચ આપે છે. સરકારી અધિકારીઓ કમાણી થાય તેવા પોસ્ટિંગ માટે પ્રધાનોને લાંચ આપે છે. આરોગ્ય પ્રધાને રોજના અમુક કરોડ રૂપિયા એકઠા કરીને પક્ષના ચૂંટણી ભંડોળ માટે ખજાનચીને પહોંચાડવાના હોય છે.

સરકારી આરોગ્ય સેવાના લાભાર્થીઓ સમાજના સૌથી ગરીબ અને અભણ પ્રજાજનો હોય છે. લોકો શોષણનો અને અપોષણનો ભોગ બનેલા હોય છે. તેઓ ગરીબી અને ગંદકીને કારણે પેદા થતા રોગોનો સહેલાઇથી ભોગ બને છે. ખાનગી હોસ્પિટલો તેમને પરવડતી નથી, માટે તેઓ નછૂટકે સરકારી હોસ્પિટલોમાં સારવાર લેવા જાય છે. ત્યાં ક્યારેક ડોક્ટર નથી હોતા, ક્યારેક દવા નથી હોતી અને ક્યારેક સાધનો નથી હોતા. કર્મચારીઓ તેની સાથે પશુ જેવો વ્યવહાર કરે છે. તેની ફરિયાદ કોઇ સાંભળતું નથી. તેના જીવની કોઇ કિંમત નથી હોતી. ગોરખપુરની કરૂણાંતિકાનો ભોગ બનનારાં બાળકોના પરિવારોને બે-ત્રણ લાખ રૂપિયા આપી દેવામાં આવશે એટલે કથા પૂરી થઇ જાશે. જ્યાં સુધી સિસ્ટમનો ભ્રષ્ટાચાર દૂર નહીં થાય ત્યાં સુધી આવી દુર્ઘટનાઓ બન્યા કરવાની છે.

@sanjay.vora@dbcorp.in

અન્ય સમાચારો પણ છે...