તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • નદીનાં પાણી માટેનો જંગ | ફિલ્મસ્ટારોએપણ સાંસ્કૃતિક જંગમાં ઝંપલાવી દીધું છે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નદીનાં પાણી માટેનો જંગ | ફિલ્મસ્ટારોએપણ સાંસ્કૃતિક જંગમાં ઝંપલાવી દીધું છે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કર્ણાટક અને તામિલનાડુ વચ્ચે પાણીદાર યુદ્ધ

રતનાં બે રાજ્યો વચ્ચે પાણીના મુદ્દે આટલી કટુતા પેદા થઇ શકે, તેવી કલ્પના બહુ ઓછા લોકોએ કરી હશે. સુપ્રિમ કોર્ટે કર્ણાટકના કૃષ્ણસાગર ડેમમાંથી તામિલનાડુને રોજનું ૧૫,૦૦૦ ક્યુસેક પાણી આપવાનો આદેશ કર્યો હતો. કર્ણાટકે સુપ્રિમ કોર્ટને આદેશ રદ્દ કરવાની વિનંતી કરતાં સુપ્રિમ કોર્ટે આદેશમાં ફેરફાર કરીને રોજનું ૧૨,૦૦૦ ક્યુસેક પાણી છોડવાનો આદેશ કર્યો છે. સુપ્રિમ કોર્ટના આદેશ સામે પણ કર્ણાટકમાં હિંસક દેખાવો થઇ રહ્યા છે. કર્ણાટકમાં કાવેરી માટે લાગણીનું એટલું મોટું મોજું આવ્યું છે કે કન્નડ ફિલ્મસ્ટારોને પણ તેમાં જોડાવાની ફરજ પડી છે. રાગિણી દ્વિવેદી નામની કન્નડ અભિનેત્રીએ તો ટ્વિટરના હેન્ડલનો ઉપયોગ કરીને સુપ્રિમ કોર્ટના ચુકાદાને માનવાનો પણ ઇનકાર કરી દીધો છે. કર્ણાટકના હજારો કિસાનો કાવેરીનું પાણી રોકવા કૃષ્ણરાજસાગર નજીક પહોંચી ગયા હતા. કર્ણાટક સરકારે તેમને રોકવા ડેમ પર સજ્જડ પોલિસ પહેરો બેસાડી દેવો પડ્યો હતો.

કાવેરીનું પાણી છોડવા બાબતમાં કર્ણાટકની અને તામિલનાડુની પ્રજા વચ્ચે જાણે ગૃહયુદ્ધ જેવી પરિસ્થિતિ પેદા થઇ રહી છે. બેંગલોરમાં રહેતા એક તમિળ યુવાને બે દિવસ પહેલાં સોશિયલ સાઇટ પર કાવેરી ઝુંબેશને ટેકો આપતા કન્નડ ફિલ્મસ્ટારો બાબતમાં અઘટિત ટીકા કરી હતી. ટીકા વાંચી કન્નડ યુવાનો તેના ઘરે પહોંચી ગયા હતા અને તેને ઘરની બહાર કાઢીને માર્યો હતો. ઘટનાનો વીડિયો વાઇરલ થતાં તામિલનાડુમાં તેના ઉગ્ર પ્રત્યાઘાતો પડ્યા છે. હુમલાનું વેર વાળવા ચેન્નઇમાં રહેલી એક ઉડિપી હોટેલ પર તમિળ યુવાનોએ પેટ્રોલ બોમ્બ ઝીંક્યા હતા. હુમલાખોરો એક પત્રિકા છોડતા ગયા હતા, જેમાં લખવામાં આવ્યું હતું : ચેન્નઇમાં રહેતા કન્નડિગાની ખેર નથી.

કર્ણાટકમાં રહેતા તમિળ યુવાન પરના હુમલાથી બેંગલોરમાં રહેતા ૩૫ લાખ તમિળભાષીઓ ફફડી ગયા છે. તેમણે કર્ણાટકના ગૃહ પ્રધાન જી. પરમેશ્વરાને મળીને તમિળ પ્રજાને સંરક્ષણ આપવાની માગણી કરી છે. ગયાં વર્ષે ચેન્નઇમાં વિનાશક પૂરો આવ્યાં ત્યારે બેંગલોરના લોકો ચેન્નઇના નાગરિકોને મદદ કરવા સૌથી પહેલા પહોંચી ગયા હતા. આજે કાવેરી વિવાદને કારણે તમિળો અને કન્નડિગાઓ દુશ્મનની જેમ વર્તવા લાગ્યા છે. માટે રાજકારણીઓ પણ જવાબદાર છે. પોતાના મતદારોને રાજી રાખવા તેઓ ખોટી માહિતી અને જૂઠા આંકડાઓનો પ્રચાર કરી રહ્યા છે.

કાવેરી નદી પર બાંધવામાં આવેલા કૃષ્ણરાજસાગર ડેમમાં કેટલું પાણી છે? અને તેમાંથી કેટલું પાણી છોડી શકાય તેમ છે?તે બાબતમાં રાજકારણીઓ પોતપોતાનાં રાજ્યોની પ્રજામાં ગૂંચવાડા પેદા કરી રહ્યા છે. ઇ.સ.૨૦૦૭માં ટ્રિબ્યુનલે જે ચુકાદો આપ્યો તે મુજબ જૂન મહિનાના પ્રારંભમાં ડેમમાં જેટલું પાણી હોય તેમાંનું ૫૬ ટકા પાણી કર્ણાટકે છોડવું જોઇએ. કર્ણાટકે મે મહિનામાં ચોમાસું શરૂ થયું તે પહેલાં પાણી છોડવામાં અખાડા કરવા માંડ્યા હતા. કર્ણાટકના મુખ્ય પ્રધાન સીતારામૈયા કહે છે કે ડેમમાં ૫૦ થાઉસન્ડ મિલિયન ક્યુબિક ફીટ (ટીએમસી)પાણી છે. તો તેમાંનું ૨૮ ટીએમસી પાણી છોડતા તેમને કોણ રોકતું હતું? જો તેમણે પાણી છોડ્યું હોત તો મામલો બિચક્યો હોત.

તેને બદલે સીતારામૈયાએ એક પાઠ જપ્યા કર્યો કે જો ડેમમાંથી પાણી છોડવામાં આવશે તો બેંગલોર શહેરને પીવાનું પાણી મળશે નહીં. કારણે બેંગલોરના નાગરિકો ઉશ્કેરાયા હતા. કર્ણાટકના કિસાનો પાસે ડેમમાં કેટલું પાણી છે? તેમાંથી કેટલું પાણી તેમને મળશે? તે જાણવાનો બીજો કોઇ ઉપાય નથી. તેમણે કર્ણાટક સરકારના આંકડાઓ પર વિશ્વાસ રાખવો પડે છે. કર્ણાટક સરકાર ગેરમાર્ગે દોરતા આંકડાઓ બહાર પાડે છે ત્યારે ખેડૂતો ઉશ્કેરાઇ જાય છે. સામા પક્ષે તામિલનાડુનાં મુખ્ય પ્રધાન જયલલિતા પણ બેજવાબદારીભર્યાં વિધાનો કરી રહ્યાં છે. તાજેતરમાં તેમણે કહ્યું હતું કે તામિલનાડુમાં ૮૦ ટીએમસી પાણીની ઘટ છે. જ્યારે કૃષ્ણરાજસાગર ડેમમાં ૫૦ ટીએમસી પાણી બચ્યું હોય ત્યારે કર્ણાટકના મુખ્ય મંત્રી તામિલનાડુને જોઇતું ૮૦ ટીએમસી પાણી ક્યાંથી પેદા કરવાના હતા?

ઇ.સ.૨૦૦૨માં કાવેરીનાં જળ બાબતમાં કર્ણાટક અને તામિલનાડુ વચ્ચે ઝઘડો થયો ત્યારે સુપરસ્ટાર રજનીકાંત પણ તેમાં સંડોવાઇ ગયો હતો. રજનીકાંત તામિલનાડુને તેના હિસ્સાનું પાણી મળવું જોઇએ, તેવી માગણી સાથે ચેન્નઇમાં ઉપવાસ પર બેઠો હતો. તેના વિરોધમાં બેંગલોરમાં રજનીકાંતની ફિલ્મ બાબાનું રિલીઝ અટકાવી દેવામાં આવ્યું હતું. ઇ.સ.૨૦૦૮માં પણ કર્ણાટકના ખેડૂતો તામિલનાડુને પાણી આપવાનો વિરોધ કરતા હતા તે જોઇને રજનીકાંતે તેમને લાત મારીને ભગાડી મૂકવાની હાકલ કરી હતી. તેના વિરોધમાં કર્ણાટકની સંસ્થાએ રજનીકાંતની ફિલ્મ કુસેલન બેંગલોરમાં રિલીઝ નહીં થવા દેવાય, તેવી ધમકી આપવી પડી હતી. રજનીકાંતે કર્ણાટકના ખેડૂતોની માફી માગીને સમાધાન કર્યું હતું, પણ તેના પ્રત્યાઘાત તામિલનાડુમાં પડ્યા હતા. તામિલનાડુના આર્ટિસ્ટ એસોસિયેશને રજનીકાંતને ઠપકો આપ્યો હતો કે તેણે તામિલનાડુનું ગૌરવ ઘટાડ્યું છે.

કર્ણાટકમાં તામિલનાડુની વિરોધી લાગણી એટલી પ્રબળ છે કે બેંગલોરના કેબલ ઓપરેટરોએ પોતાના નેટવર્ક પર તામિલનાડુની ૫૨ સેટેલાઇટ ચેનલો બતાડવાનું બંધ કરી દીધું છે. બેંગલોર શહેરમાં થિયેટરોમાં ચાલતી તમિળ ફિલ્મો ઊતારી લેવામાં આવી છે. જે કન્નડ ફિલ્મસ્ટારો કાવેરીનાં પાણી માટેની લડતને ટેકો આપે તેમની ફિલ્મોનો પણ બહિષ્કાર કરવાની ધમકી આપવામાં આવી રહી છે. નદીના પાણીના મુદ્દે બે પ્રજા વચ્ચે આટલી દુશ્મનાવટ પેદા થાય તે માની શકાય તેવી હકીકત છે.

} sanjay.vora@dbcorp.in

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો