Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વાણિયાવાડી સહિત બે સ્થળે તોલમાપ વિભાગનું ચેકિંગ
મંગળવારે વાંકાનેર બાઉન્ડરીથી ઢુવા સુધીના હાઇવે પર 6 પેટ્રોલ પંપમાં પણ સરપ્રાઇઝ ચેકિંગ કરાયું
એડમિનિસ્ટ્રેશન રિપોર્ટર|રાજકોટ
વાંકાનેરબાઉન્ડરીથી ઢુવા સુધીના હાઇવે પર મંગળવારે સાંજે 6 પેટ્રોલ પંપમાં તોલમાપ ખાતાએ ચેકિંગ કર્યા બાદ બુધવારે રાજકોટના વાણિયાવાડી અને ગાયત્રીનગર મેઇન રોડ પર 40 જેટલી દુકાનોમાં ચેકિંગ કર્યું હતું અને તેમાંથી 28 વેપારીઓના પેકેજ કોમોડિટી નિયમ અને વજનમાપ ધારા હેઠળ કેસ કર્યા હતા.
તોલમાપ ખાતાના અધિકારી આર.એચ. પંડ્યાએ જણાવ્યું હતું કે, મંગળવારે સાંજે પુરવઠા તંત્રના ચાર અધિકારીઓએ વાંકાનેર બાઉન્ડરીથી ઢુવા સુધીના હાઇવે પર આવેલા પેટ્રોલ પંપમાં સરપ્રાઇઝ ચેકિંગ કર્યું હતું અને તેમાં મીટર તથા નોઝલની ચકાસણી કરી હતી.
જ્યારે બુધવારે સવારથી વાણિયાવાડી અને ગાયત્રીનગર મેઇન રોડ પર પ્રોવિઝન સ્ટોર, દૂધની ડેરી, ફરસાણની દુકાન અને જ્વેલર્સની દુકાનો તથા દીપક ગેસ એજન્સી મળી કુલ 40 દુકાનોમાં ચેકિંગ કરાયું હતું અને તેમાં વજનકાંટા રિન્યૂ કરાવ્યા હોય અને ખાણીપીણીની ચીજ વસ્તુઓમાં પ્રાઇઝ લખી હોય વજનમાપ ધારા અન્વયે અને પેકેજ કોમોડિટી એક્ટ હેઠળ 28 વેપારીઓના કેસ કરી રૂ.8400 માંડવાળ પેટે દંડ વસૂલ્યો હતો.
બુધવારે સાંજે ગોંડલ રોડ પર સેલના પેટ્રોલ પંપ પર ચેકિંગ કર્યું હતું, પરંતુ તેમાં કાંઇ વાંધાજનક મળ્યું હતું. તોલમાપ ખાતાના સરપ્રાઇઝ ચેકિંગથી વેપારીઓમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. આગામી દિવસોમાં પણ તહેવાર ટાણે તોલમાપ વિભાગની તવાઈ ચાલુ રહેશે.