Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ચંપાવતે માનહાનિ માટે ફટકારેલી નોટિસ સ્વીકારી નથી : ચુડાસમા
તલાટીકૌભાંડના આરોપી અને જેલવાસ ભોગવનાર કલ્યાણસિંહ ચંપાવતે શિક્ષણ અને અન્ન,નાગરિક પુરવઠા મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને નાર્કો ટેસ્ટ અને લાઇવ ડિટેકટર ટેસ્ટ કરવાનો પડકાર ફેંકયા હતો. સંદર્ભે ચુડાસમાએ ચંપાવતને વળતો પ્રહાર કરતા કહ્યું હતું કે ચંપાવતના બંને નિવાસસ્થાને માનહાનિના કેસની નોટિસ ફટકારાઈ હતી,પણ તે સ્વીકારી નથી. નોર્કો ટેસ્ટની શેખી મારતા ચંપાવતે પહેલા તેમની સામે હાથ ધરાયેલી કાયદાકીય પ્રક્રિયાનો સ્વીકાર કરવો જોઇએ અને નોટિસ સ્વીકારીને જવાબ આપવો જોઇએ.ચુડાસમાએ કહ્યું હતું કે ચંપાવતના ગાંધીનગરના સેક્ટર પાંચ-સી સ્થિત અને અમદાવાદના સોલા રોડ પરના નિવાસસ્થાને નોટિસ ફટકારાઈ હતી. નોટિસમાં તેમને મંત્રી ચુડાસમા પર કરાયેલા આક્ષેપને 30 દિવસમાં સાબિત કરે અથવા માફી માગવાની તાકીદ કરાઇ હતી. બંને બાબતો પૂરી કરવામાં નિષ્ફળ રહેશે તો તેમની સામે માનહાનિનો કેસ કરાશે તેવી ચીમકી ઉચ્ચારાઈ હતી. મંત્રીએ કહ્યું હતું કે ચંપાવતે નોટિસ સ્વીકારી નથી, તેમના એક નિવાસસ્થાને નોટિસ ફટકારવાની ગતિવિધિ હાથ ધરી છે. તે નોટિસ સ્વીકારશે નહીં તો તેમની સામે કેસ કરાશે. ચંપાવત દ્વારા રિતેષ નાયક નામના અધિકારી મારફત વહીવટ કરે છે તેવા કરાયેલા આક્ષેપને મંત્રી ચુડાસમાએ ફગાવ્યો હતો અને તેઓ આવી કોઇ વ્યકિતને ઓળખતા હોવાનો દાવો કર્યો હતો.