• Gujarati News
  • National
  • બેટ્સમેનોની નિષ્ફળતાના કારણે શ્રેણી ગુમાવવી પડી : કોહલી

બેટ્સમેનોની નિષ્ફળતાના કારણે શ્રેણી ગુમાવવી પડી : કોહલી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સેન્ચ્યુરિયન | શ્રેણી ગુમાવ્યા બાદ હતાશ થયેલા ભારતીય સુકાની વિરાટ કોહલીએ જણાવ્યું હતું કે બેટ્સમેનોની નિષ્ફળતાના કારણે ટીમે સાઉથ આફ્રિકા સામેની શ્રેણી ગુમાવવી પડી છે. મેચમાં અમે મોટી ભાગીદારી નોંધાવવા તથા લીડ મેળવવામાં નિષ્ફળ રહ્યા હતા. પરાજય માટે અમે જાતે જ જવાબદાર છીએ. બોલર્સે તેમની ભૂમિકા સારી રીતે અદા કરી હતી પરંતુ બેટ્સમેનોના કારણે ટીમને પરાજયનો સામનો કરવો પડ્યો છે. ફિલ્ડિંગ વિભાગમાં પણ અમે ઘણી ભૂલો કરી હતી. સાઉથ આફ્રિકન સુકાની ફાફ ડુ પ્લેસિસે જણાવ્યું હતું કે ભારતને સેન્ચ્યુરિયન ખાતે ભારતીય પરિસ્થિતિ જેવા માહોલમાં પરાજય આપવાનો આનંદ છે. છેલ્લા પાંચ દિવસ અમે ઘણી મહેનત કરવી પડી હતી પરંતુ પ્રત્યેક દિવસે અમે રમત પર અમારું પ્રભુત્વ જાળવી રાખ્યું હતું. નગિડી શાનદાર બોલર ઉપરાંત ઉમદા વ્યક્તિ પણ છે.

કોહલીની વિકેટ મારા માટે વિશેષ મોમેન્ટ સમાન છે : નગિડી
સેન્ચ્યુરિયન | ડેબ્યૂ ટેસ્ટમાં જ મેન ઓફ ધ મેચનો એવોર્ડ જીતનાર સાઉથ આફ્રિકાના ઝડપી બોલર લુંગી નગિડીએ જણાવ્યું હતું કે કોહલી વિશ્વનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન છે અને તેની વિકેટ મારા માટે વિશેષ મોમેન્ટ સમાન છે. કોહલી સામે ચોક્કસ પ્રકારનો ગેમપ્લાન હતો અને તેને આઉટ કરવો મારા માટે ઘણી મહત્વની બાબત છે. નોંધનીય છે કે સેન્ચ્યુરિયન નગિડીનું હોમગ્રાઉન્ડ છે અને તે ટાઇટન્સ ટીમનું પ્રતિનિધિત્વ પણ કરે છે.

એજન્સી | સેન્ચ્યુરિયન

ભારતીય બેટ્સમેન ચેતેશ્વર પૂજારાના નામે બુધવારે સેન્ચ્યુરિયન ખાતેની બીજી ટેસ્ટમાં એક શરમજનક રેકોર્ડ નોંધાયો છે. પૂજારા બીજી ટેસ્ટની બંને ઇનિંગ્સમાં રનઆઉટ થયો હતો. તે કોઇ ટેસ્ટની બંને ઇનિંગ્સમાં રનઆઉટ થનાર પ્રથમ ભારતીય ક્રિકેટર છે. ટેસ્ટ ક્રિકેટમાં આવો બનાવ 2000ના ડિસેમ્બર બાદ પ્રથમ વખત નોંધાયો છે. ન્યૂઝીલેન્ડનો સ્ટિફન ફ્લેમિંગ ઝિમ્બાબ્વે સામેની ટેસ્ટના બંને દાવમાં રનઆઉટ થયો હતો. ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં કોઇ બેટ્સમેન બંને દાવમાં રનઆઉટ થયો હોય તેવો આ 23મો બનાવ છે.

પાર્થિવ પટેલે શોટ રમ્યો હતો અને લુંગી નગિડીએ બાઉન્ડ્રી પાસે બોલ રોકીને ડીવિલિયર્સને આપ્યો હતો. ડીવિલિયર્સે સીધો થ્રો કરીને વિકેટકીપર ડી કોકને મોકલી આપ્યો હતો જેણે સ્ટમ્પને વિખેરી નાખ્યા હતા. રનઆઉટ માટે ત્રીજા અમ્પાયરની મદદ લેવામાં આવી હતી અને આખરે પૂજારાના નામે અણગણતો વિક્રમ નોંધાયો હતો.

રનઆઉટ સ્પેશિયાલિસ્ટ છે પૂજારા - પૂજારા 94 ટેસ્ટ ઇનિંગ્સમાં છ વખત રનઆઉટ થયો છે. તેની સાથે રમી રહેલા અન્ય ખેલાડીઓ ઉપર પણ રનઆઉટનો ખતરો રહે છે. ગયા વર્ષે ઓગસ્ટમાં લોકેશ રાહુલ તથા 2016ના ઓક્ટોબરમાં મુરલી વિજય પણ તેના ખોટા કોલિંગના કારણે રનઆઉટ થયા હતા.

અન્ય સમાચારો પણ છે...