• Gujarati News
  • National
  • મહિલા દિન નિમિત્તે સૂરનૂપુર દ્વારા કથ્થક ડાન્સનો કાર્યક્રમ

મહિલા દિન નિમિત્તે સૂરનૂપુર દ્વારા કથ્થક ડાન્સનો કાર્યક્રમ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડનામોરારજી દેસાઈ ઓડિટોરીયમમાં મહિલા દિને એક કથ્થક નૃત્યનો અનોખો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 46 શિષ્યાઓએ ઘુંધરૂના રણકારે મહિલા દિવસને કલા ઉત્સવમાં પરિવર્તિત કરી દીધો હતો.

ગૌરવ પુરસ્કારથી પુરસ્કૃત કલાગુરૂ ઈનાબેન શાહની ગુરૂવંદનાથી આરંભાયેલી કલાયાત્રામાં પરંપરાગત કથ્થક નૃત્યની ત્રિતાલમાં ગણેશ વંદના, ચક્રધાર તોડાની પ્રસ્તૃતિ શ્રોતાઓને પ્રસન્ન કરી ગઈ હતી. 46 જેટલી શિષ્યાઓના ઘુંઘરૂના રણકારે આંતરરાષ્ટ્રીય મહિલા દિનને કલા ઉત્સવમાં પરિવર્તિત કરી દીધો હતો. હારમોનિયમ પર લહેરા સાથે પઢંત ની ઉષાબેન પટેલની શૈલી ધ્યાનાકર્ષક રહી અને દેશના ભાવસારની તબલા સંગતે નૃત્યાંગનાઓમાં પ્રાણ પૂર્યા હતા.

પરંપરાનુસાર ઈનાબેન શાહનું બહુમાન કરાયા બાદ તેમણે સૂરનૂપુરના સંચાલિકા ઉષાબેન અને તેમની શિષ્યાઓને ખૂબ ખૂબ આર્શીવાદ આપ્યા હતા. નાની બાળાઓએ મીરાંડાન્સમાં મીરાંની નિરપેક્ષ કૃષ્ણભક્તિને અભિવ્યક્ત કરી હતી. દુર્ગાસ્તૃતિમાં શ્રૃંગાર, મહિષાસુર મર્દન અને શક્તિ સ્વરૂપની ઝાંખી કરાવી બાળાઓએ શ્રોતાઓની દાદ મેળવી હતી. મેઘમલ્હારમાં નૃત્યાંગનાઓએ સજીધજીને શ્રૃંગાર રસ દર્શાવ્યો હતો. સૂરનૂપુરની શિષ્યાઓએ કલાશિક્ષક ઉષાબેનનું અભિવાદન કર્યું હતું.



મહિલા દિનસ નિમિત્તે શિષ્યાઓએ પોતની ગુરૂ શિક્ષિકાને શોભા મુદગલનું ‘મન કે મંજીરે દેખો થરક ને લગે...’ કૃતિ અર્પણ કરી હતી. મહિલા દિનના મહિમાને ઉજાગર કરતા કાર્યક્રમનું સંચાલન અલ્પા નાયક મોદીએ કર્યું હતું. નૃત્યના વિશેષ કાર્યક્રમમાં સંગીત રસિકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા બિપીનભાઈ પટેલનો સહયોગ અનન્ય રહ્યો હતો.

વલસાડ ઓડિટોરિયમમાં કાર્યક્રમનું આયોજન કરાયું

અન્ય સમાચારો પણ છે...