• Gujarati News
  • National
  • જા ઘણા મુદ્દાની જેમ આધાર કાર્ડને લગતી ચર્ચા બે અંતિમો

જા ઘણા મુદ્દાની જેમ આધાર કાર્ડને લગતી ચર્ચા બે અંતિમો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જા ઘણા મુદ્દાની જેમ આધાર કાર્ડને લગતી ચર્ચા બે અંતિમો ભણી પહોંચી ચૂકી છે. યુપીએ સરકારના શાસનમાં આધાર કાર્ડના પ્રોજેક્ટની શરૂઆત કરનાર નંદન નીલેકણી અને બીજા ઘણા લોકો આધાર કાર્ડની ઉપયોગીતા અને અનિવાર્યતાના પ્રખર સમર્થકો છે, તો આધાર કાર્ડના ડેટાની સલામતી વિશે અને સરકારના ઇરાદા અંગે શંકામાં ડૂબેલા પણ છે. થોડા સમય પહેલાં એક પત્રકારે આધાર કાર્ડ સાથે સંકળાયેલો બાયોમેટ્રિક્સ (આંગળાંની-કીકીની છાપ) સિવાયનો ડેટા પાંચસો રૂપિયામાં સહેલાઈથી ઉપલબ્ધ હોવાનું જાહેર કરતાં, સરકારનું વલણ આવી માહિતી જાહેર કરનાર પર ધોંસ આવે એવું રહ્યું હતું.

અભિપ્રાયો આટલી હદે વહેંચાયેલા હોય ત્યારે દેખીતું છે કે સર્વોચ્ચ અદાલતની ભૂમિકા મહત્ત્વની બને. ગઈ કાલથી આધારને લગતી તમામ રજૂઆતો અંગે સર્વોચ્ચ અદાલતમાં પાંચ ન્યાયાધીશોની બેન્ચ સમક્ષ સુનાવણી શરૂ થઈ. તેમાં ફરિયાદી પક્ષ તરફથી વિવિધ મુદ્દા રજૂ કરવામાં આવ્યા હતા. જેમ કે, આધાર કાર્ડની શરૂઆત વખતે એવું માની લેવાયું હતું કે બાયોમેટ્રિક ડુપ્લીકેશન (આંગળાંની એકસરખી છાપ)નુું પ્રમાણ માંડ 0.05 ટકા જેટલું રહેશે. તેને બદલે એપ્રિલ, 2017 સુધીમાં એવા 6.23 કરોડ બનાવ નોંધાયા. આધાર કાર્ડ માટે નાગરિકોને વિકલ્પ આપવામાં આવ્યા નથી, પણ તેમને ફરજ પાડવામાં આવી છે એવી પણ તેમની રજૂઆત છે. આંગળાંની છાપ સુરેખ રીતે ઉપસવામાં પરસેવો અને ઉંમરથી માંડીને ઘણાં પરિબળ નડે છે. તેમ છતાં, તેને બંધારણીય અધિકારો કે અન્ય ફાયદા માટે કેવી રીતે ફરજિયાત બનાવી શકાય?

આધારકાર્ડના ડેટાની સલામતી અંગે લોકોની ચિંતાને ધ્યાનમાં રાખીને થોડા દિવસ પહેલાં વર્ચ્યુઅલ આઇડી નંબરની જોગવાઈ અસ્તિત્ત્વમાં આવી છે, જેથી કાર્ડધારકે દરેક વખતે પોતાનો અસલી કાર્ડ નંબર આપવો ન પડે. અત્યારની ટેક્નોલોજી અપૂરતી છે અથવા એ ડેટા સંપૂર્ણપણે સલામત નથી એવા કોઈ સ્વીકાર વિના, ફેસ ઑથેન્ટિકેશન ટેક્નોલોજી પણ આણવામાં આવી છે. સર્વોચ્ચ અદાલતમાં સુનાવણી શરૂ થાય તે પહેલાં, આધારના ડેટાની સલામતી પુરવાર કરવાનાં લગભગ છેલ્લી ઘડીનાં પગલાં તરીકે આ બંને વ્યવસ્થાઓ લાવવામાં આવી, તેને પણ ડેટાની અસલામતીના આડકતરા સ્વીકાર તરીકે જોવામાં આવે છે.

ટેકનોલોજીના માણસ તરીકે નંદન નિલેકણી ડેટાની સલામતીની ચિંતા સમજી શકે છે, પરંતુ તેના જવાબમાં એક તરફ તે આધાર તરફથી નવી અમલમાં મૂકવામાં આવેલી વ્યવસ્થાઓની દુહાઈ આપે છે અને બીજી તરફ એમ પણ કહે છે કે ભારતીયો બીજી અનેક બાબતોમાં તેમનો ડેટા છૂટથી શેર કરતા હોય છે. આધારની ટીકા એ આધાર કાર્ડની ટેકનોલોજીને બદનામ કરવાનું કાવતરું હોવાનો આરોપ પણ તેમણે મૂક્યો છે. હવે સર્વોચ્ચ ન્યાયાધીશની આગેવાની હેઠળની પાંચ જણની બેન્ચે આધારની બંધારણીયતા અને તેની સલામતી વિશે છેવટનો અને આખરી ચુકાદો આપવાનો રહે છે.

અન્ય સમાચારો પણ છે...