ધીરજ ખુટી| જિલ્લામાં ગૌચર પરનાં દબાણ મુદ્દે માલધારી સમાજનાં ઉપવાસ આંદોલનનો સાતમો દિવસ, મુખ્યમંત્રીને રજુઆત
અમરેલી, બાબરા અને લાઠી તાલુકાના ગામડાઓમાં રહેતા માલધારી સમાજના લોકો દ્વારા 2010થી આજ દિન સુધી અનેક રજુઆતો આવેદનપત્રથી તેમજ અનશન પર પણ અનેક વાર ગયા હોવા છતા ગૌચર જમીન દબાણ મુક્ત કરવાની કામગીરી કરવામાં આવી નથી. ગત તા.17-09-2016ના રોજ કલેક્ટર દિલીપ રાણા દ્વારા 20 દિવસમાં તમામ ગામે ગૌચર જમીન દબાણ ખુલ્લા કરવાની કામગીરી કરી દેવાની ખાત્રી મળી હતી. આથી તે સમયે કરેલા આંદોલનને સ્થગીત કરવામાં આવ્યો હતો.
જીલ્લા વિકાસ અધિકારી દ્વારા ગત 03-10-2016ના ખેતીવિષે દબાણ ખુલ્લા કરવાની તેમજ તા.07-11-2016ના રોજ રહેણાંક દબાણ કરવાની ખુલ્લા કરવાની લેખીત તારીખ પણ આપવામાં આવી હતી. તેમ છતા આજ દિવસ સુધી અમરેલી જીલ્લાના એકપણ ગામે એક વઘો જમીન પણ દબાણ મુક્ત થયેલ નથી. તેમજ કોઇ પણ કાર્યવાહી પણ કરવામાં આવી નથી.
આથી મોણપુર ગામના માલધારી સમાજ દ્વારા જીલ્લા પંચાયત કચેરી આગળ 20-06-2017 થી માલધારી સમાજના મેપાભાઇ રામભાઇ અને વશરામભાઇ નાજાભાઇ વરૂ છેલ્લા સાત દિવસથી અનશન પર ઉતરેલા છે. તેમજ રામપર, મોણપુર, મીયા ખીજડીયા, બળેલ પીપરીયા, નંડાળા, લોન કોટડા વિગેરે ગામોના માલધારી સમાજ પણ આંદોલનમાં જોડાયેલ છે. માલધારી સમાજના લોકોને ન્યાય નહિ મળે તો આગામી આવનાર તા.29 જુનના રોજ જીલ્લા ભરના માલધારી સમાજ ભેગા થઇને પશુઓ સાથે આંદોલન કરશે. જે બાબતનું આવેદનપત્ર ગુજરાત મુખ્યમંત્રીને પાઠવવામાં આવેલુ છે.