• Gujarati News
  • ખાંભામાં વિચિત્ર રોગચાળાથી 65 ઘેંટાના મોત

ખાંભામાં વિચિત્ર રોગચાળાથી 65 ઘેંટાના મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એક સપ્તાહથી રોગચાળો ફેલાયો હોવા છતાં સરકારી તંત્ર ધ્યાન દેતુ નથી : સાવજો પર ઝળુંબે છે ખતરો

ખાંભાનાભગવતીપરામાં છેલ્લા એક સપ્તાહથી અહિં વસતા માલધારીઓના ઘેંટામાં વિચિત્ર પ્રકારનો રોગચાળો ફાટી નિકળતા અત્યાર સુધીમાં 65 જેટલા ઘેંટાના મોત થયા છે. નોઝલ બીટ વાયરસથી રોગચાળો ફેલાયાનું મનાઇ રહ્યુ છે. જો કે અહિં પશુ ચિકિત્સકો દ્વારા અપાતી કોઇ દવા કામ કરી રહી નથી અને દરરોજ ટપોટપ ઘેંટા મોતના મુખમાં ધકેલાઇ રહ્યા છે. અહિંના માલધારીઓ પશુ ચિકિત્સકો દ્વારા યોગ્ય પગલા લેવામાં આવે તેવું ઇચ્છી રહ્યા છે.

ઘેંટામાં જોવા મળતો રોગચાળો ખાંભાના ભગવતી પરા વિસ્તારમાં નઝરે પડી રહ્યો છે. અહિં મોટી સંખ્યામાં માલધારીઓ વસવાટ કરે છે અને તેમની પાસે રહેલા માલઢોરની સંખ્યા પણ ઘણી મોટી છે. પરંતુ છેલ્લા એકાદ સપ્તાહથી ઘેંટામાં વિચિત્ર પ્રકારનો રોગચાળો ફેલાયો છે. સંભવત: નોઝલબીટ વાયરસથી ફેલાયેલા રોગચાળાના કારણે અત્યાર સુધીમાં 65 ઘેંટાના મોત થઇ ચુક્યા છે. અહિં રહેલા ગોદડભાઇ હાજાભાઇ ભરવાડની માલીકીના 50 ઘેંટા અત્યાર સુધીમાં મૃત્યુ પામી ચુક્યા છે. જે ઘેંટાને રોગ લાગુ પડે છે તેના નાકમાંથી પાણી અને લોહી પડવા લાગે છે. ઘેંટુ ખાઇ પણ શકતુ નથી અને બે ત્રણ દિવસથી તરફડીને મોતને ભેટે છે. દરરોજ બે-પાંચથી લઇ દશ ઘેંટા રીતે મોતને શરણે થઇ રહ્યા છે. ખાંભામાં સરકારી પશુ ડોક્ટરની જગ્યા ખાલી છે. સ્થાનિક સ્ટાફ દ્વારા અહિં પશુઓને સારવાર આપવામાં આવી રહી છે. પરંતુ સારવારની કોઇ અસર થતી નઝરે પડતી નથી. સ્થાનિક માલધારીઓએ જણાવ્યુ હતું કે જરૂરી નમુનાઓ લેબોરેટરીમાં મોકલાયા છે પણ તેનો રીપોર્ટ આવ્યો નથી. પશુ ચિકિત્સકોની ટીમ દ્વારા અહિં સર્વે કરાવી તમામ અસરગ્રસ્ત પશુઓને જરૂરી સારવાર અપાય તેવી માંગ ઉઠી છે.

ચિંતા જનક|દવા કંઇ કામ કરતી નથી અને દરરોજ ટપોટપ ઘેટા મોતના મુખમાં ધકેલાઇ રહ્યા છે

દવા ખરીદી, પણ કામની શું ?-ગોદડભાઇ

જેના 50 ઘેંટા અત્યાર સુધીમાં મરી ચુક્યા છે તે ગોદડભાઇ હાજાભાઇ ભરવાડે દિવ્ય ભાસ્કરને જણાવ્યુ હતું કે જે પશુ ચિકિત્સકને બોલાવીએ તે નવી નવી દવાઓ લખી દે છે. અત્યાર સુધીમાં કોથળો ભરીને દવાઓ લીધી પરંતુ દવાની કોઇ અસર થતી નથી. વિભાભાઇ ભરવાડના દસેક ઘેંટા પણ મરી ચુક્યા છે. સામાકાંઠે વસતા ભરવાડોના પણ એક-બે ઘેંટા મર્યા છે. સરકારે કંઇક કરવું જોઇએ. /તસ્વીર: પૃથ્વીરાઠોડ