ગંજીવાડામાં ગાળો બોલવાની ના પાડતાં યુવાન પર જીવલેણ હુમલો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાં લુખ્ખા તત્ત્વોને જાણે પોલીસનો કોઇ ડર ન હોય તેમ સરાજાહેર હથિયાર સાથે આતંક મચાવી ભયનો માહોલ ફેલાવી રહ્યાં છે.

ગંજીવાડા-6માં રહેતા અને ટ્રક ચલાવતા પ્રવીણ નાથાભાઇ ચુડાસમા નામનો યુવાન ગુરુવારે રાતે પરિવાર તેમજ પાડોશીઓ સાથે ઘર પાસે આવેલી પાનની દુકાન પાસે બેઠા હતા. ત્યારે આ જ વિસ્તારમાં રહેતો મૂળ જામનગરનો રમઝાન ઉર્ફે ટકા નામનો શખ્સ ત્યાં આવી ગાળો બોલતો હતો. જેથી પ્રવીણે રમઝાનને અહીં મહિલાઓ ઊભી હોય ગાળો ન બોલવા કહ્યું હતુ. પરંતુ લુખ્ખા રમઝાને લાજવાને બદલે ગાજવા માંડી તું મને કેવા વાળો કોણ તેમ કહી ઝઘડો કર્યો હતો. મામલો વધુ બિચકતાં રમઝાને તેના નેફામાંથી છરો કાઢી પ્રવીણ પર હુમલો કરી ગળામાં ઇજા પહોંચાડી હતી. બીજો વાર કરવા જતા પ્રવીણે છરો પકડી લેતા હાથમાં પણ ઇજા થઇ હતી. આ સમયે પ્રવીણનાં પુત્ર તેમજ પાડોશીઓએ પણ રમઝાનનો પ્રતિકાર કરતાં રમઝાન નાસી ગયો હતો. બાદમાં ગંભીર રીતે ઘવાયેલા પ્રવીણને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. ખૂની હુમલો કરી નાસી છુટેલો રમઝાન અગાઉ પોલીસ ચોપડે ચડી ચૂકયો છે. થોરાળા પોલીસે ગુનો નોંધી લુખ્ખાને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...