• Gujarati News
  • વિશ્વની સૌથી મોટી પાર્ટી હોવાનો દાવો કેટલો સાચો?

વિશ્વની સૌથી મોટી પાર્ટી હોવાનો દાવો કેટલો સાચો?

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કુદરત પણ જાણે પરીક્ષા લેવા બેઠી હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા અરસાઓમાં માવઠા થયા તે સાંભળ્યા છે, પણ ભર એપ્રિલમાં દર આંતરે દિવસે વરસાદ પહેલીવાર દેશમાં થઇ રહ્યો છે. થઇ રહેલા વાતાવરણમાં ફેરફાર બીજું કાંઇ નહીં પણ માનવજાતે કરેલા કારનામાઓનું પરિણામ છે. માનવજાત સાયન્સ અને ટેક્નોલોજીના નામે કુદરત સાથે ચેનચાડા કરી રહી છે, સાથે પોલ્યુશનનું દિવસેને દિવસે વધી રહેલું પ્રમાણ ગ્લોબલ વોર્મિગ માટે જવાબદાર છે. ખરા અર્થમાં જોઇએ તો કુદરતની વોર્નિગ છે નહીં કે ગ્લોબલ વોર્મિગ.રીસાયકલ થઇ રહેલા પોલીથીનનો બેફામ ઉપયોગ પણ તેના માટે જવાબદાર છે. જંગલો કપાયા, નદીઓ સુકાઇ, અણધણ ઇંધણનો ઉપયોગ અને ખનીજનો બેરોકટોક વપરાશ બધુંજ હાલના વાતાવરણની પરિસ્થિતી માટે જવાબદાર છે.

મિત્રો હાલ ભાજપા વિશ્વની સૌથી મોટી પાર્ટી હોવાનો દાવો કરી રહી છે. દાવો સાચો છે પણ એથીક્સની દ્રષ્ટીએ સાવ ખોખલો અને પાયાવિહોણો લાગી રહ્યો છે. ભાજપા સભ્ય સંખ્યાની દ્રષ્ટીએ પોતાને મોટી બતાવી રહી છે. પણ સભ્યો કેવી રીતે બનાવવામાં આવ્યા તે જાણીએ. ભાજપાએ કેન્દ્રમાં અને થોડા રાજ્યોમાં સરકાર બનાવ્યા બાદ તેે આખા વિશ્વનું ધ્યાન પોતાની તરફ ફેરવવા માટે નવું કરતબ ઉભું કર્યું છે. જેમાં લોકોને માત્ર મીસકોલ મારી પાર્ટીના સભ્ય બનવા માટે કહી રહી છે. પણ આખી ઘટનામાં ભાજપાના કાર્યકર્તાઓ જાહેર સ્થળો જેવા કે મંદિર, સ્ટેશન, મોલ્સની બહાર ઉભા રહી લોકોને સામે ચાલીને ઉભા રાખી પાર્ટીના સદસ્ય બનવા માટે કહી રહ્યા છે. પણ કાર્યમાં સભ્ય બનવા ઇચ્છતા લોકોને પણ માત્ર મીસકોલ મારવાનું કહી પોતાનું કામ કઢાવી રહી છે. એવી એક ઘટના હું ચોટીલા દર્શન કરવા ગયો ત્યારે સામે આવી હતી, જ્યાં ભાજપાના કાર્યકરો મેમ્બર બનવા લોકોને કહી રહ્યા હતા, ત્યારે દર્શન કરવા આવેલા ભક્તે પાર્ટીના કાર્યકરને સરસ જવાબ આપ્યો હતો સાહેબ હું ચોટીલા માતાજીના દર્શન કરવા આવ્યો છંુ નહીં કે પાર્ટીનો મેમ્બર બનવા માટે’. બાકી જનતા પણ ક્યાં એટલી ફ્રી બેઠી છે કે પોતાની જિંદગીમાંંથી નવરાશ કાઢીને પાર્ટીઓમાં જોડાય. જો ભાજપાના અભિયાનમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હોય તો તે સુષુપ્ત સભ્યો છે, જે તો પાર્ટીની વિચારધારામાં માને છે, પાર્ટીના કાર્યક્રમો અને પાર્ટીની મીંટીંગોમાં ભાગ લઇ રહ્યા છે. આતો માત્ર પોતાની ઇમેજ વિશ્વ લેવલ ઉપર લઇ જવા માટે ભાજપા દ્વારા કરાયેલું અભિયાન છે.

બાકી પાર્ટીના સદસ્યો લોકોને રોડ પર ઉભા રાખીને મેમ્બર બનાવે છે, પણ એજ સભ્ય જ્યારે પોતાના વિસ્તારના પ્રશ્નો લઇને જાય છે તેયારે તેને કોઇ સાંભ‌ળનારૂ નથી હોતું. પાર્ટી ખરા અર્થમાં લોકોને પોતાની સાથે લઇને ચાલવા માંંગતી હોય તો લોકોની વચ્ચે જઇને તેમની તકલીફો, પ્રશ્નો સાંભળે અને તેમની સાથે રહીને તેનું નિરાકરણ લાવે તો પ્રજામાં પોતાનું સ્થાન પામી શકે. એમ પણ ઝાલાવાડમાં રોડ રસ્તા, પાણી, સ્વચ્છતા, શિક્ષણ, ખનીજચોરી જેવા અનેક મુદ્દા છે, જેના પર કાર્યકરો કામ કરે તો લોકોની સમસ્યા પણ દૂર થાય અને પ્રજા ચૂંટણીના સમયે તેમને ધ્યાને પણ રાખે. જેના પરિણામે ચૂંટણીના છેલ્લા દિવસોમાં ઘર ઘર ફરવું પડે, પાંચ વર્ષ ઇમાનદારીથી કામ થયું હોય તો પ્રજા પણ મળેલી સેવાનું પરિણામ પોતાના વોટ થકી આપી શકે. બાકી હવે દિવસો દૂર નથી જ્યારે આમ આદમી પાર્ટી જેવી કોઇ સ્થાનિક પાર્ટી પોતાના કામના દમના આધારે પોતાનું સ્થાન ભાજપા અને કોંગ્રેસ જેવી મોટી પાર્ટીઓના હાથમાંથી છીનવી લે. હવે 2017માં આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપાને વોટ મેળવવામાં મુશ્કેલી ઉભી થઇ પણ શકે, કારણકે ‘આપ’ ગુજરાતમાં પોતાનું સ્થાન બનાવવા અને કોંગ્રેસ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે હવે એડીચોટીનું જોર લગાવી રહી છે. અને ઘણા રાજકીય વિશ્લેષકો અને પ્રજાનું માનવું છેકે નરેન્દ્ર મોદીના કેન્દ્રમાં જવાથી રાજ્યકક્ષાએ ગુજરાત ભાજપાને વિધાનસભાની ચૂંટણીમાં ફટકો પડી શકે તેમ છે.