• Gujarati News
  • થોરખાણમાં દીપડાએ બકરા અને એક વાછરડીનંુ મારણ કર્યુ

થોરખાણમાં દીપડાએ બકરા અને એક વાછરડીનંુ મારણ કર્યુ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગીરજંગલમાં વસતા સિંહ અને દિપડાઓ હવે રેવન્યુ વિસ્તારમાં વધુ પ્રમાણમાં આંટાફેરા મારતા જોવા મળી રહ્યાં છે. ત્યારે બાબરા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સિંહ, દિપડાના આંટાફેરા વધી ગયા હોય તેમ જોવા મળી રહ્યું છે. ત્યારે તાલુકાના થોરખાણ ગામે ગતરાત્રીના એક દિપડો આવી ચડયો હતો અને બકરા અને એક વાછરડીનુ મારણ કર્યુ હતુ.દિપડા દ્વારા બકરા અને વાછરડાના મારણની ઘટના બાબરા તાલુકાના થોરખાણ ગામે બની હતી. અહી રહેતા રહિમભાઇ અબ્રાહમભાઇ સીપાઇના મકાનમાં ગતરાત્રીના એક દિપડો ઘુસી ગયો હતો. દિપડાએ ફરજામા બાંધેલા બકરા અને એક વાછરડાને ફાડી ખાધા હતા. દિપડાએ હુમલો કરતા બકરા અને વાછરડા ભાંભરડા નાખવા લાગતા રહીમભાઇ સહિત પરિવારના સભ્યો જાગી જતા દિપડો નાસી છુટયો હતો.

બનાવ અંગે રહીમભાઇએ સરપંચ ધીરૂભાઇ સાકરીયાને જાણ કરી હતી. તેઓ દ્વારા વનવિભાગને જાણ કરવામા આવતા આરએફઓ હેરભા, ગંભીરસિંહ ચુડાસમા, ડી.જી.દાફડા સહિત ઘટના સ્થળે દોડી ગયા હતા. અહી દિપડો હોવાના સગડ મળતા વનવિભાગ દ્વારા દિપડાને પાંજરે પુરવા તજવીજ હાથ ધરવામા આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે બાબરા પંથકમા ગ્રામ્ય વિસ્તારોમાં અવારનવાર વન્યપ્રાણીઓ આવી ચડતા હોય તેમજ હાલમાં ખેતીની સિઝન પણ ચાલી રહી હોય ખેડૂતો, મજુરો અને લોકોમાં ફફડાટ ફેલાયો છે. તાજેતરમાં નડાળા, ઘુઘરાળા ગામમા સાવજને પાંજરે પુરવામા આવ્યો હતો. ઇસાપર ગામે પણ દિપડાએ દેખાદીધા હતા.

દીપડાના આંટાફેરાથી લોકોમાં ફફડાટ