સ્વચ્છતાનો અભાવ: જસદણમાં સમાત રોડ પર ખુલ્લી ગટરથી રોગચાળાનો ભય

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જસદણ શહેરભરમાં નગર પાલિકાનાં પાપે રોડ-રસ્તા, પાણી, સાફ-સફાઈ, સ્ટ્રીટલાઈટ, ગંદકી સહિતની વિવિધ સમસ્યાઓ વકરી રહી છે. છતાં જવાબદાર પાલિકા તંત્ર કોઈ યોગ્ય પગલા લેતું ન હોવાથી નગરજનો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે જસદણમાં આવેલ સમાત રોડ પર જાહેરમાર્ગ પરની ખુલ્લી ગટર રોગચાળાને નોતરતી હોય તેવા ઘાટ જોવા મળી રહ્યા છે. જસદણનો સમાતરોડ નવા એસ.ટી. બસસ્ટેન્ડની પાછળનો વિસ્તાર હોવાથી લોકોની અવરજવર વધુ રહે છે. જેથી જવાબદાર પાલિકા તંત્ર દ્વારા તાકીદે જાહેરમાર્ગ પર ગંદકીની શોભા વધારતી ખુલ્લી ગટરને ઢાંકવાનું કામ કરવામાં આવે તેવી વિસ્તારવાસીઓની પ્રબળ માંગ ઉઠવા પામી છે.

સમાતરોડ ધંધાર્થીઓ માટેનું હબ માનવામાં આવે છે. જસદણના સમાત રોડ પર હીરાના કારખાનાઓ, લોખંડનાં કારખાનાઓ સહિતના નાના-મોટા ધંધાર્થીઓ ધંધો કરી પેટીયું રળે છે. પરંતુ સમાત રોડ પર વર્ષોથી આ ખુલ્લી ગટર જોવા મળી રહી છે. જેના કારણે ધંધાર્થીઓને ગટરની અતિ દુર્ગંધ આવતી હોવાથી ધંધો કરવો મુશ્કેલ બની ગયો છે.

આ રોડ પરથી દરરોજ હજારો રાહદારીઓ અને વાહનચાલકો પસાર થાય છે. છતાં પાલિકા તંત્રનાં પેટનું પાણી પણ હલતું નથી. જેથી પાલિકા તંત્રનાં જવાબદારો દ્વારા તાત્કાલિક દુર્ગંધયુક્ત ખુલ્લી ગટરને ઢાંકવાનું કામ હાથ ધરવામાં આવે તેવી દુકાનદારોની માંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...