ભોજપરા વાદી વસાહતમાં બેડા પાણી માટે વલખાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વાંકાનેર તાલુકાના ભોજપરા વાદી વસાહત ગામે હસનપર જૂથ યોજના અંતર્ગત મળતું પાણી બંધ કરવામાં આવતા આશરે એક હજાર જેટલી વસ્તી ધરાવતા ગામ લોકોની હાલત કફોડી બની છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ એ જ વસાહત છે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મંદિર બનાવાયુ છે અને રોજ પૂજા અર્ચના પણ કરવામાં આવે છે. વાંકાનેર હાઇવેથી 4 કિ.મી. દૂર આવેલી ભોજપરા વાદી વસાહતના ગ્રામજનોના જણાવ્યા મૂજબ આ વસાહતમાં 2002માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ 200 પરિવારને પાકા મકાન બનાવવા માટે 100 વારના પ્લોટ ફાળવ્યા હતા અને પ્લોટ પર મકાન બનાવી આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત જ્યોતિ ગ્રામ યોજના હેઠળ લાઈટ આપવામા આવી હતી. સાથોસાથ તાલુકાના હસનપર ગામેથી પસાર થતી નર્મદા લાઈનમાંથી હસનપર જૂથ યોજના અંતર્ગત પાણી પણ આપવામાં આવ્યુ હતુ.

જેમાંથી છેલ્લા બે વર્ષથી કોઈ કારણોસર પાણી પુરવઠો બંધ કરી દીધો છેે. કોણે બંધ કરાવ્યો ? કોના કહેવાથી બંધ કરી દેવાયો ? તે બાબતે ગ્રામજનો અજાણ છે. જેથી હાલ તો ગામલોકો પાણી માટે આસપાસના વિસ્તારમાંથી, પેટ્રોલ પંપથી જેમ તેમ કરીને પીવાના પાણીની વ્યવસ્થા કરી રહ્યાં છે, પરંતુ પરિસ્થિતિ ખૂબ વિકટ બની ગઈ છે.

વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના મુખ્યમંત્રી કાળ દરમિયાન અમારા માટે પાણીની જે વ્યવસ્થા કરી હતી તે અમારી જાણ બહાર બંધ કરી દેવાતા અમારી વસાહત કફોડી સ્થિતિમાં મૂકાઇ ગઇ છે.

ભોજપરા લાઇનમાં ક્ષતિના કારણે પાણી બંધ થયું છે
પાણી બંધ કરવામાં નથી આવ્યું પણ ભોજપરા ગામે જતી લાઈનમાં ક્ષતિ હોવાથી પાણી બંધ થઈ ગયુ છે. તાત્કાલિક ધોરણે અમે પાણી પુરવઠો પૂર્વવત કરવા પ્રયત્નો ચાલુ છે. હાલ જાહેરમાં બનાવેલા બે નળમાં પાણી ચાલુ કરવામાં આવ્યુ છે, પરંતુ પુરતા ફોર્સથી પાણી મળી રહે તે માટે કામગીરી હાથ ધરી છે. નરેન્દ્ર પંડ્યા, પાણી પુરવઠા અધિકારી, વાંકાનેર.

અન્ય સમાચારો પણ છે...