બેવડી હત્યાને અકસ્માતમાં ખપાવનારા 5 શખ્સો ઝડપાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોતાને જેની સાથે 8 મહિના પહેલાં માથાકૂટ બાદ સમાધાન થયું હતું. એ કદાચ પોતાને મારી નાંખશે એવી બીકને લીધે 5 શખ્સોએ ભેગા મળી વંથલી માર્કેટ યાર્ડ પાસે બાઇકને કચડી નાંખી હતી. જેમાં 2 યુવાનોનાં મોત નિપજ્યાં હતા. જ્યારે ત્રીજાને ઇજા થઇ છે. વંથલી માર્કેટ યાર્ડ પાસે ગત તા. 29 એપ્રિલે ડબલ ફેટલની ઘટના બની હતી. જેમાં ગલીયાવાડનાં ઇસુબ મામદ, ફિરોઝ બોદુ અને જાબીર ઉમર જીજે 11 એએમ 6221 નંબરની બાઇક પર બેસી ટીનમસ ગામે ઝીયારતમાંથી પરત ફરતા હતા એ વખતે જીજે 12 વાય 8046 નંબરની ટ્રકે તેમને કચડી નાંખ્યા હતા. આ બનાવમાં ઇસુબ મામદ અને જાબીર ઉમરનાં મોત નિપજ્યા હતા. જ્યારે ફિરોઝને ઇજા થઇ હતી. દરમ્યાન આ બનાવ અંગે હોસ્પિટલેજ મૃતકોનાં નજીકના લોકોમાંથી બનાવ અકસ્માતનો નહીં પણ હત્યાનો હોવાની શંકાઓ ઉઠાવાઇ હતી. જેને પગલે એસપી સૌરભ સિંઘે બનાવની તપાસ પ્રોબેશન ડિવાયએસપી સ્મિત ગોહિલને સોંપી હતી. તેમણે એલસીબી અને સ્ટાફને સાથે રાખી સ્થળ વિઝીટ કરતાં કોઇએ કાવત્રું રચી હત્યાના બનાવને અકસ્માતમાં ખપાવી દેવાની પેરવી કરી હોવાનું સ્પષ્ટ થયું હતું. આથી તેમણે ટેક્નિકલ સર્વેલન્સ ટીમની મદદ લીધી હતી. અને હનીફ ઉર્ફે કાદુ ઇબ્રાહીમ સીડા (રે. ગલીયાવાડ) એ અગાઉના મનદુ:ખને લીધે આ બનાવને અંજામ આપ્યાની વિગતો મળી હતી. આથી પોલીસે બાતમી મેળવી હનીફ ઉર્ફે કાદુ, આરીફ ઉર્ફે ભુરો યુસુફ ગંભીર (રે. ભંડુરી) અને હસનભાઇ ઉર્ફે બબન ઉમરભાઇ ગંભીર (રે. ઝડકા) ને વંથલી તાલુકાનાં બરવાળા ખાતે આરીફની વાડીએથી ઝડપી લીધા હતા. અને તેની આકરી પુછપરછ કરી હતી. જેમાં એવું રટણ કર્યું હતું કે, અમને ખોટી રીતે સંડોવી દેવાયા છે. જોકે, સઘન પુછપરછમાં તેઓ ભાંગી પડ્યા હતા. અને ગુનો કબુલી લીધો હતો. જેના અાધારે પોલીસે તાર મહંમદ ઉર્ફે તારુ મહંમદભાઇ ગંભીર (રે. મૂળ બરવાળા, તા. વંથલી) અને જુસબ ઉર્ફે બાબુ હુસેનભાઇ સીડા (રે. ગલીયાવાડા) ને પણ દબોચી લીધા હતા.

ટ્રક આરીફ ચલાવતો તો, હનીફ બાજુમાં બેઠો’તો
કાવત્રા મુજબ, જે દિવસે ઇસુબ મામદ અને જાબીર ઉમર ત્રિપલ સવારીમાં ટીનમસ ગયા એ દિવસે હનીફ અને આરીફ કણઝા ખાતે વચ્છરાજ હોટલે બેઠા હતા. અને હસન ઉર્ફે બબન પોતાની ટ્રક તેઓને ત્યાં આપી ગયો હતો. બનાવ વખતે આરીફ ટ્રક ચલાવતો હતો અને હનીફ બાજુમાં બેઠો હતો.

હનીફને બીક હતી કે પોતાને મારી નાંખશે
આરોપી હનીફને ઇસુબ મામદ અને જાબીર ઉમર સાથે આઠેક માસ પહેલાં ઝઘડો થયો હતો. અને તેમાં સમાધાન પણ થઇ ગયું હતું. પણ જ્યારે સામા મળે ત્યારે તેઓ હનીફ સામે કતરાતા હતા. આથી હનીફને એવી બીક લાગતી હતી કે, આ લોકો પોતાને મારી નાંખશે. આથી તેણે આરીફ અને તાર મહંમદને પોતાને ઘેર બોલાવી બનાવ અકસ્માતમાં ખપી જાય એવી રીતે હત્યાને અંજામ આપવાનું કાવત્રું ઘડી કાઢ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...