ખાતરની 1 બોરીમાં 700 ગ્રામ જેટલું ખાતર ઓછું ભરી થઈ રહ્યું હતું વેચાણ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાણાવાવ કૃષિ સુવિધા કેન્દ્ર ખાતે ખાતરની 50 કિલોની 1 બોરીમાં વજન કર્યા વગર 700 ગ્રામ જેટલું ખાતર ઓછું ભરી પૂરા પૈસા લઈ ખેડૂતો સાથે છેતરપીંડી આચરવામાં આવી રહી હતી, જેથી ખેડૂત અગ્રણીઓએ જનતા રેડ કરી ખાતર કૌભાંડનો ભાંડો ફોડ્યો હતો. શહેરમાં પોલીસ સ્ટેશન સામે આવેલ કૃષિ સુવિધા કેન્દ્ર ખાતે છેલ્લા ઘણાં લાંબા સમયથી ખાતરના વેચાણમાં કૌભાંડ આચરવામાં આવી રહ્યું હતું. 50 કિલોની બેગમાં 50 કિલો ખાતર ભરવાને બદલે તેમાં 500 થી 700 ગ્રામ જેટલા ખાતરની ભરતી ઓછી કરી તેનું વેચાણ કરવામાં આવતું હતું. આ અંગે રાણાવાવ શહેર કોંગ્રેસના પ્રમુખ પ્રતાપ ખિસ્તરીયા સહીતના કોંગ્રેસ અગ્રણીઓને શંકા ગઈ હતી. જેથી શહેર કોંગ્રેસ પ્રમુખ સહીત 7 જેટલા ખેડૂત અગ્રણીઓ કૃષિ સુવિધા કેન્દ્ર ખાતે સ્થળ તપાસ માટે ગયા હતા અને તેઓએ કેન્દ્રમાં વેચાણ માટે રખાયેલ ખાતરની બોરીઓનું વજન કરાવ્યું હતું. જેમાં ખાતરની બોરીઓમાં 50 કિલોથી ઓછી ભરતી થતી હોવાનું સામે આવ્યું હતું. એક-એક બોરીઓમાં 500 થી 700 ગ્રામ જેટલી ભરતી ઓછી કરી આ બોરીઓ ખેડૂતોને વેચી દઈ ખેડૂતો સાથે છેતરપીંડી થઈ રહી હતી. આમ એક ડી.એ.પી. ખાતરની થેલી 1400 રૂપીયાની આવતી હોય અને તેમાં ઓછું ખાતર ભરી ખેડૂતો સાથે ઉઘાડી લૂંટ ચલાવવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું. જેથી ખેડૂત અગ્રણીઓએ તાત્કાલીક ખેતીવાડી વિભાગના અધીકારીઓને જાણ કરી હતી અને ખેતીવાડી વિભાગના અધીકારીઓ કૃષિ સુવિધા કેન્દ્ર ખાતે આવી પહોંચ્યા હતા અને 17 ટન ડી.એ.પી. તથા 102626, સરદાર, યુરીયા વગેરે ખાતરના જથ્થાને સીલ કર્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...