તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિહોરમાં છેલ્લાં 17 દિવસથી પાણી વિતરણ નહી કરાતા રોષ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉનાળાના અત્યંત આકરા દિવસો ચાલી રહ્યા છે. લોકો પાણીની વધારે જરૂરિયાત છે ત્યારે સિહોરના વોર્ડ નં.2માં છેલ્લા ઘણા દિવસોથી પાણી વિતરણ ન થતાં આ વિસ્તારમાં રોષ ફાટી નીકળ્યો છે.

સિહોર નગરપાલિકાના ઉપપ્રમુખના વિસ્તાર ગુંદાળા વિસ્તારમાં સિહોર નગરપાલિકા દ્વારા છેલ્લા ૧૭-૧૭ દિવસથી પાણી વિતરણ ન કરવામાં આવતા ભારે દેકારો મચી જવા પામ્યો છે. પાલિકા દ્વારા શહેરીજનોને પૂરતા પ્રેશરથી અને સમયસર પાણી મળી રહે તે માટે કરોડો રૂપિયાનો ધુમાડો કરીને પણ પાણી સંગ્રહનો અન્ય કોઈ સ્ત્રોત ન બનાવ્યો હોવાથી તથા શહેરનું ગૌતમેશ્વર તળાવ ખાલીખમ થઈ જવાથી શહેરની જનતા દર ઉનાળામાં પાણી માટે વલખા મારી રહી છે.

ગુંદાળા વિસ્તાર ના રહીશોના જણાવ્યા અનુસાર ૭ દિવસે ન.પા દ્વારા વિતરણ થતું પાણી આજ ૧૭ દિવસ થયા હોવા છતાં પણ નથી આવ્યું ત્યારે સિહોર નગરપાલિકાના સત્તાધીશો આ બાબતે ફરિયાદ કરવામાં આવતા તેઓ માત્રને માત્ર ઠાલા વચનો આપી રહ્યા છે. સિહોર નગરપાલિકાના ઉપપ્રમુખના જ વિસ્તારની જનતા પાણી માટે વલખા મારતી હોય ત્યારે ગામના અન્ય છેવાડાના વિસ્તારોના શું હાલ હશે એ પણ વિચારવા જેવી બાબત છે. પાલિકા દ્વારા પાણીની સમસ્યાનો વહેલામાં વહેલી તકે કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી આ વિસ્તારના રહીશોની માંગ ઉઠવા પામી છે.

આગામી સમયમાં મહીનું જોડાણ આપી દેવાશે
સિહોરના ગુંદાળા વિસ્તારમાં પાણીની સમસ્યા વિકટ છે. આ અંગે મેં રૂબરૂ સ્થળ મુલાકાત પણ લીધી છે. મહીની લાઇનના જોડાણ માટેની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. આગામી ટૂંક સમયમાં જ મહીનું જોડાણ આપી દેવાથી આ વિસ્તારની પાણીની સમસ્યા હલ થઇ જશે. બી.આર. બરાળ,ચીફ ઓફિસર, સિહોરનગરપાલિકા

ખાળે ડુચા દરવાજા મોકળા
એક તરફ સિહોરવાસીઓ પાણીના એક એક ટીપા માટે વલખા મારી રહ્યા છે ત્યારે સિહોરમાં ટાણા રોડ પર પાણીની લાઇન તૂટી જવાને કારણે અમુલ્ય પાણી વહી ગયું. આ વહેતું પાણી જોઇ લોકોમાં કુતુહલ સર્જાયું હતું કે આ વરસાદી પાણી તો નથી ને ? પરંતુ નિંભર તંત્ર આમાંથી કોઇ બોધપાઠ લઇ કોઇ નકકર પગલાં ભરતું જ નથી.

અન્ય સમાચારો પણ છે...