પ્રેમી સાથેની ફોનમાં વાત સાંભળનાર જેઠાણીની પુત્રીને દેરાણીએ ઝેર પાયું
ઊના તાલુકાનાં ખજુદ્રા ગામે રહેતી એક મહિલાને કોડીનારમાં રહેતા એક યુવાન સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. આ અંગે તેની જેઠાણી જાણી જતાં તે ઘરમાં બધાને કહી દેશે એવી બીકમાં મહિલાએ તેની માત્ર અઢી વર્ષની પુત્રીને પાણીમાં ઝેરી દવા ભેળવી પીવડાવી દીધી હતી. હાલ જોકે, બાળકીને સારવાર માટે રાજકોટ ખસેડાઇ છે.
આ બનાવની મળતી વિગત મુજબ ઊના તાલુકાનાં ખજુદ્રા ગામે રહેતી શાન્તુ ભાણા વાજાને કોડીનારમાં રહેતા અશ્વિન નામના યુવાન સાથે પ્રેમ સબંધ હતો. એક માસ પહેલાં શાંતુની જેઠાણી પાંચીબેન પુનાભાઇ વાજાએ શાંન્તુને અશ્વિન સાથે ફોનમાં વાત કરતી જોઇ લીધી હતી. અશ્વિન પણ અવારનવાર શાન્તુને મળવા ખજુદ્રા આવતો રહેતો. આ પ્રેમ પ્રકરણની જાણ પાંચીબેનને હોવાથી શાન્તુના મનમાં એવી બીક હતી કે, પાંચીબેન આ વાત ઘરમાં કોઇને કહી દેશે તો પોતાનો ભાંડો ફૂટી જશે. બે દિવસ પહેલાં સવારે 10 વાગ્યાના અરસામાં પાંચીબેનની અઢી વર્ષની પુત્રી જયશ્રી ઘરમાં રમતી હતી. ઘરના સભ્યો બીજા કામમાં વ્યસ્ત હતા. આથી મોકો જોઇ શાન્તુએ જયશ્રીને પાણીના ગ્લાસમાં ઝેરી દવા ભેળવી પીવડાવી દીધી હતી. થોડીવાર બાદ જયશ્રીએ આ અંગે માતાને જાણ કરતાં પાંચીબેન ગભરાઇ ગયા હતા. અને તાત્કાલીક જયશ્રીને પ્રથમ ઊના અને બાદમાં રાજકોટ હોસ્પીટલે ખસેડી હતી. જ્યાં બાળકીની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. બનાવ અંગે ઊના પોલીસે શાન્તુ પર હત્યાના પ્રયાસનો ગુન્હો નોંધી તેની સામે કાયદેસરની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રેમ પ્રકરણનો એકજ માસમાં ભાંડો ફૂટ્યો
શાન્તુને અશ્વિન સાથે જે વાત ફોન પર થઇ હતી. એ જે એક મહિના પહેલાંની ઘટના હતી. જોકે, પ્રેમપ્રકરણ છૂપાવવાની લ્હાયમાં શાન્તુ ગુનો આચરી બેઠી હતી.