Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
લીંબડીના નટવરગઢ ગામે વોર્ડ-1માં ભૂગર્ભ ગટરમાં ભ્રષ્ટાચારની રાવ
લીંબડી તાલુકાના નટવરગઢ ગામના વોર્ડ નંબર-1માં થયેલ ભૂગર્ભ ગટરના કામમાં ભારે ભ્રષ્ટાચાર થયો હોવાની ગામના જાગૃત નાગરિકે ફરિયાદ ઉઠાવી છે. ડીડીઓ અને ટીડીઓને લેખિત રજૂઆત કરી યોગ્ય તપાસની માંગ કરાઇ છે.
રાજય સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરી ગ્રામીણ ક્ષેત્ર વિકાસ લાવવાનાં પ્રયાસો કરવામાં આવે છે. પરંતુ ભ્રષ્ટ અધિકારીઓ અને તેમના મળતીયા કોન્ટ્રાક્ટરો દ્વારા આચરવામાં આવતા ભ્રષ્ટાચારને કારણે ગામડામાં યોગ્ય કામ થઈ શક્તા નથી. લીંબડી તાલુકાના નટવરગઢ ગામના જાગૃત નાગરિક વિનુભાઈ બી. મેણીયાએ વોર્ડ નંબર-1માં ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલા ભૂગર્ભ ગટરના કામમાં ભારે ભ્રષ્ટાચાર થયો હોવાની રાવ કરી છે. આ લેખિત ફરિયાદમાં જણાવ્યું છે કે ભૂગર્ભ ગટરનું કામ સાવ નબળું કરવામાં આવ્યું છે. અમુક જગ્યાએ કામ કર્યાં વગર બારોબાર બીલ પાસ કરી લીધાં હોવાની ફરિયાદ પણ કરાઇ છે. સાથોસાથ નટવરગઢ ગ્રામ પંચાયત દ્વારા વોર્ડ નં-1માં જે પણ કામ કરવામાં આવ્યા છે તે મોટાભાગના કામોમાં ભ્રષ્ટાચાર થયો છે. વિનુભાઈ મેણીયાએ જિલ્લા અને તાલુકા વિકાસ અધિકારીઓને લેખિત ફરિયાદ કરી યોગ્ય તપાસની માંગ કરી છે.