નવજીવન ક્રેડિટ સોસા.ના કરોડોના ગફલાની તપાસ CIDએ આરંભી

Wankaner News - cid launches probe into billions of dollars in revival credit sosa 075518

DivyaBhaskar News Network

Sep 16, 2019, 07:55 AM IST
નવજીવન ક્રેડિટ કો.ઓપરેટીવ સોસાયટી લિમિટેડ દ્વારા રાજસ્થાનમાં લોકોના નાણાની ઉચાપત પ્રકરણમાં મંડળીના એમ.ડી.ની રાજસ્થાનમાં ધરપકડ અને રાજકોટ, વાંકાનેર, ગોંડલ સહિત મંડળીના ગોટાળા અનુસંધાને નવજીવન ક્રેડિટ કોઓપરેટીવ સોસાયટીના અધિકારીની તપાસ સીઆઇડી રાજકોટ ખાતે ચાલી રહી છે. તેમ વાંકાનેર નવજીવન ક્રેડિટ કોઓપરેટીવ સોસાયટીના એડવાઈઝર જયેશભાઇ મહેતા દ્વારા જણાવાયુ હતુ. નવજીવન ક્રેડિટ કોઓપરેટીવ સોસાયટી લિમિટેડ રાજસ્થાન સંચાલિત છે. જેની ગુજરાતમાં અનેક જગ્યાએ આવી મંડળીઓ ચાલે છે. જેમા વાંકાનેર પંથકના 800થી વધુ થાપણદારોના 10 કરોડ રૂપિયા જેટલી રકમ ફસાઈ જતા ઓફિસ આસપાસ રોકાણકારોના ટોળેટોળા એકત્ર થઇ ગયા હતા.

રાજકોટ, ગોંડલ અને વાંકાનેરમાં શાખા ધરાવતી નવજીવન ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી લિમિટેડના સંચાલકો કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવીને જતા રહ્યા છે. નાની બચત રૂપે રોજેરોજ પોતાના પેટ પર પાટા બાંધીને પૈસા બચાવી મંડળીમાં રોકનાર થાપણદારોના કરોડો રૂપિયા ફસાયા છે. આ અંગે મંડળીના એડવાઈઝર દ્વારા શહેર પોલીસને એમ.ડી. ગિરધરલાલ સોઢા વિરુદ્ધ અરજી દાખલ કરી છે. વાંકાનેરના રોકાણકારોના અંદાજે રૂ.9.25 કરોડ રૂપિયાની થાપણો પર જોખમ હોવાનું જાણવા મળે છે.

વાંકાનેર શહેરમા આવેલી નવજીવન ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટીથી એડવાઈઝર અને રોકાણકારો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટના જાગનાથ વિસ્તારમાં મુખ્ય ઓફિસ ધરાવતી નવજીવન ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી લિમિટેડ મલ્ટિ સ્ટેટ સહકારી મંડળી છે. જેની રાજકોટમાં અન્ય એક શાખા સોરઠીયા વાડી વિસ્તારમાં, એક શાખા ગોંડલ અને એક શાખા વાંકાનેરમાં હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત વડોદરા અને રાજસ્થાનમાં અનેક શાખા હોવાનું જાણવા મળે છે. માત્ર સૌરાષ્ટ્રમાં અંદાજે પાંચેક હજાર રોકાણકારોને કરોડો રૂપિયાની થાપણ લઇ સંચાલકો ફરાર થઇ ગયા હોવાનું જાણવા મળેલ છે.

વાંકાનેરના અમુક લોકો પણ સનસાઇન સાથે પોતાના ઘર ભરી લીધાના લોકો આક્ષેપ કરી રહ્યા છે. નવજીવનમાં પૈસા રોકીને ઉંચા વ્યાજના લોભમાં લલચાઈને જીવનભરની એકઠી કરેલી પુંજી પર સંકટના વાદળો ઘેરાતા રોકાણકારોમાં સન્નાટો છવાઈ ગયો છે. રોકાણકારો દ્વારા મળતી માહિતી મુજબ પોસ્ટ ઓફિસમાં જમા કરાવવાના હતા પરંતુ નવજીવનના સંચાલકો અને એજન્ટો દ્વારા ઉંચા વ્યાજની લાલચ આપીને અમારી રકમ નવજીવનમાં રોકાણ કરાવી હતી. જે બધાના રૂપિયા લઈ છનન થઈ જતા રોકાણકારો રાતા પાણીએ રોવે છે. જ્યારે અમુક મોટા માથાઓની મોટી રકમ ફસાઈ છે પરંતુ તે જાહેરમાં આવવાની હિંમત નથી કરતા. આ મંડળીમાં પાનના ગલ્લાવાળા, ટીફીન સેવા કરવાવાળા, રીક્ષા ચાલકો, ખેડૂતો, વેપારીઓ, મજુરો સહિતના ભોગ બન્યા છે. જો કે એડવાઈઝર જયેશભાઇ મહેતા નવજીવન ક્રેડિટ કોઓપરેટીવ સોસાયટીની ઓફિસ પર આવી રોકાણકારોને હૈયાધારણા આપી રહ્યા છે કે, નાણા પરત મળી જશે. તેમણે એવું પણ કહ્યુ કે મેં પણ નાણાનું રોકાણ કરેલ છે અને બધાને પરત મળી જશે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે.

MD વિરુદ્ધ અરજી આવતા SPને મોકલી આપી છે

નવજીવન ક્રેડિટ કોઓપરેટીવ સોસાયટી લિમિટેડના એડવાઈઝર જયેશભાઇ મહેતા દ્વારા મંડળીના એમ. ડી. ગીરધરલાલ સોઢા વિરુદ્ધ અરજી મળી હતી. જે કરોડો રૂપિયાના ગોટાળાની હોવાથી અમે જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે મોકલી આપી છે. એચ.એન.રાઠોડ, પીઆઇ-વાંકાનેર શહેર પોલીસ

X
Wankaner News - cid launches probe into billions of dollars in revival credit sosa 075518

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી