ભાવનગરમાં અઢી ઇંચ સાથે અષાઢી માહોલ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેધર રિપોર્ટર | ભાવનગર 27 | સપ્ટેમ્બર

ભાવનગર જિલ્લામાં આજે ભાદરવા માસના અંતે અષાઢના મધ્ય જેવો માહોલ છવાઇ ગયો છે અને આજે ભાવનગર શહેરમાં અઢી ઇંચ તેમજ ઘોઘામાં બે ઇંચ તથા તળાજામાં પોણા બે ઇંચ વરસાદ વરસી ગયો છે. જ્યારે મહુવામાં એક ઇંચથી વધુ તેમજ પાલિતાણા, વલ્લભીપુર, જેસર, ઉમરાળા, સિહોર અનને ગારિયાધારમાં હળવા ભારે ઝાપટાથી લઇને પોણો ઇંચ સુધી વરસાદ વરસી ગયો હતો. આજના વરસાદથી જિલ્લામાં એવરેજ વરસાદ 738 મી.મી. થયો છે જે વર્ષની એવરેજ 587 મી.મી.ના 125.72 ટકા થાય છે.

ભાવનગર શહેરમાં ગઇ કાલ મોડી રાત્રિ બાદ મેઘરાજાની સવારી આવી પહોંચી હતી અને આજે સવારથી બપોર સુધી વરસાદ અષાઢી ધારાએ વરસતા કુલ 63 મી.મી. એટલેકે અઢી ઇંચ જેટલો વરસાદ શહેરમાં વરસી જતાં નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર ગોઠણસમા પાણી ભરાઇ ગયા હતા, રસ્તાઓ જે થોડા ઘણા રિપેર કરાયેલા તે વધુ બિસ્માર થઇ ગયા છે. રસ્તાઓ પર ઠેર ઠેર કાદવકીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. શહેરમાં સફાઇ અભિયાન વધુ વેગવાન કરવું જરૂરી બની ગયું છે કારણ કે મચ્છર સહિત જીવાતોનો ત્રાસ વધી ગયો છે.

આજે ઘોઘામાં પણ સવારથી જ ધોધમાર વરસાદ વરસવો શરૂ થયો હતો અને સાંજ સુધીમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. ઘોઘામાં સતત વરસાદથી ભાદરવાના અંતે ગરમીને બદલે ટાઢોડું છવાઇ ગયું છે અને ચોતરફ પાણી પાણી થઇ ગયું છે. તો તળાજામાં આજે સાંજ સુધીમાં 41 મી.મી., મુહવામાં 28 મી.મી., પાલિતાણામાં 17 મી.મી., વલ્લભીપુરમાં 13 મી.મી., જેસરમાં 11 મી.મી., સિહોરમાં આજે 10 મી.મી., ગારિયાધારમાં 5 મી.મી. અને ઉમરાળામાં 4 મી.મી. વરસાદ નોંધાયો હતો.

ગૌતમેશ્વર તળાવ બીજી વાર ઓવરફલો
સિહોર પંથકના કાજાવદર,જાંબાળા સહિતના ગામોમાં ગત રાત્રિના શુમારે સારો એવો વરસાદ પડતાં સિહોરના હાર્દ સમાન ગૌતમેશ્વર તળાવ બીજી વાર ઓવરફલો થયું હતું. જેને કારણે નગરજનોમાં આનંદ વ્યાપી જવા પામ્યો હતો. - તસવીર : ગૌરાંગ ઉલવા

સિહોરના ગ્રામ્ય પંથકમાં ગાજવીજ સાથે દોઢ ઇંચ
સિહોર પંથકમાં સતત ત્રીજા દિવસે પણ ધોધમાર વરસાદ વરસી જવા પામેલ. સિહોરમાં વહેલી સવારે ચાર વાગ્યાના શુમારે વીજળીના કડાકા અને વાદળોના ગડગડાટ વચ્ચે એકથી દોઢ ઇંચ વરસાદ વરસી ગયો હતો. આથી અનેક વિસ્તારોમાં વીજળી પણ ગુલ થઇ ગઇ હતી. ગ્રામ્ય પંથકમાં ધ્રુપકા, જૂના જાળિયા, ભડલી ,રબારિકા, ખાંભા, સર, સાગવાડી સહિતના ગામોમાં પણ સારો વરસાદ વરસી ગયેલ. જેનાથી ખોડિયાર મંદિરના તળાવમાં સારા પ્રમાણમાં નવા નીરની આવક થવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...