તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજ્યકક્ષાએ મોરબીના 5 શિક્ષકોના પ્રયોગો ઝળકયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોરબી જીલ્લાની પ્રાથમિક માધ્યમિક શાળાના શિક્ષકો દ્વારા જિલ્લા કક્ષાનાં ઇનોવેશન ફેસ્ટિવલમાં જે પણ શાળાનાં પ્રયોગો ઉત્કૃષ્ટ હતા તેમાંથી ૫ ઇનોવેશનની રાજ્ય કક્ષાએ પસંદગી થઇ હતી. આ શિક્ષકોએ આણંદ ખાતે ચારુસેટ યુનિવર્સીટીમાં યોજાયેલા ચોથા ઇનોવેશન ફેસ્ટીવલમાં મોરબી જીલ્લાનું નામ રોશન કર્યું હતું. જીલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા દર વર્ષે આ ફેસ્ટીવલ યોજવામાં આવે છે. જેમાં અંતરિયાળ વિસ્તારની સરકારી શાળામાં કામ કરતા શિક્ષકોને પ્રોત્સાહન મળી રહે અને તેઓના નવીન પ્રયોગો લોકો સુધી પહોંચે એ હેતુથી આ ઇનોવેશન ફેસ્ટીવલનું આયોજન થતું હોય છે. મોરબી જીલ્લાના ડી આઈ સી કો-ઓર્ડીનેટર મીનાક્ષીબેન રાવલ તથા ડાયેટ પ્રાચાર્ય ચેતનાબેન વ્યાસ દ્વારા તેઓની શાળા મુલાકાત દરમિયાન આવું હટ કે કામ કરતા ઇનોવેટીવ શિક્ષકોને પ્રેરણા અને માર્ગદર્શન આપવામાં આવે છે. દર વર્ષે જીલ્લા કક્ષાએ આ કાર્યક્રમ યોજાય છે અને મોરબી જીલ્લાની દરેક શાળાના શિક્ષકો તેની મુલાકાત લે છે. આ ફેસ્ટીવલમાંથી આ વર્ષે ચાર ઇનોવેશનની પસંદગી, કોર કમિટી અને મુલાકાતી શિક્ષકોના ગુણાંકનને આધારે કરવામાં આવેલી હતી. જેમાં વાંકાનેરના રાતીદેવળી કન્યા શાળાના શિક્ષિકા ડૉ.પાયલ ભટ્ટની કૃતિ ભાષા સંગમ એક ઉત્સવ, ટંકારાના નેકનામ કન્યા શાળાના સુષ્માબેન પડયાની ‘સુષ્મા’ઝ સંકલ્પ’ અને વાંકાનેરના ભેરડાના અમિત દેથારિયાની કૃતિ ‘ગણિતનો જાદુ’ પ્રાથમિક વિભાગમાંથી પસંદગી પામી હતી. માધ્યમિક વિભાગમાં વી. સી. હાઇસ્કુલના અમિત તન્નાની કૃતિ બોટનીકલ ક્લાસરૂમને રાજય કક્ષાએ મોકલવામાં આવી હતી. આ ઉપરાંત નવા મકનસર શાળાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિજેતા જીતેન્દ્ર પાંચોટિયાને રાજ્યના ઇનોવેશન ફેસ્ટીવલમાં પોતાનું ઇનોવેશન રજુ કરવા વિશેષ આમંત્રણ આપવામાં આવેલું હતું. રાજ્યના આ ઇનોવેશન ફેસ્ટીવલમાં રજુ થયેલ તમામ ઇનોવેશનની એક બુકલેટ તૈયાર થઇ રહી છે. આ બુકલેટના લેખક મંડળમાં મનન બુદ્ધદેવને કામગીરી સોંપવામાં આવી હતી. વિવિધ સામયિકમાં પોતાની કોલમ ચલાવતા મનન બુદ્ધદેવ પણ એક ઇનોવેટીવ શિક્ષક છે. આ સૌ શિક્ષકોએ મોરબી જીલ્લા અને રાજકોટ ડાયેટનું ગૌરવ વધાર્યુ હતું.રાજ્યના ઇનોવેશન ફેસ્ટીવલમાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, શિક્ષણ સચિવ વિનોદ રાવ, જીસીઈઆરટી નિયામક ટી.એસ.જોશી, આઈ.આઈ.એમ.ના અનીલ ગુપ્તા, મોટીવેશનલ ટ્રેનર દીપક તેરૈયા, ગીજુભાઈ ભરાડ વગેરે મુલાકાત લઇને સરાહના કરી હતી.

અન્ય સમાચારો પણ છે...