ચોટીલા ચામુંડા મંદિરે પ્રથમ નોરતે માનવ મહેરામણ ઉમટ્યું
ચોટીલા ચામુંડામાં મંદિરે ચૈત્રી નવરાત્રીના પ્રથમ નોરતે માનવ મહેરામણ ઉમટ્યુ હતું. જેમાં રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિત ગુજરાતભરમાંથી માતાજીના ભક્તોએ ઉપસ્થિત રહી માતાજીના દર્શનનો લ્હાવો લીધો હતો. જ્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે ભોજન, પાણી સહિતની વ્યવસ્થા કરાઇ હતી.
શનિવારથી શરૂથયેલ ચૈત્રી માસની નવરાત્રીના પ્રથમ દિવસે પ્રખ્યાત યાત્રાધામ ચોટીલા ચામુંડા માં મંદિરે ભક્તોનો ઘસારો જોવા મળ્યો હતો. જેમાં પ્રથમ દિવસે માતાજીને ફુલોનો શણગાર કરી મહાઆરતી કરાઇ હતી. આ પ્રસંગે મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી માતાજીના ભક્તો પગપાળા અને વાહનોમાં માતાજીના દર્શને પહોંચ્યા હતા. મંદિર ટ્રસ્ટ દ્વારા ઉનાળાની ગરમીને ધ્યાને લઇ વિષેશ આયોજન કરાયા હતા. જેમાં ડુંગરના પગથીયે બનાવેલ પતનારા શેડમાં ગરમીથી રક્ષણ કાપડની ઝાલરો, પીવાના ઠંડા પાણીની ઠેરઠેર પરબો, તળેટીમાં ભોજનાલયમાં પ્રસાદી રૂપે ભોજન અને આરામ કરવા અતિથિગૃહમાં વ્યવસ્થા કરાઇ છે. જ્યારે ડુંગર અને તળેટીમાં રંગબેરંગી લાઇટોથી શણગાર કરાયો છે. આ અંગે મંદિરના પુજારી હરેશગીરીએ જણાવ્યુ કે નવરાત્રી દરમિયાન માતાજીના વિવિધ શણગાર અને અનુષ્ઠાન અને દરરોજ રાબેતા મુંજબ સવારે અને સાજે આરતી કરવામાં આવશે.
ચૈત્રી નવરાત્રીનો શનિવારથી પ્રારંભ થયો છે ત્યારે ચામુંડા માના દર્શન માટે લોકો ઉમટી રહ્યા છે. જેના પગલે ચોટીલા ડુંગર અને તળેટીમાં રોશની કરાઇ હતી.