Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
તળાજાનાં કંઠાળ ક્ષેત્રોમાં યાયાવર પ્રવાસી પંખીડાઓનું આગમન
તળાજા બ્યુરો | 12 જાન્યુઆરી
આ વર્ષ શિયાળાનું આગમન મોડું તથા તળાજાનાં સિધ્ધિનાથ અને ગોપનાથ મહાદેવ ધામથી મહુવાનાં નિકોલ સુધીનાં દરિયાકિનારાનાં શાંત અને પ્રદુષણ રહિત વિસ્તારોમાં છેલ્લા અઠવાડીયાથી શિયાળુ પરોણાગત માણવા પરદેશી પંખીઓનું આગમન શરૂ થઇ ગયું છે.
તળાજાનાં કંઠાળ ક્ષેત્રો મીઠાપાણીનાં તળાવડાઓ, નાના મોટા જળાશયો, ઘાંસિય મેદાનો, ફોરેસ્ટની કુંઢડા નજીકની વીડી તેમજ શાંત ડુંગરમાળમાં દર વર્ષ શિયાળામાં શરદ પ્રવાસી સુરખાબ (ફલેમીંગો), કુંજ, (કોમનક્રેન), પેણ (પેલીકન), સહીત તમામ પ્રકારનાં યાયાવર પંખીઓનો અનોખો સંગમ સર્જાય છે. પૃથ્વીનાં ઉત્તર ગોળાર્ધમાં દક્ષીણ ગોળાર્ધમાં, તેમજ પૂર્વ યુરોપ, ઔસ્ટ્રેલીયા, સાઇબિરીયા, મધ્ય એશિયા વગેરેમાં શિયાળામાં સર્જાતા કાતિલ હિમ પ્રપાતથી પ્રભાવિત સેંકડો પંખીઓની પ્રજાતિઓ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા હજારો કિ.મી.ની હવાઇ ઉડાન ભરીને આપણા પ્રદેશમાં નિયમિત રીતે હુંફાળો શિયાળો ગાળવા ઉતરી પડે છે. જેમાં ખંભાતનાં અખાતમાં ભાવનગર જીલ્લાનાં 152 કિ.મી.દરિયા કાંઠાઓમાં પુનમ અને અમાસની મોટી ભરતીથી સર્જાયેલ તળાવડાઓ, મીઠાના અગરો તેમજ કંઠાળ વિસ્તારની સીમમાં મીઠા પાણીનાં તળાવોનાં પ્રદુષણ રહિત વાતાવરણમાં કિલકિલાટ સર્જી જળ ક્ષેત્રોને ગજબી મુકે છે. જેને દૂરથી માણવામાં અદ્દભુત ખુશી ઉત્પન્ન થાય છે.
ગોહિલવાડનાં જળપ્લાવિત ક્ષેત્રોમાં આવતા શિયાળુ મહેમાન પંખીઓને પુરતો ખોરાક, શાંત અને નિર્ભયતાનું હુફાળુ પારણુ મળી રહેતું હોવાથી વિદેશી પરોણા પંખીઓ અહિ બે થી ત્રણ માસની સ્થિરતા કરી જળ ક્રિડા સહીત રોમાંચકારી મહેમાન ગતિ માણે છે જે વસુઘૈવ કુટુંબ કમની ગૌરવશાળી ભાવનાને અનુરૂપ છે.