Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જસદણમાં તાલુકા પેન્શન મંડળની વાર્ષિક સાધારણ સભા મળી
જસદણ | જસદણમાં રાજગોર બ્રાહ્મણ સમાજની વાડી ખાતે તાલુકા પેન્શન મંડળની વાર્ષિક સાધારણ સભા મળી હતી. જસદણ તાલુકા પેન્શન મંડળના પ્રમુખ દેવશંકરભાઈ ચાંવની આગેવાની હેઠળ આ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં રાજકોટ જિલ્લા અને અન્ય તાલુકાઓના પેન્શન મંડળના હોદ્દેદારો હાજર રહ્યા હતા અને પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. આ તકે એસ.બી.આઈ. રાજકોટથી ઝા અને પાંડા તેમજ જસદણ એસ.બી.આઈ. ના મેનેજર ચુડાસમા ઉપસ્થિત રહ્યા હતા. એસ.બી.આઈ. બેંક તરફથી 80 વર્ષ ઉપરના પેન્શનરોનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે બેંક ઓફ બરોડાના મેનેજર અમરેન્દ્ર કુમાર ઉપસ્થિત રહી તેઓએ બેંક ઓફ બરોડા તરફથી આ સભાના જમણવારનો ખર્ચ આપેલ હતો. આ સભામાં આશરે 180 જેટલા પેન્શનરો અને હોદ્દેદારો હાજર રહ્યા હતા. આ સભાના અંતમાં પેન્શનર રાણીગભાઈ ધાધલએ આભાર વિધિ કરી હતી. આ સમગ્ર સભાનુ સંચાલન પ્રમુખ દેવશંકરભાઈ આર. ચાંવ દ્વારા કરવામાં આવ્યું હતું અને પેન્શનરોને જાણવા જોગ માહિતી પણ આપી હતી. આ આયોજનને સફળ બનાવવા મહામંત્રી નંદલાલભાઈ મકવાણા અને કારોબારી સભ્યોએ જહેમત ઉઠાવી હતી અને સભાના અંતે સૌ સાથે મળી સ્વરૂચી ભોજન કરી સભા પૂર્ણ કરી હતી.