મોરબીમાં 17 કરોડની ટેક્સ ચોરી કરનારા 6 દિવસના રિમાન્ડ પર
મોરબીમાં બોગસ સિરામિક પેઢીઓ ઉભી કરીને રૂ. ૧૭ કરોડની જીએસટી ચોરી કરવાના પ્રકરણમાં પકડાયેલા આઠ આરોપીઓને એસઓજીની ટીમે ગુરુવારે ૧૫ દિવસની રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કર્યા હતા. જેમાં કોર્ટે આરોપીઓના ૬ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. મોરબીમાં ગરીબો પાસેથી ડોક્યુમેન્ટ ખરીદી તેના આધારે ૧૬ બોગસ પેઢીઓ ઉભી કરીને રૂ. ૯૮ કરોડની રકમના કુલ ૩૮૫૨ ઇ-વે બીલ જનરેટ કરી કુલ રૂ. ૧૭,૭૬,૬૦,૫૫૬નો વેરો સરકારની તીજોરીમાં નહિ ભરી સરકાર સાથે વિશ્વાસઘાત કરી ગુન્હાહિત કાવતરૂ રચીને ઠગાઇ કરવાના ગુનામાં એસઓજીની ટીમે મુસ્તાક અકબરભાઇ જામ (રહે. માળીયા મીયાણા જી.મોરબી), ગુલામરસુલ હૈદરભાઇ જામ, કિશન જસાભાઇ કાનગડ, હાર્દિક પ્રફુલભાઇ કટારીયા, રવિ દિલીપભાઇ ઓઝા, વિપુલ ધનજીભાઇ ફુલતરીયા, દર્શિત પ્રવિણભાઇ મેવાડા અને ધર્મેન્દ્ર દિલીપભાઇ અજાણાને ઝડપી લીધા હતા. આરોપીઓની પૂછપરછ જરૂરી હોવાંથી મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરી 15 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જોકે મેજિસ્ટ્રેટે 6 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.