સમઢીયાળામાં 12 જરૂરિયાતમંદ બહેનોને પગભર થવા સિલાઇ મશીન અર્પણ કરાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળની પ્રેરણાથી શ્રીજી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ અને ગોપીનાથ મહાદેવ મંદિર સમિતી-દાત્રાણાના ઉપક્રમે મેંદરડા તાલુકાના સમઢીયાળા ગામે આવેલ અતિગંભીર દિવ્યાંગોની સંસ્થામાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે આસપાસના 7 ગામના 12 જરૂરીયાતમંદ બહેનોને પગભર થવા દાતાઓના સહયોગથી વિનામુલ્યે સિલાઇ મશીન અર્પણ કરાયા હતાં.

આ પ્રસંગે સમુહલગ્નના પ્રણેતા હરસુખભાઇ વઘાસીયાએ જણાવ્યું હતું કે, જરૂરીયાતમંદ બહેનોને આ સિલાઇ મશીન દ્વારા આત્મનિર્ભર બનવાની શક્તિ પ્રાપ્ત થશે. બહેનો હવે અર્થ ઉપાર્જન કરી પોતાના પરિવાર અને સમાજનો ઉત્કર્ષ કરી શકશે. જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળના પ્રમુખ પ્રિતિબેન વઘાસીયાએ બહેનો આ સિલાઇ મશીન થકી બાળકોમાં સંસ્કાર અને શિક્ષણનું સિંચન કરી શકે તેવી શીખ આપી હતી.

આ તકે એસ.ટી.નિગમનાં ડાયરેક્ટર વિનુભાઇ કથીરીયા, ધીરૂભાઇ કુંભાણી, જે.બી.પાનસુરીયા, ડોલીબેન અજમેરા વગેરે હાજર રહ્યાં હતાં. કાર્યક્રમની સાથે યોજાયેલ સર્વરોગ નિદાન કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો. તેમજ ભક્તિ સત્સંગ સંધ્યામાં શ્રદ્ધાળુઓએ ધુન-ભજનની રમઝટ બોલાવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા કૌશિકભાઇ જોષી, ભુવનભાઇ વ્યાસ, પરસોત્તમભાઇ વઘાસીયા, રામજીભાઇ વઘાસીયા, ગિરધરભાઇ બરવાડીયા સહિત દાત્રાણા અને સમઢીયાળાના આગેવાનો-કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.