તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

3 ખલાસીએ 13 કલાક દરિયામાં તરી જીંદગીને જીતી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઊના તાલુકાનાં નવા બંદરથી પાંચ દિવસ પહેલા સાત ખલાસીઓને લઇ દરિયામાં ફિશીંગ કરવા ગયેલી એક બોટ શનિવારે મોડીરાત્રીનાં દરિયો ન ખેડવાનાં સમાચાર મળતાની સાથે જ પરત ફરી રહી હતી. ત્યારે તોફાની મોજા અને પવનની થપાટમાં આ બોટ ડુબી જતાં તેમાં રહેલા સાત ખલાસીઓ જીવન મરણ વચ્ચે જોકા ખાઇ રહયાં હતાં. ત્યારે ત્રણ ખલાસીઓએ લાકડા અને થર્મોકોલનાં સહારે દરિયામાં 13 કલાક દરિયામાં તરતા રહેતા અન્ય બોટ આવી જતાં તેઓનાં જીવ બચી ગયા હતાં. જોકે તેમાં એકની હાલત નાજુક હોવાથી હાલ સારવારમાં છે. જયારે બાકીનાં ચાર ખલાસી હજુ પણ દરિયામાં લાપતા હોય તેને ગોતવા તંત્ર ધંધે લાગ્યું છે. આ અંગેની મળતી વિગત મુજબ નવાબંદર ગામનાં બચીબેન ભગાભાઇ બાંભણીયાની માલિકીની બોટ નં.જીજે-11-એમએમ-5803 અંબિકા પ્રસાદ 24 તારીખે સવારનાં 11 કલાકે નવાબંદરથી રવાનાં થઇ હતી. જેમાં સાત ખલાસીઓ હતાં. અને દરિયાથી લગભગ 25 નોટીકલ માઇલ એટલે કે 70 કિમી દુર ફિશીંગ કરી રહી હતી. પરંતુ ઓચિંતા વાતાવરણમાં પલટો આવતાં દરિયાકાંઠે ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવાતા આ અંગેનો વાયરલેસ મેસેજ બોટનાં ટંડેલ ભરતભાઇ નારણભાઇ જેઠવાને મળતાં તેઓએ નવાબંદર તરફ બોટને હંકારી હતી. ત્યારે લગભગ કાંઠેથી 15 નોટીકલ માઇલ ઓચિંતા પવન અને દરિયાઇ મોજાનાં તોફાનમાં આ બોટે જળસમાધી લેતા તેમાં સવાર તમામ ખલાસીઓ પોતાનાં જીવ બચાવવા દરિયામાં કુદી પડયા હતાં. ત્યારે ત્રણ વ્યકિત ભરતભાઇ નારણભાઇ જેઠવા, મનુભાઇ ભીમાભાઇ મેવાળા અને જયંતિ મેઘાભાઇ મજેઠીયા, ભરત ઘેલા દરિયામાં સતત 13 કલાક સુધી તરતા રહયા હતાં અને પોતાનાં જીવને બચાવવા બોટમાંથી છુટા પડેલા લાકડા અને થર્મોકોલ પર અટકયા રહેતા તેઓને અન્ય બોટ દ્વારા બચાવી લેવામાં આવ્યાં હતાં. ત્યારે તેમની સાથે રહેલા સુનિલ ભીમા બાંભણીયા, ભાવેશ ભીમા બાંભણીયા, કાંતિ જીવા અને સાંમત જીવા મજેઠીયા હજુ લાપતા છે અને હાલ તેને ગોતવા જાફરાબાદ નવાબંદર અને સૈયદ રાજપરા સહિતનાં ગામોની 50 થી વધુ બોટો હાલ દરિયામાં શોધખોળ કરી રહી છે. જોકે હજુ 18 કલાકથી તેઓનો પતો લાગ્યો નથી. ત્યારે આ અંગે તંત્રને પણ જાણ કરાતા તે પણ દોડતું થયું છે. આ માટે નવાબંદર સરપંચ સોમવારભાઇ મજેઠીયા અને બોટ એસોસીએશન પ્રમુખ અશોક સોલંકીએ તાત્કાલીક મિટીંગ બોલાવી શોધખોળ માટેની તજવીજ હાથ ધરી છે. જયારે આ માટે નેવીનું હેલીકોપ્ટર પણ શોધખોળમાં લાગ્યું હોય તેવા સમાચાર મળી રહયાં છે. આમ લાપતાનાં સમાચાર મળતાં પરિવારનાં સભ્યોમાં પણ ભારે ગમગીની છવાઇ છે.

બોટ અંબીકા પ્રસાદની જળસમાધી લીધી એ પહેલાની છેલ્લી તસ્વીર જેમાં તે ડૂબતી દેખાઈ રહી છે. જયેશ ગોંધીયા

અંધારામાં આખી રાત પાણીની થપાટો ખાતા રહયાં : જેન્તીભાઇ
જેન્તીભાઇ મજેઠીયા પોતાની આપવીતી જણાવતા કહયું હતું કે લગભગ રાત્રીનાં આઠ વાગ્યા આસપાસ મોજાએ થપાટ મારતાં બોટમાં પાણી ભરાઇ ગયું હતું અને બોટ પલટી મારી ગઇ હતી. જેથી અમે લાકડા અને થર્મોકોલનાં સહારે પાણીમાં કુદી પડયા હતાં. અને 13 કલાાક દરિયામાં તરતા રહયા બાદ બીજે દિવસે સવારે ધર્મરાજ , ધનુષ્ય અને લક્ષ્મીપ્રસાદ નામની બોટો નિકળતાં અને તેમાં રહેલા ખલાસીઓની નજર પડી જતાં તેઓને બચાવી લીધા હતાં. અને બોટ ડુબ્યાનાં સમાચાર તેઓને આપતા તેઓની અન્ય ખલાસીઓની શોધખોળ કરતા અન્ય બે ખલાસી પણ મળી ગયા હતાં.

અધિકારી, આગેવાનોને જાણ કરવામાં આવી
ઘટનાનાં પગલે જિલ્લા પંચાયત સભ્ય અને આરોગ્ય સમિતીનાં ચેરમેન હરિભાઈ સોલંકી દોડી આવ્યા હતા. અને તેઓએ તાત્કાલીક સાંસદ રાજેશ ચુડાસમા, મંત્રી જવાહરભાઈ ચાવડા તેમજ એફસીસીનાં ડાયરેકટર વેલજીભાઈ મસાણી અને મરીન સેક્યુરિટીનાં અધિકારી તોરણીયા, નેવી કોસ્ટગાર્ડ સહિતનાં તંત્રને જાણ કરતા દોડતું થયું હતું.

ફિશરીઝની લોગબુકમાં માત્ર 5 ખલાસીનાં નામ
દરિયામાં સીમામાં ગયેલી બોટ છગન ભીખાની હોય અને ફિશીંગ સાથે આ બોટમાં પાંચ ખલાસીઓ ગયા હોય તેવું ફિશરીઝ ની લોગબુકમાં પાંચ ખલાસીઓ ગયા હોય તેવું નોંધાયેલ છે. ત્યારે ત્રણ ખલાસીઓની નોંધ થયેલી ન હોવાનું ત્યાનાં કર્મચારીઓે જણાવેલ છે. જોકે અકસ્માત થયાં બાદ ખલાસીઓની યાદી આપેલી છે તેવું જણાવેલ. બોટની લોગબુકમાં માત્ર સુનીલ બાંભણીયા, ભાવેશ બાંભણીયા, જેન્તી મેઘાનું નામ નોંધણી કરાયા વગર ગેરકાયદેસર રીતે ફિશીંગમાં મોકલાયાં હોવાનું જણાઇ આવ્યું હતું. જેમાંથી હાલ બે હજુ લાપતા છે તેનાં નામ છે.

બે માસમાં 3 બોટ અકસ્માતનો ભોગ બની
માછીમારી શરૂ થયાનાં 1 માસમાં જ દરિયાઇ તોફાન અને જેટીનાં અભાવે 3 બોટ અકસ્માતનો ભોગ બની છે. અને આ ઘટના સીઝન શરૂ થતાની સાથે જ બનતા માછીમાર પરિવારોમાં ભારે શોકનું વાતાવરણ છવાઇ જવા પામ્યું છે.

દરિયામાં લાપત્તા ખલાસીઓ
કાન્તી બાંભણીયા

ભાવેશ બાંભણીયા

સામત મજીઠીયા

સુનિલ બાંભણીયા

અન્ય સમાચારો પણ છે...