તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

25 કિ.મી. આૈદ્યોગિક વિસ્તારની સફાઇના શ્રીગણેશ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોરબી સિરામિક ઉદ્યોગને પ્રદૂષણ મામલે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા રૂ.૫૦૦ કરોડ જેટલો દંડ ફટકારવામાં આવ્યા બાદ સિરામિક ઉદ્યોગો આ મામલે વિવિધ સ્તરે કામગીરી હાથ ધરી છે. જેમાં સમગ્ર ઈન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં રહેલો સિરામિક વેસ્ટની સફાઈ કરીને વ્રુક્ષારોપણ કરવાનું અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું છે.

મોરબી સિરામિક ઈન્ડસ્ટ્રીઝ મોરબી આસપાસ ૨૫ કિમી સુધી પથરાયેલો છે. આ આખા વિસ્તારમાં વિવિધ રોડ પર અંદાજે ૭૦૦ જેટલા સિરામિક કારખાનાઓ આવ્યા છે. આ કારખાનાઓમાંથી નીકળતો સિરામિક વેસ્ટ આસપાસની ખરાબાની જગ્યાઓમાં ઠલવતો હતો. પરંતુ ઉદ્યોગની લાંબા સમયની માંગ બાદ સરકાર દ્વારા આ વેસ્ટનો નીકાલ માટે ૩ ડમ્પિંગ સાઈટમંજુર કરવામાં આવેલી છે ત્યારે સિરામિક ઉદ્યોગકારો દ્વારા આ વેસ્ટ ઉપાડવાની અને સફાઈ માટેની ઝુંબેશ વેગ પકડી રહી છે.મોરબીના માટેલ રોડ, રફાળેશ્વર રોડ તથા ઘુંટુ રોડ પર સફાઈ અભિયાન હાથ ધરાયું છે. ત્રણ-ચાર દિવસની અંદર આ તમામ રોડ આસપાસના વિસ્તાર સ્વચ્છ કરી દેવાશે.આ ત્રણ વિસ્તારો બાદ જ્યાં સૌથી વધુ સિરામિક યુનિટો આવેલા છે. તે પીપળી રોડને આઠ ઝોનમાં વહેંચીને સફાઈ અભિયાન હાથ ધરાશે. જેમાં મહેન્દ્રનગર ગામથી ટોપલેન્ડ સિરામિક સુધી, ટોપલેન્ડથી બેલા ગામ, બેલાથી સોમનાથ પંપ સુધી, સોમનાથપંપ થી રંગપર ગામ, રંગપરથી પાવડીયારી અને જીવાપર ગામ સુધી, પાવડીયારીથી સાપર ગામ અને સાપરથી ગાળા ગામ સુધીના ઝોન પાડવામાં આવ્યા છે. જેમાં ૬૫ ઉદ્યોગપતિઓને વિવિધ જવાબદારી સૌંપવામાં આવી છે. અને આગામી બે સપ્તાહમાં આ આઠેય ઝોન સ્વચ્છ કરી નાખવામાં આવશે તેવું કમિટીએ જણાવ્યું છે.

સ્વચ્છતા માટે કમિટીઓ બનાવાઇ
સિરામિક ફેકટરી ચલાવતા ઉદ્યોગપતિઓને તેમની રસ-રૂચી અને આવડત મુજબ અલગ-અલગ કમિટીઓમાં કામગીરી સોંપાઈ છે. જેમાં એક કોર કમિટી નીચે મોનીટરીંગ, ટ્રાન્સપોર્ટ, નાણાકીય અને સફાઈ એમ ચાર કમીટીયો કામ કરશે. ઉદ્યોગકારો દ્વારા સ્વેચ્છાએ જ તેમના જ ઝોનમાંથી ફંડ ભેગું કરીને જેસીબી,હિટાચી,લોડર ટ્રેકટર તથા ડમ્પર સહિતની મશીનરી તથા માણસોનો પણ સહયોગ આપવામાં આવશે અને ઉદ્યોગકારો જાતે જ આ સ્વચ્છતા અભિયાન દરમિયાન હાજર રહીને સુપરવિઝન કરશે.

હજુ પણ ઘણા વિસ્તારોમાં સફાઈ બાકી
આ ચાર રોડ સિવાય હજુ પણ જાંબુડિયા રોડ, સરતાનપર રોડ, પાનેલી રોડ, લખધીરપુર રોડ, લાલપર,બંધુનગર સહિતના વિસ્તારોમાં સિરામિક વેસ્ટના ગંજ ખડકાયેલા છે. ત્યારે આ બાકીના વિસ્તારોમાં પણ ઝડપથી સ્વચ્છતા અભિયાન હાથ ધરશે. અને વેસ્ટ હટાવીને ખાડા બુરાયા પછી જ્યાં-જ્યાં શક્ય હશે ત્યાં વધુમાં વધુ વ્રુક્ષારોપણ પણ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...