પાનેલીમાં 10 કરોડની ખનીજ ચોરીમાં મોટા માથા ભૂગર્ભમાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોરબીના પાનેલી ગામમાં ગેરકાયદે ખનીજ ચોરી બાબતમાં ગ્રામજનોએ કરેલી રજુઆતના અંતે ખાણ ખનીજ વિભાગે તપાસ કરાવી સર્વે કરાવ્યો હતો. જેના આધારે ખનીજ માફિયાઓએ ગામના ઉપસરપંચ સાથે મળી 10 કરોડથી વધુની ખનિજ ચોરી કર્યાનું ખુલતા ખનીજ વિભાગે ઉપસરપંચ સામે ફરિયાદ નોંધાવી હતી.

મોરબીના પાનેલી ગામમાં લાંબા સમયથી ખનીજ ચોરી થતી હોવાની ફરિયાદ ઉઠી હતી. ખનીજ માફિયાઓએ આવવા જવાના રજેસ્તા પણ બંધ કરી દેતા ગામના ખેડૂતોને આવવા જવામાં ભારે હાલાકી પડતી હતી. જેનો એક ખેડૂતે વિરોધ કર્યો હતો. જે બાદ ટ્રક હડફેટે ચઢી જતા તેનું મોત નિપજ્યું હતું. ગ્રામજનોએ તેની હત્યા થઈ હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. આ મામલો ગરમાતા જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને પોલીસ તંત્ર ઘટના સ્થળે દોડી ગયા હતા અને ખાણખનીજ વિભાગને પણ આ બાબતે તપાસ કરવા આદેશ કરતા જિલ્લા ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેકટરે ગામના ઉપસરપંચ રમેશભાઈ જીવાભાઈ આંતરેસા સામે રૂ.7.11 કરોડની 3,16,086 મેટ્રિક ટન ખનીજ અને પર્યાવરણ નુકશાન અંગે 2.91 કરોડ મળી કુલ રૂ 10,02,78,283 રકમની ખનીજ ચોરી કર્યા અંગેની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે તાલુકા પોલીસ સ્ટેશનનાં પીએસઆઇ એન.જે.રાણાએ તપાસ હાથ ધરી છે. 10 કરોડની ખનીજ ચોરીમાં ઉપસરપંચ સિવાય અન્ય ઘણા મોટા માથાઓની સંડોવણી ખુલે તેમ હોય અનેક મોટા માથાઓ ભૂગર્ભમાં ચાલ્યા ગયા છે.

અન્ય સામે ફરિયાદ ક્યારે ? ગ્રામજનોનો સવાલ
ખાણ ખનીજ વિભાગે માત્ર ગામનાં ઉપસરપંચ સામે જ ફરિયાદ નોંધાવી છે, જોકે જે તત્વો ખનીજ ચોરી કરી રહ્યા છે તેમની સામે ફરિયાદ નોંધાવાઇ નથી. ગ્રામજનોએ તમામ લોકો સામે ક્યારે ફરિયાદ નોંધાશે તે અંગે સવાલો કર્યા હતા.