તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરેન્દ્રનગરમાં નવી એગ્રીકલ્ચરલ કોલેજ ને વણોદમાં જીઆઇડીસી સ્થપાશે : CM

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર:  હરિયાળી ક્રાંતિ તરફ આગળ વધી રહેલા ઝાલાવાડમાં નવયુવાન ખેડૂતો ઉચ્ચ અભ્યાસ કરી આધુનિક પદ્ધતિથી ખેતી કરે, તે માટે એગ્રીકલ્ચરલ કૉલેજ અને દસાડાના વણોદમાં નવી જીઆઇડીસી સ્થાપવાની જાહેરાત મુખ્યમંત્રીએ સુરેન્દ્રનગરમાં રાજ્ય કક્ષાના 72મા સ્વતંત્રતા પર્વની ઉજવણી સમયે કરી હતી. જોકે સુરેન્દ્રનગર અને વઢવાણ પાલિકાને એક કરી મહાનગરપાલિકાની જાહેરાત થવાની લોકોની આશા ઠગારી નીવડી હતી.  કાર્યક્રમમાં લોકોની સંખ્યા વધી જતાં મંડપ નાનો પડ્યો હતો.

 

શહેરીજનો કાર્યક્રમમાં ઊમટી પડતાં જગ્યા ટૂંકી પડી હતી

 

સુરેન્દ્રનગરમાં બુધવારે 72મા સ્વતંત્રતા પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી કરાઈ હતી. જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડના વિશાળ મેદાનમાં યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો. ત્યાર બાદના વક્તવ્યમાં આઝાદી અપાવનારા સ્વતંત્રતાસેનાનીઓને યાદ કરાયા હતા. આ તકે તેમણે સુરેન્દ્રનગરમાં કૃષિ ક્રાંતિ માટે 75 એકર જમીનમાં એગ્રીકલ્ચરલ કૉલેજ સ્થાપવાની જાહેરાત કરી હતી.

 

ઉપરાંત, બેરોજગાર યુવાનોને ઉદ્યોગ ક્ષેત્રે રોજગારીની નવી તકો સાંપડે તે માટે દસાડા તાલુકાના વણોદમાં 350 હેક્ટર જમીનમાં નવી જીઆઇડીસી સ્થાપવાનું પણ જણાવ્યું હતું. ત્યાર બાદ સુરેન્દ્રનગરની શાળાનાં બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. પોલીસ વિભાગ દ્વારા વૉલી ફાયર, અશ્વદળ અને શ્વાનદળના શૉ રજૂ કરાયા હતા. પોલીસ જવાનોએ કરેલા બાઇક સ્ટંટ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. 

 

બીજી તરફ સુરેન્દ્રનગર અને વઢવાણ પાલિકાને એક કરી મહાનગરપાલિકાની જાહેરાત થવાની લોકો આશા રાખીને બેઠા હતા, તે ઠગારી નીવડી હતી. કાર્યક્રમમાં અંજલીબહેન રૂપાણી, ધારાસભ્ય ધનજીભાઈ પટેલ, નૌશાદભાઈ સોલંકી, સોમાભાઈ પટેલ, શંકરભાઈ વેગડ, વીપીન ટોળિયા, કલેક્ટર કે. રાજેશ, ડીડીઓ ડૉ. મનીશકુમાર બંસલ, જિલ્લા પોલીસવડા મનીન્દરપ્રતાપસિંહ પવાર સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

 

તસવીરો જોવા માટે આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો....